Sunday, July 20, 2025
Google search engine
HomeNewsInternationalટ્રમ્પ તો નારાજ છેઃ ભારત સાથે હમણાં મોટો વ્યાપાર સોદો નહીં કરે

ટ્રમ્પ તો નારાજ છેઃ ભારત સાથે હમણાં મોટો વ્યાપાર સોદો નહીં કરે

વોશિંગ્ટન – આવતી 24-25 ફેબ્રુઆરીએ ભારતની પ્રથમ મુલાકાત પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારને આંચકો આપ્યો છે. એમણે કહ્યું છે કે તેઓ ભારત સાથે કોઈ મોટો દ્વિપક્ષી વ્યાપાર કરાર હમણાં નહીં કરે, પણ એને બચાવી રાખશે. આ વર્ષના નવેંબરમાં નિર્ધારિત યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલાં એ કરાર કરવામાં આવે એવું પોતાને લાગતું નથી.

ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે એમની આગામી મુલાકાત વખતે ભારત-અમેરિકા વચ્ચે કોઈ મોટો દ્વિપક્ષી કરાર કરવામાં નહીં આવે.

ગઈ કાલે બપોરે મેરીલેન્ડસ્થિત જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે મોટો વ્યાપાર કરાર ચોક્કસ કરીશું, પરંતુ એને હું પછીના સમય માટે સાચવી રાખવાનો છું.

ટ્રમ્પની મુલાકાત વખતે અમેરિકા અને ભારત કોઈ ‘ટ્રેડ પેકેજ’ પર સહીસિક્કા કરે એવી ધારણા તો રખાય છે.

ભારત સાથે કોઈ મોટો વ્યાપાર સોદો કરવાનું તમે તમારી મુલાકાત પૂર્વે વિચારો છો ખરા? એવા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ‘અમે ભારત સાથે ઘણો જ મોટો વ્યાપાર સોદો કરવાના છીએ. પરંતુ ચૂંટણી (પ્રમુખપદની ચૂંટણી) પહેલાં એ કરવામાં આવશે કે કેમ એની મને ખબર નથી. પરંતુ અમે ભારત સાથે મોટો સોદો કરવાના છીએ એ તો નક્કી છે.’

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશે ટ્રમ્પે અસંતોષ વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું કે, ‘ભારતે અમેરિકા સાથે સારો વ્યવહાર કર્યો નથી.’

ટ્રમ્પે જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ‘મને વડા પ્રધાન મોદી સાથે ઘણું સારું બને છે. એમણે મને કહ્યું છે કે અમદાવાદના એરપોર્ટ અને ત્યાંના સ્ટેડિયમમાં નિર્ધારિત કાર્યક્રમ માટે અમને 70 લાખ જેટલા લોકો આવકારવા માટે એકત્ર થશે. મને એવું જાણવા મળ્યું છે કે સ્ટેડિયમમાં હજી બાંધકામ ચાલુ છે. પરંતુ એ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બનવાનું છે. મારી મુલાકાત બહુ જ રોમાંચક બની રહેશે… મને આશા છે કે તમને પણ આનંદ આવશે.’

ભારત સરકાર અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ અને એમના પત્ની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પનું ભવ્ય રીતે સ્વાગત કરવાની છે. એ માટે હાલ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular