પ્રિ-બજેટ સ્પેશિયલઃ બેંકમાં મૂકાતી ડિપોઝીટ્સ સામેનું વીમા રક્ષણ વધવાની અપેક્ષા

બેંકમાં મૂકાતી ડિપોઝીટ્સ સામેનું વીમા રક્ષણ હાલ એક લાખ રૂપિયાનું છે તે વધારીને બે લાખ કરવામાં આવે એવી આશા રખાય છે

થોડા વખત પહેલાની પીએમસી  (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક) બેંકની કટોકટી બાદ અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે  બેંકમાં મુકાયેલા નાણાં કેટલા સુરિક્ષત છે એ સવાલ ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મુકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ છે. અર્થાત બેંક ડુબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળે. આ રકમ ત્રણ  દાયકાથી એની એ જ છે. આ પીએમસી બેંક વખતે જે ક્રાઈસિસ બની અને માગ ઊઠી ત્યાબાદ વીમા રક્ષણની રકમ વધારવાની માગણી પણ જોરદાર ઊઠી હતી, જેને ધ્યાનમાં રાખી નાણાં પ્રધાન આ બજેટમાં આ વીમાની રકમ એક લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરે એવી શકયતા છે. અન્ય દેશોમાં આ વીમા રક્ષણ ઘણું મોટું રહેતું હોય છે.

નોંધનીય વાત એ છે કે બેંકમાં નાણા જમા કરતા લોકોમાંથી 61 ટકા લોકોની ડિપોઝીટ એક લાખ રૂપિયાથી ઓછી હોય છે, જયારે બે લાખ રૂપિયા સુધી ડિપોઝિટ ધરાવતા લોકો 70 ટકા જેટલાં હોય છે, જેથી તેમને આ નવી ઊંચી મર્યાદાની  જોગવાઈ આવે તો રાહત થશે.  જો કે બેંકમાં 15 લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ ધરાવનાર વર્ગની ટકાવારી 98 ટકા જેવી ઊંચી છે. જેને હિસાબે બે લાખની રકમ હજી ઘણી નાની ગણાય.

સિનીયર સિટીઝન્સની અપેક્ષા

વધુમાં સિનીયર સિટીઝનને બેંકોમાં ડિપોઝીટ પર મળતા નીચા વ્યાજની ગંભીર ચિંતા છે, જે તેમની આવકનું મુખ્ય સાધન છે. આ વર્ગની પણ લાંબા સમયથી  વ્યાજ વધારા તેમ જ અન્ય  રાહત માટેની માગ ઊભી છે. સરકારે આ વિષયમાં પણ નકકર પગલાં ભરવાની જરૂર છે.

મ્યુચ્યુઅલ ફંડ અને મૂડીબજારની આશા

મૂડીબજારને  લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસની રાહતની આશા છે, જેની મુકિત આ વખતે નિશ્ચિંત જણાય છે. સંભવત તેનો સમય ગાળો લંબાવી શકાય. બીજું, ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ પણ દુર કરાય એવી માગ છે અને અપેક્ષા પણ છે. જેનાથી વિદેશી રોકાણ વધવાની આશા રાખી શકાય. આ ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની બોન્ડસમાં  રોકાણ મર્યાદા પણ વધારવાની સંભાવના છે.  મ્યુચ્યુઅલ ફંડસ ઉધોગને  તેની ઈક્વિટી સ્કીમ સામે યુનિટ લિન્કડ ઈન્સ્યુરન્સ પોલીસી સાથે સમાનતા જોઈએ છે. મ્યુચ્યુઅલ ફંડને પણ તેની ઈક્વિટી સ્કીમ પર લાગુ થતા ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસની મુકિત જોઈએ છે. જયારે કે એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં સ્વિચ કરતી વખતે કેપિટલ ગેઈન ટેકસમાંથી પણ મુકિત મળવાની આશા છે.

(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)