નવી દિલ્હી: 26મી નવેમ્બર એટલે ભારતીય સંવિધાન દિવસ. ત્યારે આજે ભારતના 75મા બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું.સંસ્કૃત ભાષા ભારતની પ્રાચીન ભાષા છે. તેમજ મૈથિલી એ દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્ય તેમજ નેપાળના તરાઈ પ્રદેશની પ્રાદેશિક ભાષા છે. આ ભાષા લખવા માટે દેવનાગરી લિપીનો ઉપયોગ થાય છે. જેને આજે પણ ઉત્તર ભારતના ઘણા લોકો વાંચી અને લખી શકે છે.
બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વિશેષ પોસ્ટ સ્ટેમ્પ અને સિક્કાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સત્રમાં કેન્દ્ર સરકારે નવી વેબસાઈટ https: //constitution75.com પણ લોન્ચ કરી છે. જે નાગરિકોને વિવિધ એક્ટિવિટી અને રિસોર્સિસ મારફત બંધારણનો વારસો જાળવી રાખવા પ્રોત્સાહન આપશે. દેશભરની સ્કૂલ-કોલેજોમાં બંધારણની પ્રસ્તાવનાનું સંયુક્ત વાંચન પણ કરાશે.