વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત બનો
થોડા દિવસો પહેલાં જ મુંબઈમાંથી ત્રણ માણસ પકડાયા. એક મુસ્લિમ, એક હિંદુ અને એક ખ્રિસ્તી.
‘અમે તમને ચલણી નોટો બમણી બનાવી દઈશું.’ એમ કહીને આ લોકો ભોળા લોકોને છેતરતા હતા એવો આરોપ એમના પર મૂકવામાં આવ્યો છે. સામા માણસને આંજી નાખવા ખાતર એ કહેતા: ‘બચ્ચા, લે આ કાચનો ગ્લાસ, એે પાણીમાં બોળ અને જો કાચ ઉપર દસની નોટ જેવું દેખાય તો માની લેજે કે ભગવાને તારા પૈસા બમણા કરવાનો અમને આદેશ આપ્યો છે.’
પાણીમાં પડતાની સાથે જ કાચ ઉપર દસની નોટું ચિત્ર દેખાતું હતું અને ભોળો માણસ આ ચમત્કારથી અંજાઈ જતો. ભોળપણ અને અંધશ્રદ્ધાનો લાભ લઈને ઘણા માણસોને આ કંપની બનાવી ગઈ અને ઠીક પૈસા ભેગા કરી લીધા!
છેવટે પોલીસના હાથમાં ફસાઈ ગયા. પાણીમાં ગ્લાસ જેવો પડતો કે કાચ ઉપર લગાડેલાં અમુક રસાયણો દૂર થતાં દસની નોટનું ચિત્ર દેખાતું હતું! વિજ્ઞાનનો લાભ લઈને ચમત્કારો બતાવનારા આજકાલ ભટકી રહ્યા છે અને જોવા જેવું તો એ છે કે ભગવાનના નામે છેતરપિંડીનો ધંધો કરનારાઓને કોમ, ભાષા, પ્રાંત કે ધર્મા ભેદ નડતા નથી.
ગામડામાં એક બાવો ગયો અને સ્મશાનમાં ઊતર્યો. બીજા કરતાં પોતે કંઈ વધારે શક્તિશાળી છે એવું બતાવવા માટે ઘણા બાવાઓ આવી વિચિત્ર જગ્યાએ ઉતારો કરે છે. ગામમાં વાત ફેલાઈ ગઈ અને અંધશ્રદ્ધાળુ માણસો ત્યાં પહોંચ્યા. બાવાજી બોલ્યા: ‘રાતના બાર વાગે આવજો. એ વખતે મારી યોગસાધના ચાલુ હશે. તમે સૌ મૂંગા બેસી રહેજો. મને બોલાવતા નહીં અને સાથે દીવાબત્તી જેવું કંઈ લાવતા નહીં.’
અમાસની અંધારી રાત્રે 15 કે 20 માણસો સ્મશાનમાં પહોંચ્યા. બાવાજી જેમ ફાવે તેમ મંત્રો બોલતા હતા. પછી એમણે કમંડળમાંથી પાણી મોઢામાં ભર્યું, કોગળો કર્યો અને ભડકા જેવું કંઈ થયું. ‘બાવો ચમત્કારિક છે’ એ વાત સાબિત થઈ ચૂકી. બાવાજીને પછી ધામધૂમથી ગામમાં ફેરવ્યા. એકાદ મહિનામાં એ સારાએવા પૈસા કમાયો અને બીજે ગામ ગયો. ત્યાં આવો પ્રયોગ કર્યો, પણ બન્યું એવું કે આ વખતે કોઈ ભણેલો યુવાન ગામડિયાઓ સાથે સ્મશાનમાં આવ્યો હતો. બાવાની મોઢામાંથી જેવો એણે ભડકો જોયો કે બોલી ઊઠ્યો: ‘આમાં ચમત્કાર જેવું કંઈ છે જ નહીં. મોઢામાં પાણી સાથે ફૉસ્ફરસ રાખો અને પછી કોગળો કરો તો હવાના સ્પર્શે લીધે ફૉસ્ફરસ સળગી ઊઠે.’
બાવાજી ચિડાઈ ગયા અને પેલા યુવાનને કહ્યું: ‘હું તને બાળીને ભસ્મ કરી નાખીશ.’
‘તારામાં તાકાત હોય તો હમણાં ને હમણાં કરી નાખ.’
બાવાએ કહ્યું: ‘અત્યારે તને માફ કરતા હૈ, યહાં સે સબ ચલે જાઓ.’
બીજે દિવસે પેલા યુવાને ગામડિયાઓે સમજાવ્યા, બધાને ગળે વાત ઊતરી અને પછી તો બાવા પાસે કોઈ ગયું નહીં. જતી વખતે બાવો શ્રાપ આપતો ગયો: ‘આ ગામ બળીને ભસ્મ થઈ જશે!’
થોડા સમય પછી ગામના છેડે આવેલી ઘાસની ગંજીઓમાં આગ લાગી. માણસો દોડયા અને ગામ બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ‘પેલા બાવાનો શ્રાપ સાચો પડ્યો’ એમ બધા કહેવા લાગ્યા, પણ પેલા યુવાને કહ્યું: ‘પોતાનો શ્રાપ સાચો પડે એ હેતુથી પેલા બાવાએ જ આગ લગાડી હોય એવું પણ બને.’
પેલો યુવાન, બીજા ચારેક યુવાનને લઈને એક માઈલ દૂર આવેલા ઉજ્જડ મંદિરમાં પહોંચ્યો. ત્યાં બાવો પડ્યો હતો. એને પકડયો, માર્યો અને છેવટે એણે કબૂલ કર્યું કે આગ એણે જ લગાડી હતી!
********
ગામમાં એક મહારાજ પધાર્યા. એ ગીતાધર્મનો પ્રચાર કરતા હતા. ગીતાનું નાનકડું પુસ્તક એમની પાસે હતું. આ પુસ્તક એ એક દાબડામાં રાખતા હતા. એક વખત હું મહારાજનાં દર્શન કરવા ગયો. શિષ્યે કહ્યું: ‘મહારાજ બાજુના ઓરડામાં પૂજા કરે છે. તમે અહીં બેસો.’ હું ગાદી પાસે બેઠો અને આસપાસ પડેલાં પુસ્તકો જોવા લાગ્યો. એવામાં શિષ્યે કહ્યું: ‘શેઠ, બીજું તો ઠીક, પણ પેલા દાબડાને અડકતા નહીં. એમાં મહારાજની ગીતા પડી છે. એે ઉઘાડવાનો પ્રયત્ન કરશો તો કદાચ પસ્તાશો.’
શિષ્ય બહાર વરંડામાં ગયો અને મેં દાબડો હાથમાં લીધો. જેવો ઉઘાડવા ગયો કે જાણે કોઈએ ધીમી ચીસ પાડી હોય એવો અવાજ આવ્યો. મને સખત આંચકો લાગ્યો અને ઢાંકણું તરત જ બંધ થઈ ગયું. હું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. આંગળીમાં પણ જરા બળતરા થવા લાગી. એવામાં શિષ્ય આવી પહોંચ્યો અને પૂછ્યું: ‘કેમ, આંચકો લાગ્યો ને? મેં તમને ચેતવણી આપી હતી કે કદાચ તમે પસ્તાશો, પણ તમે માન્યું નહીં.’
‘આમ કેમ બન્યું?’
‘જુઓ, આ દાબડામાં જે ગીતા છે એ સાક્ષાત્ દેવી છે. એ એક પરમ શક્તિ છે. મહારાજ કોઈ દિવસ આવી રીતે ભૂલી નથી જતા, પણ આજે ભૂલી ગયા. તમે મહારાજ પ્રત્યે અત્યંત શ્રદ્ધા ધરાવો છો એટલે તમને ખાસ સૂચના આપું છું કે આ વાત તમે કોઈને કહેતા નહીં.’
વાતચીત થતી હતી ત્યાં મહારાજ પૂજામાંથી ઊઠ્યા, બહાર આવ્યા અને હું એમના પગમાં પડી ગયો. એમણે સ્મિત કર્યું, આશીર્વાદ આપ્યા અને કહ્યું: ‘બેટા, કલ્યાણ હો. તારો આત્મા પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ પાપનો થોડો કચરો હજુ વળગ્યો છે. ગમે તેમ હો, પણ તું મોક્ષનો અધિકારી જરૂર બની શકે, આવી લાયકાત ધરાવનારો માણસ લાખમાં એક જ નીકળે. તને અત્યારે જે અનુભવ થઈ ચૂક્યો છે એ હું જાણું છું.’
‘મહારાજ, સખત આંચકો લાગ્યો. હજુ પણ આંગળી બળતી હોય એવું લાગે છે.’
‘તને ગીતામાતાએ બચાવી લીધો. તારા આત્મામાં થોડું પાપ છે એ વાત સાબિત થાય છે, પણ તારી જગ્યાએ જો કોઈ બીજી વ્યક્તિ હોત તો એનું મોત જ થઈ જાત. તારામાં પાપનું પ્રમાણ ઘણું જ ઓછું છે અને તને ફક્ત આંચકો જ લાગ્યો. અમુક પ્રયત્ન કર્યા પછી તારો આત્મા શુદ્ધ થઈ જશે એટલે તને આંચકો નહીં લાગે.’
‘મારે શું પ્રયત્ન કરવો જોઈએ?’
‘એ હું તને બે દિવસ પછી કહીશ.’
બે દિવસ પછી હું જ્યારે મહારાજ પાસે ગયો. એમણે કહ્યું: ‘હું જ્યારે પૂજામાં હતો ત્યારે ગીતામાતાને મેં તારા વિશે પૂછી જોયું. એમણે જવાબ આપ્યો કે દસ તોલાનો સોનાનો હાર ચડાવો. એ માણસનો આત્મા પાપમુક્ત થઈ જશે, મોક્ષનો અધિકારી બની જશે, આત્મા શુદ્ધ થઈ ગયા પછી એ ગમે તે કામ કરશે, પણ પાપ તો નહીં લાગે અને અઢળક ધન કમાશે.’
આ સાંભળીને મને ખૂબ આનંદ થયો. મેં તરત જ દસ તોલાનો હાર કરાવ્યો. મહારાજને હાર આપી દીધો. આઠેક દિવસ પછી મહારાજ પાસે ગયો ત્યારે ત્યાં અમારા ગામના નગરશેઠ બેઠા હતા. મહારાજે આત્માની પવિત્રતા પર વાતચીત શરૂ કરી અને કહ્યું: ‘કોનો આત્મા પાપમુક્ત છે એ સહેલાઈથી હું જાણી શકું છું. ગીતામાતા કહી શકે છે.’
મહારાજે પેલી નાનકડી પેટી ઉપાડી અને નગરશેઠને કહ્યું:
‘જુઓ, આમાં ગીતા છે. આવી રીતે તમે ઢાંકણું ઉઘાડો.’
મહારાજે ઢાંકણું ઉઘાડ્યું ને બંધ કર્યું અને પછી નગરશેઠે એવી રીતે કરવાનું કહ્યું. નગરશેઠ ઉઘાડવા તો ગયા, પણ ફરી એમાંથી ધીમી ચીસ જેવો અવાજ નીકળ્યો. એમને આંચકો લાગ્યો અને પેટી એમના હાથમાંથી પડી ગઈ!
મહારાજે પેટી પોતાના હાથમાં લઈ લીધી અને પછી મારા હાથમાં મૂકતાં નગરશેઠે કહ્યું:
‘જુઓ, આ માણસનો આત્મા પાપમુક્ત બની ગયો છે, એને આંચકો નહીં લાગે.’
મહારાજની આજ્ઞા પ્રમાણે મેં પેટીનું ઢાંકણું ખોલ્યું, પણ મને આંચકો લાગ્યો નહીં. મારા હૃદયમાં અદ્દભુત આનંદ ઉભરાઈ ઊઠ્યો.
પછી તો મહારાજ ચાલ્યા ગયા. એકાદ મહિના પછી નગરશેઠ અચાનક મારી દુકાને આવ્યા અને પૂછ્યું: ‘તારા આત્માને પાપમુક્ત કરવા માટે તેં કેટલા રૂપિયા મહારાજને આપ્યા?’
‘ગીતામાતાને દસ તોલાનો હાર ચડાવ્યો.’
‘વાહ, ઘણું સરસ, તમે સસ્તામાં પતાવ્યું. મહારાજે મારો આત્મા પણ પાપમુક્ત કર્યો છે, મારે વધુ કિંમત આપવી પડી.’
‘પાપનો ભાર વધારે હશે.’
‘હા, તમારા કરતાં ડબલ. મારી પાસેથી વીસ તોલા સોનું લીધું.’
‘તમને મોક્ષનો અધિકાર મળી ગયો?’
‘હા, પછી મહારાજે જ્યારે મને પેટી ઉઘાડવા આપી ત્યારે આંચકો લાગ્યો ન હતો.’
અને આટલું કહીને નગરશેઠે પોતાના ખિસ્સામાંથી નાનકડી પેટી કાઢી અને મને કહ્યું: ‘આ પેટીનું ઢાંકણું ઉઘાડો. એમાં પણ નાની સાઈઝનાં ગીતામાતા બિરાજે છે.’
મેં પેટીને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને જેવું ઢાંકણું ઉઘાડ્યું કે મને સખત આંચકો લાગ્યો. હું નગરશેઠની સામે જોઈ જ રહ્યો. એ ખડખડાટ હસતા હતા. એમણે પેટી હાથમાં લીધી અને ફરી કહ્યું: ‘હવે ઉઘાડો, આંચકો નહીં લાગે. હવે તમારો આત્મા શુદ્ધ છે.’ મેં ઉઘાડી, કંઈ ન થયું! મેં નગરશેઠે કહ્યું: ‘તમે નસીબદાર છો, મહારાજ તમને સિદ્ધિ આપતા ગયા છે અને 20 તોલામાં તો આ ઘણું સસ્તું કહેવાય.’
‘તમે મને 20 તોલા સોનું આપવા તૈયાર હો તો હું તમને આ સિદ્ધિ આપી દેવા તૈયાર છું.’
નગરશેઠ હસવા લાગ્યા. ફરી એમણે કહ્યું: ‘હું તમને લૂંટવા નથી માગતો. આ સિદ્ધિ મને મારા યુવાન પુત્ર તરફથી આવી છે. એ થોડા દિવસ પહેલાં અમેરિકાથી પાછો આવ્યો. ઈલેક્ટ્રિક લાઈનનો અભ્યાસ પૂરો કર્યો.
વાતચીત નીકળતાં મેં કહ્યું કે ભારતમાં જે આધ્યાત્મિક શક્તિ છે એ યુરોપમાં નથી. પછી મેં એને મહારાજે બતાવેલા ચમત્કારની વાત કરી. એ હસવા લાગ્યો. એણે કહ્યું કે એ પોતે આવી પેટી બનાવી આપશે. એમાં વિજ્ઞાન સિવાય બીજું કંઈ જ નથી. એણે આ પેટી બનાવી આપી, નીચે તળિયામાં ચાંપ છે. એને ચાલુ રાખીએ તો ઉઘાડતાં આંચકો લાગે. સમજી લેવું કે તમારો આત્મા પાપી છે. ચાંપ બંધ કરી દઈએ તો ઉઘાડતાં કંઈ ન થાય. સમજી લેવું કે તમે મોક્ષના અધિકારી છો.
આ સત્ય જાણ્યા પછી મારો જીવ બળવા લાગ્યો અને મેં નગરશેઠે કહ્યું: ‘મારો બેટો મહારાજ, આપણને ધૂતી ગયો!’
‘ગામમાંથી આવી રીતે બીજાઓને પણ ધૂતી ગયો હશે. તપાસ કરીશું તો મોક્ષને લાયક એવા ઘણા માણસો હવે આપણા ગામમાંથી મળી આવશે.’
‘તમને નથી લાગતું કે એ બદમાશને આપણે પકડાવવો જોઈએ?’
‘એવું કરીએ તો ખોટું નથી, પણ હવે એ આપણા ગામમાં પાછો નહીં આવે.’
ધીમે ધીમે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મહારાજ ઘણાને ઉલ્લુ બનાવી ગયો હતો અને ગામમાંથી નહીં નહીં તો બસ્સો તોલા જેટલું સોનું ઉપાડી ગયો હશે!
(આપણા દેશની પ્રજામાં ભોળપણ અને અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું વધારે છે. નવાઈની વાત તો એ છે કે ભણેલા માણસો પણ અંધશ્રદ્ધાથી ઘેરાયેલા જોવામાં આવે છે, કારણ કે એમના હૃદયમાં શુદ્ધ તત્વજ્ઞાનનો દીપક પ્રગટ નથી થયો. આવા પ્રકારના માણસોને આપણા દેશમાં અનેક પાખંડીઓ ચમત્કારનાં બહાનાં નીચે ધૂતી રહ્યા છે, ધર્મનાં બહાનાં નીચે અધર્મનું આચરણ કરનારા સાધુ, બાવા કે ભૂવાઓને પ્રોત્સાહન આપવાની જરૂર નથી અને એમને ઉઘાડા પાડવાની જરૂર છે.)