‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ’, ‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા ગ્રુપ’ દ્વારા 23 માર્ચ, શુક્રવારે મુંબઈસ્થિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (મુંબઈ શેરબજાર)ના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખાતે રોકાણકારો માટે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય હતો – ‘બેન્કિંગ ક્ષેત્રમાં સર્જાયેલી કટોકટી અને વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે કઈ રીતે કરશો મૂડીરોકાણ?’ આ પરિસંવાદમાં બીએસઈના MD-CEO આશિષકુમાર ચૌહાણે ‘શેરબજારની આજ ને આવતી કાલ’ વિષય પર સંબોધન કર્યું હતું તો આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ડેવલપમેન્ટના હેડ કે.એસ. રાવે ‘સંપત્તિ સર્જન મ્યુચ્યુઅલ ફંડના માર્ગે’ વિષય પર, ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ‘કઈ રીતે કરવું જોઈએ ફાઈનાન્સિયલ પ્લાનિંગ?’ વિષય પર અને બ્લ્યુ ઓશન કેપિટલ એડવાઈઝર્સના સંસ્થાપક-સીઈઓ નિપુન મહેતાએ ‘ભારતીય શેરબજારનું ભાવિ’ વિષય પર પોતાનાં નિષ્ણાત વિચારો રજૂ કર્યા હતા. આ પરિસંવાદનું સંચાલન જાણીતા ફાઈનાન્સિયલ પત્રકાર જયેશ ચિતલિયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક તથા મનન કોટક ઉપસ્થિત રહ્યા હતા. શ્રોતાઓ તથા રોકાણકારોએ મોટી સંખ્યામાં હાજર રહીને આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી કિંમતી માર્ગદર્શન મેળવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ પ્રાસંગિક સંબોધનમાં વક્તાઓ તથા શ્રોતાઓ-ઈન્વેસ્ટરોનું સ્વાગત કર્યું હતું. પરિસંવાદની આખરમાં સવાલ-જવાબ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતોએ શ્રોતાઓ, ઈન્વેસ્ટરોના સવાલોના જવાબ આપીને એમની મુંઝવણો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
(તસવીરોઃ દીપક ધુરી)