Friday, July 18, 2025
Google search engine
HomeNewsBusinessઓટો ઉદ્યોગની માઠી દશાઃ મંદી, ઉપરથી કોરોનાની લાત

ઓટો ઉદ્યોગની માઠી દશાઃ મંદી, ઉપરથી કોરોનાની લાત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના લોકડાઉનની વચ્ચે ઓટો ક્ષેત્રે ફેક્ટરીઓથી માંડીને ડીલરશિપ બંધ છે અને કોવિડ-19 રોગચાળાને કારણે દેશભરમાં લોકો ઘરે બેઠા છે, ત્યારે ભારતીય કારઉત્પાદકો માટે સૌથી ખરાબ મહિનો એપ્રિલ રહ્યો છે, કેમ કે સૌપ્રથમ વાર એવું બન્યું છે કે એપ્રિલમાં એક પણ કાર ના વેચાઈ હોય. ઓટો ઉદ્યોગની છેલ્લા ઘણા સમયથી મંદી હતી, એમાં એપ્રિલ મહિનો વેચાણની દ્રષ્ટિએ કોરોધાકોર રહ્યો છે.

કાર ઉત્પાદક કંપનીઓનો સેલ્સ ગ્રાફમાં સતત ઘટાડો એ ચિંતાનો વિષય બન્યો છે. આમ પણ મંદીનો માર ભારતીય ઓટો ઉદ્યોગમાં પર હતો જ અને કોરોના વાઇરસે પડતાને પાટુ મારવાનું કામ કર્યું છે. દેશમાં 24 માર્ચથી લઈને ત્રણ મે સુધી લોકડાઉન છે, જેથી ઉત્પાદનથી માંડીને માગમાં રેકોર્ડ ઘટાડો થયો છે.

કારઉત્પાદકો શું કહે છે?

સ્કોડા ઓટોના જેક હોલિસે ટ્વિટર પર એક મેસેજ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ઓટો ઉદ્યોગમાં મારી 30 વર્ષની કેરિયરમાં કદાચ આ પહેલી જ વાર બન્યું છે કે એક મહિનામાં એક પણ કાર ના વેચાઈ હોય. મને વિશ્વાસ છે કે વેપાર-ધંધા બહુ ઝડપથી પાટે ચઢશે. દરેક જણે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરો.’  જેક હોલિસ સ્કોડ ઇન્ડિયાના ડિરેક્ટર છે.

મારુતિ સુઝુકીના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં સેલ્સના ડેટામાં બહુ મોટો ઘટાડો નોંધાયો હશે. તેમણે કહ્યું હતું કે કેટલીક અસામાન્ય વાતો જોવા મળી. ઉદાહરણ તરીકે જોઈએ તો આવું પહેલાં ક્યારેય નથી થયું કે કોઈ પણ મહિનામાં એક પણ કારનું વેચાણ ના થયું. એપ્રિલ આવો જ મહિનો છે. સ્થાનિક સેલ્સમાં 46.4 ટકાનો ઘટાડા પછી મારુતિ સુઝુકીએ ઉત્પાદનમાં 32 ટકાનો કાપ મૂક્યો હતો. માર્ચમાં કંપનીએ કુલ 79,080 કારોનું વેચાણ કર્યું હતું.

કાર કંપનીઓના વેચાણમાં ઘટાડો

માર્ચ મહિનામાં હ્યુન્ડાઈ મોટર્સના વેચાણમાં 40.69 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. આ કંપનીએ માર્ચમાં કુલ 36,300 કારો વેચી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અને ટાટા મોટર્સના વેચાણમાં 90 ટકા અને 84 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નવા લોન્ચિંગમાં પણ સંકટ

માર્કેટ વિશ્લેષકો અનુસાર લોકડાઉન પછી નવી વ્યૂહરચના હેઠળ કામ કરવું પડશે. કાર ઉત્પાદકો હવે નવી કારોનું લોન્ચિંગ કરવાની સ્થિતિમાં નથી. કેમ કે દરેક કારઉત્પાદકો પાસે પહેલેથી જ માલભરાવો છે. વળી હાલના સમયમાં નિકાસ પણ થઈ શકે એમ નથી, કેમ કે વિશ્વભરમાં કોરોના વાઇરસનો ફેલાવો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular