દિલીપકુમારે ‘મધર ઇન્ડિયા’ સ્વીકારી નહીં

સુનીલ દત્ત જે ‘બિરજૂ’ ની ભૂમિકા કરીને જાણીતા થયા એ માટે સૌથી પહેલાં દિલીપકુમારને પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક કારણોથી દિલીપકુમારે એ ભૂમિકા સ્વીકારી ન હતી. નિર્દેશક મહેબૂબ ખાને જ્યારે પોતાની સુપરહિટ ફિલ્મ ‘ઔરત’ (૧૯૪૦) ની જ રીમેક ‘મધર ઇન્ડિયા'(૧૯૫૭) બનાવવાનું નક્કી કર્યું ત્યારે એમાં ‘બિરજૂ અને શ્યામુ’ ની પિતા-પુત્રની ભૂમિકા માટે દિલીપકુમારને વાત કરી. દિલીપકુમારે જ્યારે ‘બિરજૂ’ ની ભૂમિકા સાંભળી ત્યારે એમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું. એ ભૂમિકા તેમને વધારે પડતી નકારાત્મક લાગી હતી. તેમનું કહેવું હતું કે ‘બિરજૂ’ ની ભૂમિકા તેમની એ સમયની છબિને અનુરૂપ સકારાત્મક હોવી જોઇએ. ત્યારે મહેબૂબ ખાને પાત્રમાં ફેરફાર કરવાનો ઇન્કાર કર્યો પરંતુ એવો વિશ્વાસ અપાવ્યો કે એ ભૂમિકા કોઇ રીતે ખલનાયક જેવી લાગે નહીં એનું ધ્યાન રાખશે અને દર્શકો પસંદ પણ કરશે. દિલીપકુમારે વિચારીને જવાબ આપવા એક અઠવાડિયાનો સમય લીધો.

બરાબર એક અઠવાડિયા પછી મહેબૂબ ખાને જવાબ માગ્યો ત્યારે દિલીપકુમારે એમ કહીને ના પાડી દીધી કે બીજી ફિલ્મોમાં નરગીસ તેમની હીરોઇન તરીકે કામ કરી રહી છે. આ અગાઉ ‘અંદાઝ’ માં પણ નરગીસ હીરોઇન હતી. હવે એના પુત્રની ભૂમિકામાં દર્શકો મને પસંદ કરશે નહીં. મહેબૂબ ખાનની દલીલ હતી કે ઉલ્ટાનું દર્શકો એ જોવા આવશે કે બંનેએ માતા-પુત્ર તરીકે કેવો અભિનય કર્યો છે. મહેબૂબ ખાને નરગીસને વાત કરીને દિલીપકુમાર માટે સંમતિ મેળવી લીધી હતી એટલે તેના તરફથી ચિંતા ન હતી. નરગીસ પોતાની છબિ વિરુધ્ધ કામ કરવા તૈયાર હતી ત્યારે દિલીપકુમાર ‘બિરજૂ’ બનવા તૈયાર ના થયા એનું મહેબૂબ ખાનને આશ્ચર્ય થયું. તેમણે માત્ર ‘શ્યામુ’ ની ભૂમિકા કરવા કહ્યું. અને તે નરગીસના પતિની ભૂમિકા હોવાથી કોઇ સમસ્યા નહીં હોય એમ કહ્યું. કેમકે મહેબૂબ ખાન ઇચ્છતા હતા કે દિલીપકુમાર તેમની ફિલ્મમાં એક ભૂમિકા જરૂર કરે. દિલીપકુમારને ‘શ્યામુ’ ની ભૂમિકા નાની લાગતી હતી એટલે ના પાડી દીધી.

મહેબૂબ ખાનને ખ્યાલ આવી ગયો કે દિલીપકુમારની ઇચ્છા ફિલ્મ કરવાની નથી. અનિતા પાધ્યેના પુસ્તકમાં આ કિસ્સાના ઉલ્લેખ સાથે કહેવાયું છે કે અસલમાં વાત એ હતી કે ‘મધર ઇન્ડિયા’ એક સ્ત્રી પ્રધાન ફિલ્મ હતી. તેની આખી વાર્તા નરગીસની ‘રાધા’ ની ભૂમિકાની આસપાસ જ ફરતી હતી. શિર્ષક પણ ફિલ્મને સ્ત્રી પ્રધાન સાબિત કરતું હતું. મહેબૂબ ખાન ‘બિરજૂ’ ની ભૂમિકાને ગમે તેટલી વિસ્તૃત કરે તો પણ દર્શકોની સહાનુભૂતિ નરગીસ સાથે જ રહેવાની હતી. દિલીપકુમારે ના પાડ્યા પછી મહેબૂબ ખાને એ ભૂમિકા કોઇ નવા અને પ્રતિભાશાળી અભિનેતાને સોંપવાનો નિર્ણય કર્યો. તેમણે હોલિવુડની ફિલ્મોમાં કામ કરનાર સાબૂ દસ્તગીરનો સ્ક્રીન ટેસ્ટ લીધો પણ એ પાસ ના થયો. એ પછી ફિલ્મના લેખકે સુનીલ દત્તનું નામ સૂચવ્યું અને તે ‘બિરજૂ’ ના સ્ક્રીન ટેસ્ટમાં પાસ થઇ ગયા. અને ‘શ્યામુ’ ની ભૂમિકા રાજકુમારે ભજવી હતી.

રાકેશ ઠક્કર (વાપી)