Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalપોતાને "છોટુ" કહેનારી મહિલાનો રતન તાતાએ સોશિયલ મીડિયા પર કર્યો બચાવ

પોતાને “છોટુ” કહેનારી મહિલાનો રતન તાતાએ સોશિયલ મીડિયા પર કર્યો બચાવ

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન તાતા ખૂબ સરળ વ્યક્તિવ ધરાવતા વ્યક્તિ છે. અને એટલા માટે તેઓ સામાન્ય માણસો વચ્ચે વખણાય છે અને પ્રેમાય છે. અનેક લોકો રતન તાતાને ફોલો કરે છે અને તેમના સ્વભાવથી ખૂબ પ્રસન્ન હોય છે. ત્યારે રતન તાતાએ કંઈક એવું કર્યું છે કે જેને લઈને લોકો સોશિયલ મીડિયા પર તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. હકીકતમાં એક મહિલાએ સોશિયલ મીડિયા પર રતન તાતાની પોસ્ટ પર કમેન્ટ કરતા તેમને “છોટૂ” કહ્યા હતા, બાદમાં તે મહિલા ટ્રોલ થવા લાગી તો ખૂદ રતન તાતાએ વચ્ચે આવીને તે મહિલાનો બચાવ કર્યો. રતન તાતાએ ઓક્ટોબર 2019ના રોજ ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું. રતન તાતાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આટલા ઓછા સમયમાં તેમના 1 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. પોતાના એક મિલિયન ફોલોઅર્સ થવાની ખુશીમાં રતન તાતાએ તાજેતરમાં જ પોતાનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જેમાં તાતા જમીન પર બેસેલા જોવા મળ્યા હતા.

પોતાના આ ફોટો સાથે રતન તાતાએ લખ્યું કે, મેં જોયું કે આ પેજ પર લોકોની સંખ્યા ખૂબ મજબૂત પથ્થર બનીને ઉભી છે. જ્યારે મે ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું, ત્યારે મેં આ ઓનલાઈન પરિવારની કલ્પના પણ નહોતી કરી. હું આના માટે આપ તમામને ધન્યવાદ આપું છું. મને વિશ્વાસ છે કે, ઈન્ટરનેટના આ યુગમાં આપ લોકો જે ક્વોલિટી કનેક્શન બનાવી રહ્યા છો, તે કોઈપણ નંબરથી મોટું છે. આ સમુદાયનો ભાગ બનવાના નાતે અને તમારી પાસેથી કંઈક શીખવું ખૂબ ઉત્સાહજનક છે અને મને ખુશી આપે છે. હું આશા રાખું છું કે આ યાત્રા ચાલુ રહેશે.

રતન તાતાની આ પોસ્ટ પર કમેન્ટ્સ અને લાઈક્સનું તો જાણે ઘોડાપૂર આવી જ ગયું. આ દરમિયાન એક મહિલાએ તાતાની કમેન્ટ્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, “શુભેચ્છાઓ છોટૂ” અને સાથે ઈમોજી પણ પોસ્ટ કર્યું. જો કે મહિલાની આ કમેન્ટ્સે ઘણા યૂઝર્સને નારાજ કરી દિધા અને લોકોએ આને અયોગ્ય ગણાવ્યું અને લોકોએ મહિલાને ટ્રોલ કરવાની શરુ કરી.

બાદમાં રતન તાતા પોતે આ મહિલાના બચાવમાં આવ્યા અને કમેન્ટ કરીને લોકોને મહિલા સાથે ઈજ્જતથી વાત કરવાની અપીલ કરી. બાદમાં મહિલાને પણ પોતાની ભૂલનું ભાન થતા પોતાની કમેન્ટ ડિલીટ કરી નાંખી.

રતન તાતાએ પોતાની કમેન્ટમાં લખ્યું કે, હું મહિલા દ્વારા દિલથી લખાયેલી નોટની ઈજ્જત કરું છું અને આશા રાખું છું કે તેઓ હવે પછીથી પોસ્ટિંગ કરવાનું બંધ નહી કરે.

રતન તાતાના સરળ સ્વભાવથી ઉભરાતા સોશિયલ મીડિયાના આ જવાબ પર લોકો તેમને ખૂબ વખાણી રહ્યા છે. રતન તાતાની આ પોસ્ટ વાયરલ પણ થઈ ગઈ છે અને લોકો આના પર ખૂબ સારો પ્રતિસાદ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રતન તાતાની આ પહેલા પણ કેટલીક પોસ્ટ વાયરલ થઈ ચૂકી છે. જેમાં તેમનો જૂનો એક ફોટો જે પોસ્ટ કરવામાં આવ્યો હતો, તેનો પણ સમાવેશ થાય છે. જેના પર લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular