ઓડિશા: 22મી ઓક્ટોબર મંગળવારની સવારે અથવા આગામી 24 કલાકમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ‘દાના’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 100થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેને ધ્યાનમાં લઈને IMDએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. હવામાન વિભાગે મંગળવારે દક્ષિણી કર્ણાટક, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મંગળવાર સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જેના પગલે 22 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરની વચ્ચે ખતરનાક વાવાઝોડાની શક્યતા છે. બંગાળની ખાડીથી લઈને તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિ 25 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ઓડિશાના 11 જિલ્લા સહિત બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.