‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ


સવાલ અને જવાબઃ વાચકોના અલબેલા પ્રશ્નો, વજુભાઈના હાસ્યમય જવાબ

‘ચિત્રલેખા’ પ્રગટ થયાના પ્રથમ અંકથી જ વાચકોના દૂર-સુદૂરથી તેમ જ દેશ-પરદેશથી અચૂક પત્રો આવતા. એટલું જ નહીં, વાચકો વજુ કોટકને જાતજાતના સવાલો પણ પૂછતા. પોતાની સામાજિક સમસ્યા, રીત-રિવાજ, શિક્ષણથી લઈને અમુક વાચકો રમૂજ ખાતર અલબેલા પ્રશ્નો પૂછતા અને વજુભાઈ રમતિયાળ શૈલીમાં ટૂંકાણમાં પ્રત્યુત્તર પાઠવતા. ખૂબ જ ઓછા શબ્દોમાં હૃદયને સ્પર્શી જાય એવી એમની શૈલી ટૂંકા ગાળામાં લોકપ્રિય થઈ ગઈ. પછી તો વધુ ને વધુ વાચકો પત્રો લખતા. જેને ‘અમે અને તમે’ શીર્ષક હેઠળ બે-ત્રણ પાનાં ભરીને જવાબ આપવામાં આવતા હતા. ‘અમે અને તમે’ કૉલમમાં વજુ કોટકુનું રમૂજ અને સાથે જીવન પ્રત્યેનું ઊંડાણભર્યું ચિંતન પ્રગટ થાય છે. વીજળીના ઝબકારા જેવા સવાલ અને જવાબ વાંચવાની વાચકોને અચૂક મજા પડશે.

અજબ સવાલ અને વજુ કોટકના ગજબ જવાબ…!

■સ: મારો મિત્ર કહેછે ટાઢનું વજન સવામણ, દસ શેર અને બે મુઠ્ઠી તો તે કેવી રીતે?

જ: જ્યારે ઠંડી પડે છે ત્યારે શ્રીમંત સવામણની રજાઈમાં પોઢે છે માટે ઠંડીનું વજન સવા મણ ગણાય. સાધારણ માણસ દસ શેરની રજાઈ વાપરે છે ત્યાં ટાઢનું વજન દસ શેર થયું, અને ગરીબ માણસ ટુંટિયું વાળી બે મુઠ્ઠી બંધ કરીને સુએ છે. માટે ત્યાં ટાઢનું વજન બે મુઠ્ઠી થયું.

■ સ: એક વખત હાથમાંથી ગયું તે શું?

જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.

■ સ: પ્રેમ કરવો એ પાપ છે?

જઃ પ્રેમ કરવો એ પાપ નથી, પણ કરીને ન નિભાવવો એ જરૂર પાપ છે.

■ સ: શ્રવણનાં માતા-પિતાનું નામ શું હતું?

જઃ શ્રદ્ધા અને સંસ્કાર.

■ સ: પુરુષના જીવનમાં સ્ત્રીનું સ્થાન શું?

જ: પાનના બીડા ઉપર લવીંગનું સ્થાન છે તે.

■ સ: આત્માનું તેજ ક્યારે વધે છે?

જઃ ‘સ્વ’નો ‘પર’માં વિલય થતો રહે ત્યારે.

■ સ: હાલમાં આઝાદી ક્યાં છુપાઈ છે?

જઃ થોડાક માણસોની આબાદીમાં.

■ સ: દુનિયામાં સુખી માણસ કોણ?

જઃ જેની સમક્ષ કોઈ પણ જાતના પ્રશ્ન નથી તે.

■ સ: જન્મ શું છે?

જઃ મૃત્યુનો સામો કિનારો.

■ સ: પોતાનો સ્વાર્થ સાધવા માટે આપણને મૃત્યુનો ભય કોણ બતાવે છે?

જ: વીમાવાળો! એ આપણને કહેશે કે જિંદગીનો વિશ્વાસ કરવો નહીં. તમે મરી જાઓ તો તમારા કુટુંબનું શું? આવી રીતે તે ડરાવે છે અને પછી વીમો લે છે. વીમો લીધા પછી કંપની એમ જ ઈચ્છે કે આપણે લાંબું આયુષ્ય ભોગવીએ અને પૂરાં પ્રીમિયમ ભરીએ છીએ. છેને વિચિત્રતા?

■ સ: મૃત્યુ પામેલા માણસો એવો તે કયો ખોરાક ખાય છે કે જેથી આપણને એમ જ લાગે છે કે તેઓ જીવી રહ્યા છે?

જઃ કીર્તિ એ મૃત્યુ પામેલાઓનો ખોરાક છે અને તેથી જેમણે સારાં કર્મો કર્યાં છે તેઓ એમની કીર્તિના લીધે આપણને જીવતા જ લાગે છે. ગાંધીજીનો દેહ ગયો, પણ તેમણે સુવાસ મૂકી છે. એના બળે આપણને પળે પળે એમ જ લાગે છે કે તેઓ આપણી વચ્ચે જીવી રહ્યા છે. મૂડીનું વ્યાજ ત્યાં સુધી જ મળે છે કે જ્યાં સુધી તે સહીસલામત છે, પણ શુભ કાર્યોથી મળેલી કીર્તિની મૂડી એવી છે કે જેને કોઈ બીજો પચાવી શકતો નથી, એનો નાશ થતો નથી અને વ્યાજ મળ્યા જ કરે છે.

■ સ: બાળક એટલે?

જ: લગ્નજીવનનું વ્યાજ.

■ સ: શું ખાવાથી માણસો સુધરે છે?

જ: ઠોકર ખાવાથી.

■ સ: ઈશ્વર આપણા હૃદયમાં કેવી રીતે છુપાયો છે?

જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.

■ સ: સુખના શત્રુ કોણ?

જ: અસંતોષ, વહેમ અને શંકા

■ સ: હાસ્યમાં શું છુપાયેલું છે?

જઃ આંસુનું અમૃત.

■ સ: સ્ત્રી પુરુષ પાસે બદલામાં શું ઈચ્છે છે?

જઃ માતૃત્વ.