જ્યારે બજેટ લીક થયું ને નાણામંત્રીની ખુરશી ગઈ….

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ બજેટ નાણામંત્રીના બીજા બજેટની સાથે મોદી સરકારનું પણ પાર્ટ 2 બજેટ હશે. મોદી સરકારના આ બજેટથી લોકોને મોટી આશા અપેક્ષાઓ છે. ભારતીય બજેટ સાથે અનેક દિલચસ્પ સ્ટોરીઓ જોડાયેલી છે. શું તમે જાણો છો ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ થયું હતું, કોણે રજૂ કર્યું હતું વગેરે. બજેટની કહાની એટલા માટે રોચક છે કારણ કે, બજેટ લીક થવાથી ઈંગ્લેન્ડના નાણામંત્રીની ખુરશી જતી રહી હતી. આવો જાણીએ એ આખી ઘટના….

વાત છે વર્ષ 1947ની જ્યારે ભારત સરકારે તેમનું પ્રથમ બજેટ દેશ આઝાદ થયાના (15 ઓગસ્ટ 1947) ત્રણ મહિનાની અંદરમાં રજૂ કર્યું હતું. એટલે કે આઝાદ ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને આઝાદ ભારતના પ્રથમ નાણામંત્રી આર.કે. ષણમુખમ શેટીએ રજૂ કર્યું હતું. આ બજેટમાં ષણમુખમની લાપરવાહીને કારણે ઈંગ્લેન્ડના તત્કાલિન નાણામંત્રીની ખુરશી જતી રહી હતી. થયું એમ કે, ષણમુખમ શેટ્ટીની ભૂલને કારણે બજેટનો અમુક અંશ લીક થઈ ગયો હતો, જેથી બજેટ રજૂ થયાં પહેલા જ ઈંગ્લેન્ડમાં પત્રકારે ટેક્સ સંબંધિત તમામ જાણકારીઓ પબ્લિકમાં જાહેર કરી દીધી. આ ઘટનાને પગલે ઈંગ્લેન્ડના એ સમયના નાણામંત્રી હ્યુઝ ડોલ્ટને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

પ્રથમ વખત હિન્દીમાં બજેટ: દેશને આઝાદી મળ્યા પછી વર્ષો સુધી અંગ્રેજીમાં જ બજેટ છપાતુ આવ્યું હતું. નાણાકીય વર્ષ 1955-56માં  પ્રથમ વખત બજેટ હિન્દીભાષામાં છાપવામાં આવ્યું, ત્યારથી લઈને બજેટ ભાષણ સતત હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં તૈયાર થાય છે.

મોરારજી દેસાઈના નામે રેકોર્ડ: મોરારજી દેસાઈ એકમાત્ર એવા પ્રધાનમંત્રી હતા જેમણે સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું. એટલું જ નહીં બે વખતે એવી પણ તક આવી જ્યારે તેમણે તેમના જન્મદિવસના દિવસે બજેટ રજૂ કર્યું. હકીકતમાં લીપ વર્ષને બાદ કરીએ તો ફેબ્રુઆરીના 28 દિવસ હોય છે, પણ મોરારજીનો જન્મ 29 ફેબ્રુઆરીએ થયો હતો. અને તેમણે બે વખત બજેટ 29 ફેબ્રુઆરીએ રજૂ કર્યું.