‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ; એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

સ્મૃતિની સમૃદ્ધિ (મધુરીબહેન કોટકની કલમે)…

‘ચિત્રલેખા-જી’ પરિવારના સંસ્થાપક તંત્રી વજુ કોટકના એક વ્યક્તિત્વમાં અનેક પ્રતિભા પાંગરી હતી. અને અનેક પ્રતિભા પાછી કેવી? ઈન્દ્રધનુષ જેવી. વજુ કોટક મેઘધનુષી માણસ હતા. મહેફિલના જીવ હતા. પ્રતિભાના બધા રંગો તેમના સાહિત્ય સર્જનમાં જોવા મળે છે.

વજુ કોટક લખતા થયા એ પહેલાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, શૈશવનાં સંભારણાં, પ્રવાસવર્ણનો અને ચિંતનીય લેખો લખતાં જ હતાં. ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને કનૈયાલાલ મુનશી જેવા ધુરંધર સર્જકો ત્યારે સાહિત્યના આકાશમાં છવાયેલા હતા.

એ સમયમાં વજુ કોટક લાખો વાચકોના દિલોદિમાગ પર છવાઈ ગયા. તેનું કારણ કદાચ એ કે તેમણે રજૂઆતની એક આગવી શૈલી વિકસાવી. મૂળ તો એ દિગ્દર્શક બનવા મુંબઈ આવેલા. પરંતુ કુદરતે એમનો માર્ગ બદલી નાખ્યો. રાહ ફંટાઈ જતાં હતાશ થવાને બદલે એ વિધાતાએ સોંપેલી નવી કારકિર્દીને કામિયાબી કરવા કમર કસીને મંડી પડ્યા.

એટલું જ નહીં, ફિલ્મ ઉદ્યોગમાં મળેલી તાલીમ નવા વ્યવસાયમાં કામે લગાડી. ફિલ્મની પટકથામાં જે રીતે કથાના દરેક અંશ વિવિધ દ્રશ્યો રૂપે ગૂંથાઈ જાય એ શૈલીમાં વજુ કોટકે નવલકથા લખવા માંડી. અગાઉ આ રીતે ચલચિત્રની શૈલીમાં કોઈએ નવલકથા લખી નહોતી. નવી સ્ટાઈલ વાચકોને ખૂબ ગમી ગઈ અને રાતોરાત વજુ કોટક પ્રજાપ્રિય નવલકથાકાર બની ગયા.

એ માત્ર નવલકથા લેખક બનીને બેસી ન રહ્યા. મુંબઈ શહેરમાં બનતી અવનવી ઘટનાઓ પોતાની ચિત્રાત્મક શૈલીમાં લખવા માંડી. કામિયાબ નીવડેલી પોતાની એ શૈલી વજુ કોટકે દરેક સર્જનમાં અજમાવી. પછી ટૂંકી વાર્તા હોય, નાટક-સિનેમાનાં અવલોકન હોય, કટાક્ષ લેખ હોય કે પ્રભાતનાં પુષ્પો હોય. પ્રભાતનાં પુષ્પોની વાત વિશેષ છે. વજુ કોટકનાં પ્રભાતનાં પુષ્પો લખ્યાના દાયકાઓ પછી પણ આજની પેઢીના વાચકોનેય તાજાં, સુવાસિત અને નિત્યનવીન લાગે છે. પ્રભાતનાં પુષ્પો એટલે ભારતીય ચિંતનનો અર્ક. એ અત્તર છે, બારે માસ મઘમઘે છે. નવલકથા જેવું સાહિત્યસર્જન હોય યા અવનવી કોલમ હોય, માનવજીવનના રહસ્યને સમજાવતું ચિંતન અનાયાસે વજુ કોટકની કલમે સર્જાઈ જતું.