‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ


જન્મસ્થળેથી વજુભાઈની વિદાય… જનેતા અને મિત્રોને કહ્યું ‘આવજો’

બીજે દિવસે સવારે હું મોડો ઊઠ્યો. ઊઠીને જોઉં છું તો સવારની ટ્રેનમાં એક મહેમાન આવ્યા હતા. ભરાવદાર શરીર, ગંભીર મોઢું અને આનંદી સ્વભાવ! સામા માનવીને એક ક્ષણમાં માપી લે એવી આંખો મારા ઉપર ફરી વળી. ઘણા માણસોના ચહેરા ફક્ત આનંદી લાગે, પણ વાતચીત કરે ત્યાં ચીડ ચડે! ઘણા માણસોના ચહેરા ગંભીર લાગે, પણ વાતમાં ઊતરીએ ત્યારે એમ જ લાગે કે તેની સાથે વાતો કર્યા જ કરીએ! આ મહેમાન બીજા પ્રકારના હતા. હું મહેમાન સાથે બહુ બોલતો નહીં, કારણ કે બધા વડીલોથી હું બહુ બીતો, પણ આ મહેમાને તો મને પહેલાં બોલાવ્યો:

‘કેમ છો નામદાર, તબિયત કેવી છે?’

જાણે કોઈ મિત્રએ મારા સમાચાર પૂછ્યા! મને નવાઈ લાગી! વડીલ આટલી છૂટથી હસીને બોલી શકે. મેં છૂપી રીતે તપાસ કરી તો તે લાંબો કોટ પહેરીને આવ્યા ન હતા. લાંબો કોટ પહેરનારો દરેક માનવી મને ગંભીર લાગતો. આ મહેમાને ટૂંકો કોટ, કાળી ટોપી, સુંદર કાળાં અમેરિક જોડાં અને ધોતિયું કછોટો મારીને પહેર્યું હતું. મને થયું કે આ મહેમાન જુદા જ પ્રકારના છે, એમની પાસે મોટો ટ્રન્ક પણ ન હતો. એક નાનકડી પેટી હતી. તેમાં પાન હતાં અને બે-ચાર ચોપડીઓ હતી અને એક અંગ્રેજી છાપું પડ્યું હતું.

એ મારા ફુઆ હતા. જમવા માટે મેં બોલાવ્યા:

‘ફુઆ, જમવા ચાલો.’

તે એકદમ હસી પડ્યા. તેમની આંખો પાછળ પ્રેમનાં મોજાં ઊછળતાં હતાં. મને કહે:

‘જો વજુ, મને ફુઆ કહીને ન બોલાવતો. મને ‘કેશુભાઈ’ કહેવું.’

મને તો ખૂબ નવાઈ લાગી. એ મારી સાથે ખૂબ વાતો કરતા. અમે બન્ને ગામમાં ફરવા ગયા. હું તેમને ફરવા લઈ ગયો. જે તોફાની કહેવાય તેવાં હતાં તે તોફાનની વાતો કરી. નદીમાં અમે જમાદારની શેરીના છોકરાઓને હરાવ્યા હતા એ વાત કરી. તેમને મારી વાતોમાં ખૂબ રસ આવ્યો. મોટી ઉંમરના માણસો બાળકોની વાતોમાં રસ લેતા હશે તે તો મેં ત્યારે જ જાણ્યું. એ મારી સાથે હસીને વાતો કરતા. રસ્તા ઉપરની એક દુકાનેથી તેમણે મારી પાસે પાન મગાવ્યું ત્યારે મને નવાઈ લાગી કે શું વડીલો પણ પાન ખાતા હશે! ખરેખર, આ મહેમાન તદ્દન જુદા જ હતા. તેમણે પાન ખાધું. એટલું જ નહીં, પણ મને પણ આપ્યું. મને તો તેમની સાથે ફરવાનું બહુ મન હતું.

તેમણે પોતાના ઘરની વાત કરી. વાર્તાની ચોપડીની વાતો કરી. પછી મને પૂછ્યું:

‘તું ચાલ, મારી સાથે અમદાવાદ!’

મારે તો એટલું જ જોઈતું હતું. શેરીમાંથી હવે મજા ગઈ હતી. ભૂદરિયાનો ફટકો ઊંડો ઊતરી ગયો હતો અને મને લાગેલું કે હવે શેરીમાં રહેવામાં સાર નથી. બધા વડીલો મને ‘લુચ્ચો’, ‘ચોર’, ‘રખડુ’ એવાં ઉપનામો આપતા. શેરીનાં બૈરાંઓ-ડાહી લાંબી જેવા-મને છૂટે મોઢે ગાળો દેતાં હતાં. માસ્તરથી તો હું કંટાળ્યો હતો. મારે શેરી છોડવી જ જોઈએ એમ મને લાગતું હતું.

આખરે નક્કી થયું કે આવતી કાલે સાંજે મારે અમદાવાદ જવું! મારો આનંદ ઊભરાતો હતો. નવું નવું જોવાનું મને બહુ ગમતું. કોઈ મારે પણ નહીં. અમદાવાદમાં હું પહેલી અંગ્રેજીમાં બેસવાનો હતો એટલે મારી માન્યતા એમ કે અંગ્રેજી ભણી હું મોટો સાહેબ થઈ જઈશ. રખડવાનું, બીડી પીવાનું, ચોરી કરવાનું બંધ કરીશ એમ મેં મનમાં નક્કી કરી નાખ્યું. એ વખતે હું વારંવાર થોડું અંગ્રેજી બોલતો હતો. કોઈ છોકરાને ગાળ દેવી હોય ત્યારે હું આંખો કાઢી, મુઠ્ઠી બીડી, કડક ચહેરો રાખી જોરથી બૂમ પાડતો:

‘એય સાલા, ઢેમ બિલાડી રાસ્કલ !’

બસ આટલું જ આવડતું હતું અને હું એનો વારંવાર સદુપયોગ કરતો. અંગ્રેજી ભણવાની બહુ હોંશ હતી. કોટ-પાટલૂન તો પહેરવાં જ જોઈએ એવી મારી સજ્જડ માન્યતા હતી, કારણ કે જ્યારે બચૂડો પહેલી અંગ્રેજીમાં આવ્યો ત્યારે તે જ દિવસે દરજીને ત્યાં કોટ-પાટલૂનનું માપ આપી આવ્યો. આવી તો ઘણી લાલચો હતી. અમદાવાદ જઈશ તો પટિયાં પણ પાડી શકાશે અને રોફમાં ફરાશે. મને થયું કે હવે જવું જ જોઈએ.

અને મારે જવાનો વખત પણ થયો.

મારી બાનું હેત ઊભરાતું હતું. સવારથી જ મને શિખામણો આપવી શરૂ કરી હતી. હું પણ જાણે શિખામણ પાળવા, શિખામણનો દરેક શબ્દ જીવનમાં ઉતારવા માટે આતુર હોઉં એમ સાંભળતો હતો. હું દરેક શિખામણને અંતે ડાહ્યાડમરો થઈ બોલતો:

‘હા બા, જરૂર કરીશ.’

મારે માટે એક પોટલું મારી બાએ બાંધી આપ્યું. પોટલામાં મારાં કપડાં હતાં. જમવા બેઠો, દહીં અને ખીચડી ખાધાં. જમ્યા પછી મારી બાના કહેવા પ્રમાણે કુળગુરુની છબીને નમ્રભાવે પગે લાગ્યો, મારા બાપુજીને પણ પગે લાગ્યો. પછી લાંબો કોટ, ચોરણી અને માથા ઉપર જરીવાળી સોનેરી ટોપી પહેરી લીધી. બહાર ગાડી ઊભી હતી. બગલમાં પોટલું રાખી હું કેશુભાઈ સાથે જવા તૈયાર થયો. મારી બાને પણ પગે લાગ્યો. તે રડી પડ્યાં. મને પણ રડવું આવી ગયું. એ જાતનું રુદન મેં પહેલવહેલું અનુભવ્યું. પગે લાગ્યો એટલે મારી બાએ મારાં દુ:ખણાં લીધાં અને બોલ્યાં:

‘ત્યાં જઈ સુધરી જજે, હોં. ફૈબાને માથાકૂટ કરાવતો નહીં, હોં.’

મારે ઘણું બોલવું હતું, પણ બોલી ન શક્યો. જતી વખતે મારી બાએ મને સાકરનો કટકો આપ્યો. ઘરની બહાર આવ્યો. ગાડીમાં પોટલું મૂક્યું કે તરત જ મારી નજર બીજે પડી. બે હેતાળ આંખો મને નીરખતી હતી. ગુલાબી ઘાઘરી અને ગુલાબી પોલકામાં સજ્જ થયેલી એક નાની છોકરી મને જોતી હતી. હું તેની સામે જોઈ રહ્યો. ઘોડાગાડી ઊપડી. પાછળથી મીઠો અવાજ આવ્યો: ‘વજુ, આવજે… આવજે…’ હુંં જવાબ ન દઈ શક્યો. મારી દ્રષ્ટિ તેના ઉપર હતી. એ દ્રષ્ટિમાં જ જવાબ હતો. એ મારી સામે જોઈ રહી. હું તેની સામે જોઈ રહ્યો. ગાડી સ્ટેશન આગળ અટકી. બગલમાં પોટલું મારી કેશુભાઈની પાછળ ચાલ્યો. જોઉં છું તો બે મિત્રો મને વળાવવા આવેલા ભાયલો અને ધમલો. અમે ડબ્બામાં બેઠા. મેં પોટલું છોડ્યું અને અંદરથી બે ભમરડા કાઢ્યા. હાથ લંબાવી મારા મિત્રોને મેં ભેટ આપી દીધા. મારો વિચાર ભમરડા અમદાવાદ લઈ જવાનો હતો. મિત્રોને જોઈ તે વિચાર માંડી વાળ્યો. ધમલાની પાછળ રાતડો ઊભો હતો. એ પણ કંઈ સંદેશો પાઠવતો હતો.

સીટી વાગી. રાતડાએ રુદન શરૂ કર્યું. ધમલાએ અને ભાયલાએ હાથ ઊંચા કર્યા. ધીમે ધીમે ટ્રેન ઊપડી. ડબ્બાની બારીની બહાર હું ડોકું કાઢી ઊભો રહ્યો. દૂરથી જ્યારે મિત્રો દેખાતા બંધ થતા હતા ત્યારે ઝીણો અવાજ આવ્યો: ‘વજિયા… આવજે… આવજે.’ મારી આંખો ભીની હતી. ગાડી આગળ ધપતી હતી. હું શાંત હતો. ગાડી પુલ ઉપર હતી. નીચે નદી વહેતી હતી. અહા! મારી નદી, જેમાં હું રમ્યો, કૂદ્યો અને આનંદ કર્યો. નદીનું નીર વિદાયગીત ગાતું હતું. આ એ જ પુલ કે જેની નીચે હું નદીની રેતીમાં બેસી જોયા કરતો અને નવી નવી કલ્પનાઓ રચતો. સૂર્ય આથમતો હતો. આખા વાતાવરણમાં ફક્ત એન્જિનનો અવાજ નીકળતો હતો:

‘ભક્… છુસ્… ભુક્… છુસ્…’

મારું મન કંઈ નવી પીડા અનુભવતું હતું. દૂરથી નદીકિનારે ઊભેલું શિવમંદિર દેખાયું. મને છગનો યાદ આવ્યો. હૃદય ભરાઈ આવ્યું. ખલાસ, ખલાસ, મને ખૂબ જ ગમતી એવી નદી ગઈ. ટ્રેન આગળ વધી રહી. ધુમાડાના ગોટેગોટા આકાશમાં તારલાઓ સાથે મીઠી વાતો કરવા માટે આગળ ધપતા હતા. હું બાઘાની જેમ બેઠો હતો. મને કંઈ ભાન ન હતું.

મારી આંખ આગળ હસતો ચહેરો આવી ઊભો રહ્યો. સુંદર મજાના હોઠ, નમણું નાક અને પ્રેમભરી આંખો. એ મિત્ર મીઠું મીઠું મલકતો હતો. એ બોલતો હતો:

‘વજિયા, આવજે… હું તો જાઉં છું.’

મારી આંખ આગળથી એ દૂર ને દૂર જતો હતો. મેં જોયું તો તેના ગળામાં ફૂલની દોરી હતી. એ દોરી પકડી કોઈ દેવ તેેને લઈ જતા હતા. દેવનાં વસ્ત્રો મોગરાનાં ફૂલનાં બનાવેલાં હતાં. એ બાળકને દોરી જતા હતા. મારા માટે ઝંખતો એ ગુલાબી, હસમુખો ચહેરો દૂર ને દૂર સોનેરી વાદળોમાં આગળ ધપતો હતો. એ ધીમું ધીમું બોલતો હતો:

‘આવજે.. હું તને નહીં ભૂલું, તું મને નહીં ભૂલતો.’

ગયો, આખરે મારો દોસ્ત ભૂદરિયો ગયો. મૃત્યુદેવ તેને ક્યાંક લઈ ગયા, પણ એ ગયો કે તરત જ ફરી અવાજ આવ્યો:

‘આવજે… આવજે…’

પાછળ જોયું તો ભાયલો અને ધમલો! બન્ને મોટા પથ્થર ઉપર ચડી બૂમો પાડતા હતા:

‘આવજે… આવજે…’

મારા કાનમાં એ ત્રણ અક્ષરો જ ગાજતા હતા. દરેક અક્ષર જોરથી હથોડાની જેમ મારા કાન ઉપર પડતો હતો:

‘આ…વ…જે.’

મારા માથા ઉપર કોઈએ હાથ મૂક્યો.

‘વજુ, ઊઠ ઊઠ તૈયાર થા.’

હું જાગી ઊઠ્યો. આંખો ઊઘડી ગઈ. સવાર પડી ગયેલી. દૂર અમદાવાદી મિલોનાં ભૂંગળાં દેખાતાં હતાં.