‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

કશ્મીર ચિત્રનું શૂટિંગ તો જિંદગીભર યાદ રહેશે… પૂનાની મહેફિલમાં બનેલો બનાવ

હમણાં ઘણા વખતથી મેં ‘ચિત્રલેખા’માં ‘સ્ટુડિયોમાં બેઠાં બેઠાં’ની કૉલમ નીચે લખ્યું નથી. જો કે આપણે કરાર કર્યો હતો કે મારે દર વખતે કંઈનું કંઈ લખવું, પણ ખરું પૂછો તો હું હમણાં અમારા નવા ચિત્રોની તૈયારીમાં લાગી ગયો છું.

આજે લખવાનું કે થોડા વખત પહેલાં જ એટલે કે ગયે અઠવાડિયે ગંભીર, છતાં પણ રમૂજ ઉપજાવે એવો પ્રસંગ બની ગયો છે.

‘કશ્મીર’ ચિત્ર હવે તો લગભગ પૂરું થવા આવ્યું છે. એના થોડા શૉટ્સ બાકી છે અને એ લેવા માટે અમે પૂના જવાનું નક્કી કર્યું. અમારી સાથે ચિત્રના દિગ્દર્શક મિ. જોલી, જાણીતા કૅમેરામૅન ચંદુ, અમારા એડિટર બાબુભાઈ ઠક્કર અને રમેશભાઈ હતા.

એક હોટેલમાં અમારો મુકામ હતો અને વાતાવરણ ખૂબ જ આનંદથી ભરપૂર હતું. મિ. જોલી હંમેશ મુજબ લહેરમાં જ હતા અને સ્વભાવ પ્રમાણે એક ઠેકાણે જંપીને બેસતા નહીં. ઘડીક અહીં ઊભા રહે તો ઘડીક વાડામાં આંટા મારી આવે. શૂટિંગ હતું નહીં એટલે અમે રમત રમવાનું શરૂ કર્યું. જોલીએ કહ્યું:

‘યાર, કંઈ બહારથી ખાવાનું લઈ આવો તો મજા આવે.’

બહારથી ખાવાનું આવ્યું. નિશાનબાજીની અમે રમત રમતા હતા લાકડાંના ચક્કરમાં ડાર્ટ ફેંકવાની!

ચંદુભાઈ ખૂબ જ આનંદમાં હતા, એમને સાધારણ ભૂખ પણ લાગી હતી. ખાવાનું આવ્યું કે એમણે એક ટુકડો ઉઠાવ્યો અને પછી રમવાનું શરૂ કર્યું. રમતાં રમતાં સૌકોઈ ખાતું જતું હતું. થોડી વાર થઈ કે ચંદુભાઈએ અમને કહ્યું:

‘મને કંઈ થાય છે અને મારું માથું પણ ભારે લાગે છે.’

દિગ્દર્શકે કહ્યું: ‘ચંદુ, એક સોડા પી જા.’

‘સોડા પીને શું કરું? મારું માથું ભમે છે.’

અમે બધા ખડખડાટ હસી પડ્યા. ચંદુભાઈ અમારી સામે ટગરટગર જોવા લાગ્યા અને એમની જોવાની રીત એવી હતી કે હસવું આવ્યા વિના ન જ રહે. એણે થોડી વારમાં એકદમ ઊંચા સાદે કહ્યું:

ફોટોગ્રાફર ચંદુ ઠક્કર

‘તમે બધા શું કરો છો એ મને દેખાતું નથી. બધા ફોકસની બહાર ચાલ્યા ગયા છો તમે બધા આઉટ-ફોકસ છો.’

અને આ સાંભળીને ફરી અમે હસી પડ્યા. ચંદુની સ્થિતિ અમને વિચિત્ર લાગી, પણ અમને કોઈને ભાન ન આવ્યું કે ચંદુને ખોરાકનું ઝેર ચડી ગયું છે અને એ ભાન ન આવે એ પણ સ્વાભાવિક છે, કારણ કે અમે પણ બધાએ એ જ ખાવાનું ખાધું હતું અને અમારા કોઈ પર કંઈ અસર થઈ ન હતી. ચંદુએ બોલવા માડ્યું:

‘જુઓ, મને મારો હાથ દેખાતો નથી, પગ દેખાતો નથી. તમે બધા હસવાનું બંધ કરો અને ડૉક્ટરને બોલાવો.’

ચંદુને કંઈ અમસ્તું માથું ચડ્યું હશે એમ માનીને જોલીએ એને સુવાડી દીધો અને બાબુભાઈ ડૉક્ટર પાસે ગયા.

બધી વાત કરી અને ડૉક્ટરે દવા લખી આપી. બાબુભાઈ દવા લઈને તો આવ્યા, પણ પછી થોડી વારમાં જ એનું માથું ભમવા લાગ્યું. ચંદુને દવા આપી દીધી. ચંદુએ છેલ્લી ભલામણ કરવા માંડી:

‘ભાઈઓ! હવે હું થોડા વખતનો જ મહેમાન છું. પિક્ચરના જે કંઈ થોડા શૉટ્સ બાકી રહ્યા છે એ કોઈ બીજા કૅમેરામૅન પાસે લેવડાવી લેજો. મારાં બાળબચ્ચાંની પૂરી તપાસ રાખજો.’

અને આ સાંભળીને જોલીને હસવું આવતું હતું. થોડી વારમાં ચંદુને ઊલટી થઈ અને એ બેઠા થયા, પોતાનો હાથ આંખ આગળ ધરીને કહેવા લાગ્યા:

‘હમ્મ્, હવે દેખાયું, પગ દેખાય છે. હવે થોડી શાંતિ છે.’

ચંદુએ જોયું તો મિ. જોલી લાંબા થઈને સૂઈ ગયા હતા.

ચંદુએ બૂમ પાડી: ‘અરે, કોઈ ડૉક્ટરને બોલાવો, ગાડી મગાવો અને ચાલો બધા દવાખાને, કંઈ ગોટાળો થઈ ગયો છે.’

પણ કોણ સાંભળે? અમારામાંના એક જણને હજી ઝેરની અસર થઈ ન હતી એ ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટર તો ઈન્જેક્શન આપીને ચાલ્યો ગયો. એકલા ચંદુમાં જ બોલવાની શક્તિ હતી. બાકી બધા જેમ-તેમ ઓરડામાં પડ્યા હતા. ચંદુને ગભરાટ થયો. એના હાથમાં પાણીનું માટલું હતું અને માથા પર ટુવાલ હતો. ચંદુભાઈ બહાર નીકળ્યા અને બૂમો પાડવા લાગ્યા:

‘અરે ભાઈઓ, બધા અહીં આવો. ગોટાળો થઈ ગયો છે. અમે બધા ઝેર ખાઈ ગયા છીએ અને લગભગ અડધા મરી ગયા છીએ.’

હોટેલની અંદરની બાજુમાં રહેતા પડોશીઓ દોડી આવ્યા. ચંદુનો દેખાવ અને એની ભાષા સાંભળીને બધા હસવા લાગ્યા. અંદર અંદર વાતો કરવા લાગ્યા કે ‘પીધો લાગે છે!’ ચંદુએ બધાને કહ્યું:

‘ભાઈ! અમે કોઈએ પીધો નથી. હું જિંદગીમાં દારૂને અડક્યો નથી અને દારૂ હવે મળતો પણ નથી. સાચું કહું છું કે અમે ઝેર ખાધું છે અને તમે બધા મહેરબાની કરીને મદદ કરો.’

આખરે પડોશીઓ અંદર આવ્યા. જોયું તો અમારા બિરાદરો લાંબા થઈને પડ્યા હતા. કોઈને કંઈ ભાન ન હતું.

હવે પડોશીઓને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈ ગોટાળો થયો છે. આખરે પોલીસને બોલાવવામાં આવી અને ચંદુએ એ લોકોને કહ્યું: ‘સાહેબ, અમને બધાને હૉસ્પિટલમાં ખસેડો, ઝેર ખવાઈ ગયું છે. થોડા વખત પહેલાં હું આઉટ ફોકસ થઈ ગયો હતો, પણ ઊલટી થયા પછી હવે કંઈક ઠીક છે.’

અમને બધાને આખરે દવાખાને ખસેડવામાં આવ્યા, ઈન્જેકશનો અપાયાં અને ચોવીસ કલાક પછી બધા ઠેકાણે આવ્યા. ઈશ્વરની એટલી મહેરબાની કે બધા બચી ગયા. ‘કશ્મીર’ ચિત્રનું શૂટિંગ તો અમને જિંદગીભર સુધી યાદ રહેશે.