ગુજરાતના ઉદ્યોગપતિઓની નજરે કેન્દ્રીય બજેટ…

અમદાવાદ– કેન્દ્રીય બજેટને લઇને ગુજરાતના વિવિધ ક્ષેત્રના અગ્રણીના પ્રતિભાવો મળી રહ્યાં છે. ગુજરાતમાં ધંધાવેપાર માટે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રીએક્શન મહત્ત્વ ધરાવે છે ત્યારે બજેટ અંગે વ્યાપારી અગ્રણીઓના પ્રતિભાવો આ રહ્યાં…

પ્રવીણ પટેલ, ચેરમેન, એચઓએફ  ફર્નિચર સિસ્ટમ્સ પ્રા. લિમિટેડ

નાણાંકીય વર્ષ 2018-19ના બજેટમાં રૂ. 250 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતાં મધ્યમ, નાના અને માઈક્રો કદનાં એકમો માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ એક પ્રોત્સાહક પગલું છે. MSMEને સહાય માટે રૂ. 3794 કરોડનો કેપિટલ સપોર્ટ અને વ્યાજ સબસીડી એક પ્રોત્સાહક પગલું છે. આરોગ્યક્ષેત્રે સુવિધાઓ ઉભી કરવા માટે જે હકારાત્મક કદમ ભરવામાં આવ્યાં છે તેનાથી ખાસ કરીને આ ક્ષેત્રની જરૂરિયાત પૂરી કરવા માટેનું સ્પેશ્યાલાઈઝેશન ધરાવતા ફર્નિચર ક્ષેત્ર માટે હકારાત્મકતાનો સંચાર થશે.

આ ઉપરાંત નાણાંપ્રધાને નેશનલ બામ્બૂ(વાંસ) મિશન માટે રૂ. 1290 કરોડની ફાળવણી કરી છે. અમને આશા છે કે આ પગલાથી વાંસની ખેતી વધશે અને ઘણા લોકોને આજીવિકા મળશે. તેમણે ‘ઓપરેશન ગ્રીન ‘શરૂ કરવાની દરખાસ્ત કરી છે. આ હેતુ માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.પર્યાવરણની જાળવણી માટે પણ ખાસ નોંધ લેવાઈ છે. કોર્પોરેટ વ્યૂહ રચવામાં ગ્રીન થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનો એચઓએફને આનંદ છે. અમારા દોઆબ સોફામાં ઈનોવેશન તથા સ્થાનિક સ્તરેથી વાંસ મેળવીને આદર્શ પ્રોડકટસનું નિર્માણ કરવાની ગ્રીન થીમની વ્યૂહરચનાને અનુસરવામાં આવે છે અને તેની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ છે. ”

ગૌરવ આપ્ટે, જનરલ મેનેજર, કોર્ટયાર્ડ મેરિયોટ્ટ, અમદાવાદ

વર્ષ 2018-19ના બજેટમાં ભારતીય રેલ્વેને ગતિશીલ બનાવવા માટે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આથી લોકો વધુ મુસાફરી કરશે અને હોસ્પિટાલીટી ઉદ્યોગને તેનો ચોકકસ લાભ મળશે. પેસેન્જરોની સુરક્ષા અને સલામતિ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. રેલવે માટે ફાળવવામાં આવેલા રૂ. 1.48 લાખ કરોડનો મોટાભાગનો હિસ્સો વધતી માંગને સંતોષવા માટે ક્ષમતાના વિસ્તરણમાં વપરાશે. ગ્રામ વિસ્તારોમાં ઈન્ટરનેટની સુવિધા આસાન બને તે માટે  પાંચ લાખથી વધુ વાઈ-ફાઈ હોટ-સ્પોટસ ઉભા કરવામાં આવશે. આર્કિયોલોજીકલ સર્વે હેઠળનાં 110 સ્મારકોને અપગ્રેડ કરવામાં આવશે તેનો અમને આનંદ છે. આ એક લોકલક્ષી બજેટ છે.”

ભાવિન પરીખ, સીઈઓ, ગ્લોબ ટેક્સટાઈલ ઈન્ડિયા લિમિટેડ

“વર્ષ 2018-19ના કેન્દ્ર સરકારના બજેટમાં ખેડૂતોને અગ્રતા આપવામાં આવી છે. એમાં મહિલાઓની ક્ષમતાના નિર્માણ માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે.એમાં મધ્યમ વર્ગ અને સિનિયર સિટીઝન માટે ઘણી હકારાત્મક બાબતો છે. કાપડ ઉદ્યોગ માટે રૂ. 7148 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભારતમાં નિકાસ સ્પર્ધાત્મક બનાવવા માટેનાં નકકર પગલાં અંગે અથવા ટેક્સટાઈલનાં એસઈઝેડને પુન : જીવિત કરવા માટેની નીતિઓ અંગે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.”

અનુપ શાહ, ચીફ એકઝિક્યૂટિવ ઓફિસર, પર્પલ એલિફન્ટ રીયાલિટી એડવાઈઝર્સ, એલએલપી. 

“પોસાય તેવા આવાસો ઉપરાંત રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ખાસ કશું ખુશ થવા જેવુ નથી. GST/ RERA અને નોટબંધીનો ભોગ બનેલ આ ક્ષેત્ર માટે વર્ષ 2018-19ના બજેટમાં બુસ્ટર ડોઝ આપવાની જરૂર હતી.

અંદાજપત્ર પૂર્વે લેવાયેલો CLSS સ્કીમ હેઠળ જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 8 ટકા કરવાનો નિર્ણય ઉદ્યોગ માટે ખુશ થવાનું  કારણ પૂરૂ પાડે  છે. બજેટની શરૂઆતમાં “Housing for All” યોજનાને વેગ આપવા  માટે એનએચબી ફંડની જાહેરાતને કારણે રીયલ એસ્ટેટના શેરમાં તેજી આવી પરંતુ તે દિવસ દરમ્યાન ટકી શકી નહોતી.

ઘર ખરીદનાર માટે ખાસ કોઈ લાભદાયી બાબત જાહેર કરવામાં આવી નથી. આવકવેરાના સ્લેબમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી. હોમ લોન માટે નવા લાભ આપવામાં આવ્યા છે. આ બંને બાબતો સાથે મળીને ઘરની ખરીદીમાં લોકોનો રસ વધારશે.

સામાન્ય ચૂંટણીઓ પહેલાંનું આ છેલ્લુ બજેટ હોવાને કારણે આ બજેટમાં, ease of livingની બાબતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તબીબી સહાય દ્વારા ગરીબોને સામાજીક અને માળખાગત સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશના  શહેરોમાં વસતા લોકો માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી દ્વારા શહેરી પરિવહન સુધારવાની વાત કરવામાં આવી છે.

રીજીયોનલ એર કનેક્ટિવિટી સ્કીમ, સમયસર અમલમાં મૂકવામાં આવશે તો શહેરોમાં ગુણવત્તા ધરાવતાં આવાસોની માગ વધશે. સરકારે માળખાગત સુવિધાઓના વિકાસ ઉપર પણ ભારે ઝોક દર્શાવ્યો છે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]