દિલ્હી: તમને રોડ પર બેઠાં-બેઠાં જ અવકાશી નજારાનો અનુભવ થવા માંડે! અવકાશી તારા દેખાવા માંડે તો? એક અમેરિકન યુ-ટ્યુબરને શેરીમાં બેઠાં-બેઠાં આવા જ અવકાશી નજારાનો અનુભવ થયો. વાત જાણે એમ છે કે, દિલ્હીની શેરીમાં આ યુ-ટ્યુબરને હિન્દી ફિલ્મ ‘પ્યાસા’નું ગીત ‘સર જો તેરા ચકરાયે…’ વાળા જ્હોની વોકર જેવા એક મુહમ્મદભાઈ મળી ગયા, જેઓ વ્યવસાયે તેલ માલિશ કરનારા છે.વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર 1.2 મિલિયન સબસ્ક્રાઈબર્સ ધરાવતા અમેરિકન યુટ્યુબર ડેઇલી મેક્સે માથાં અને ખભાની મસાજ કરાવવાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ક્લિપમાં, તે દક્ષિણ દિલ્હીના બજારમાં મુહમ્મદ વારિસ નામની વ્યક્તિનો સંપર્ક કરે છે. ક્લિપમાં મેક્સ કહે છે કે, ‘તેણે આ ભાઈને મસાજ કરતા જોયો છે. જે સખત મહેનત કરી રહ્યો છે, કામમાં સારો દેખાવ કરી રહ્યો છે; હું આ વ્યક્તિ પાસેથી માથાંનો મસાજ કરાવવા માટે ઉત્સાહિત છું. આ એક સારો જ મસાજ હશે!’
વીડિયોમાં થોડી ક્ષણો પછી, મિસ્ટર મેક્સ મુહમ્મદભાઈની કુશળતાથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થતાં દેખાય છે અને મસાજ તકનીકનો આનંદ માણતા જોવા મળી રહ્યાં છે. ‘એલોન મસ્કે આ વ્યક્તિને નોકરી પર રાખવાની જરૂર છે. કારણ કે, હું હમણાં જ અવકાશ ભ્રમણ પર હતો,’ એવી મેક્સે રમૂજી ટિપ્પણી કરી. અને આ જ વાત તેણે પોતાના વીડિયોની કેપ્શનમાં પણ લખી છે. ‘આ કોસ્મિક ઈન્ડિયન હેડ મસાજથી મને તારાઓ દેખાય છે.’