‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

ખડખડાટ હસાવતા ટુચકાઓ…

શેઠને માથે દેવું વધી ગયેલું એટલે ઉઘરાણીવાળા આવ્યા જ કરે. શેઠ પોતાની પત્નીને કહે, ‘તારે કહી દેવું કે શેઠ ઘરમાં નથી.’
છ મહિના સુધી આ ક્રમ ચાલ્યો.
એક દિવસ રાત્રે શેઠાણીએ શેઠને જગાડ્યા અને કહ્યું, ‘રસોડામાં અવાજ થાય છે અને ચોર આવ્યા લાગે છે.’
શેઠે કહ્યું, ‘કહી દે કે શેઠ ઘરમાં નથી.’

*************

પોલીસે જોયું કે દૂરથી જે મોટર આવે છે એની ઝડપ ઘણી વધારે છે. તેણે હાથ ધર્યો કે મોટર અટકી.
પોલીસે મોટર ચલાવનાર સ્ત્રીને કહ્યું, ‘૪૫ કરતાં પણ વધુ…’
બાઈ વચમાં જ બોલી ઊઠી, ‘આજે મેં પફપાવડર લગાડ્યાં નથી એટલે ૪૫ વર્ષ દેખાતાં હશે, પણ મારી ઉંમર ફક્ત ૩૦ વર્ષની જ છે.’
પોલીસે કહ્યું, ‘હું ઉંમર જોવા નથી માગતો, હું એમ કહું છું કે તમે ૪૫ માઈલ કરતાં વધુ સ્પીડથી મોટર ચલાવતાં હતાં.’

*************

‘ડો. પારેખનું દવાખાનું’ એવું પાટિયું એક છોકરાએ વાંચ્યું.
ડોક્ટરની પ્રેક્ટિસ ચાલતી જ ન હતી અને એમને એમ બેસી રહેતા હતા.
એક દિવસ એવું બન્યું કે ડોક્ટરે દવાખાનું બંધ કર્યું અને ઘેર ગયા.
એટલે એક છોકરાએ લખ્યું કે, ‘ડો. પારેખનું હવાખાનું.’

*************

પતિ બહારગામ જવા માટે તૈયાર થયોય ત્યારે પત્નીએ પૂછ્યું, ‘એમ કહેવાય છે કે ‘પૈસો બોલે છે’ એ સાચું છે?’
‘હં.’
‘તો પછી તમારી ગેરહાજરીમાં મને એકાંત ન લાગે એટલા માટે થોડા પૈસા મૂકતા જાઓ. જો પૈસા બોલતા રહે તો ઘરમાં ગમે અને દિવસો આકરા ન જાય, સમજ્યા?’

‘કલાકના ૮૦ માઈલની ઝડપે આપણે મોટર ચલાવી રહ્યા છીએ એ જાણીને તને આનંદ નથી થતો?’
‘ના આપણે જીવતા છીએ એ જ આપણા માટે નવાઈ છે.!’

*************

ન્યાયાધીશને લાગ્યું કે સાક્ષી ખોટી જુબાની આપી રહ્યો છે. એમણે કહ્યું, ‘હું તમને એક વાત યાદ અપાવવા માગું છું. તમે જે કંઈ કહેશો તે સત્ય હશે એવા તમે સોગંદ લીધા છે.’
‘જી હા, મને યાદ છે.’
‘અને જો તમે જૂઠ્ઠું બોલશો તો શું પરિણામ આવશે એ તમે જાણો છો?’
‘જી હા, હું આ કેસ જીતી જઈશ.’

*************

શિક્ષક ઉપર માતાએ પત્ર લખ્યો, ‘આપના હાથ નીચે ભણતો મારો પુત્ર મહેન્દ્ર નાજુક બાંધો ધરાવે છે અને તેથી તમારે એને કોઈ પણ જાતની શારીરિક સજા કરવી નહીં. અમે પણ ઘરમાં ત્યારે જ સજા કરીએ છીએ કે જ્યારે એ અમારી સામે લાકડી લઈને દોડે છે. હવે આપ સમજી શકશો કે સ્વરક્ષણનો સવાલ ઊભો થાય તો જ અમે એને સજા કરીએ છીએ.’

*************

એક નેતા ભાષણ કરવા ઊભા થાય ત્યારે એટલું બધું બોલવા માંડે કે એમને બેસાડવા મુશ્કેલ થઈ પડે.
એવા એક નેતા રવિવારે યોજાયેલા એક મનોરંજન કાર્યક્રમમાં બોલવા ઊભા થયા.
પ્રેક્ષકો થોડી વાર પછી કંટાળ્યા.
એક પ્રેક્ષકે બીજાને પૂછ્યું, ‘હવે પછી શું આવશે?’
બીજાએ જવાબ આપ્યો, ‘સોમવાર..! એટલે એમ કે દિવસ બદલાઈ જશે પણ નેતાનું ભાષણ તો ચાલુ જ રહેશે.’

*************

દસ માણસોને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. તેમણે કહ્યું, ‘તમે બધા રસ્તા વચ્ચે અંદર અંદર લડાઈ કરતા હતા ત્યારે તમને પકડવામાં આવ્યા. જાહેર શાંતિનો ભંગ કરવાનો તમારા પર આરોપ મૂકવામાં આવ્યો છે.’
એક યુવાને પૂછ્યું, ‘રસ્તા ઉપર લડાઈ કરીએ તો શું તે ગુનો કહેવાય?’
‘હા’.
‘પણ અમલદારે જ્યારે અમને પકડ્યા ત્યારે અમે લડાઈ કરતા ન હતા. એટલે અમારા ઉપર લડાઈ કરવાનો આરોપ ન મૂકી શકાય.’
‘ત્યારે શું કરતા હતા તમે?’
‘અમે એકબીજાને છોડાવતા હતા.’
ન્યાયાધીશે કહ્યું, ‘જાઓ તમને છોડી મૂકવામાં આવે છે.’

*************

હોટલમાં ટેબલ પર ભોજનનો આનંદ માણી રહેલા બે મિત્રો રાજકારણની ચર્ચા કરવા લાગ્યા. બંનેના વિચારો જુદા એટલે મતભેદ પડ્યો. ઊંચે સાદે બોલવા લાગ્યા, ગરમાગરમ શબ્દોની લેતીદેતી થવા લાગી અને એ જોઈને હોટલનો માલિક એમની પાસે આવ્યો, વિનંતી કરતા કહ્યું,
‘તમારું ભોજન રખડી પડ્યું છે. આપ બંને રાજકારણ બંધ કરો અને ખાઈપીને આનંદ કરો.’
એક યુવાને જવાબ આપ્યો, ‘જો ખાવું અને આનંદ કરવો એ જ જિંદગી હોય તો ગધેડા અને માણસની વચ્ચે ફેર રહે છે?’
હોટલના માલિકે જવાબ આપ્યો, ‘બંને વચ્ચે ઘણો ફેર છે. હોટલમાં ખાધા પછી માણસ બીલના પૈસા ભરે છે. જ્યારે ગધેડો બીલ ચૂકવતો નથી.’

*************

દેવળમાં એક માણસ પ્રાર્થના કરવા આવ્યો. પાદરીએ ઉપદેશ આપવો શરૂ કર્યો, પણ એવામાં એમને ભાન થયું કે પેલા માણસના મોઢામાંથી દેશી દારૂની દુર્ગંધ આવે છે. પાદરીએ મોઢું બગાડતાં કહ્યું, ‘અરરર, તારા શ્વાસમાંથી કેવી ખરાબ વાસ આવે છે. તું સ્વર્ગમાં જઈશ તો કોઈ દાખલ પણ નહીં કરે.’
પેલાએ જવાબ આપ્યો, ‘સાહેબ, દાખલ થવામાં વાંધો નહીં આવે, કારણ કે હું સ્વર્ગમાં જાઉં તો એ પહેલાં તો પૃથ્વી ઉપર જ મારો શ્વાસ બંધ થઈ ગયો હશે. પછી શ્વાસમાં વાસ આવવાનો સવાલ જ ઊભો નહીં થાય.’