‘સિલસિલા’થી તૂટ્યો ફિલ્મોનો સિલસિલો

શું તમે જાણો છો કે, યશ ચોપડાની ફિલ્મ ‘સિલસિલા’ માં હીરોઇનો તરીકે સ્મિતા પાટીલ અને પરવીન બાબી હોત તો કદાચ અમિતાભ-રેખાની ફિલ્મી પડદા પરની જોડી જલદી તૂટી ના હોત? એ હકીકત છે કે ‘સિલસિલા’ નું સ્મિતા-પરવીન સાથે શુટિંગ શરૂ થઇ ગયા બાદ બંનેને ના પાડવામાં આવી હતી. યશ ચોપડાએ પોતે જ એમના છેલ્લા જન્મ દિવસની પાર્ટીમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રેખાની ભૂમિકા પરવીન બોબી અને જયા બચ્ચનવાળી ભૂમિકા પહેલાં સ્મિતા પાટીલ કરી રહી હતી. પાછળથી અમિતાભના સૂચન કે પછી તેમની મંજૂરીથી યશજી દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો.

સ્મિતા અને પરવીનને આ ફેરફારની જાણ કરવાની હિંમત યશજી કે અમિતાભમાં ન હતી એટલે તેમણે શશી કપૂરની મદદ લીધી હતી. શશીએ ‘સિલસિલા’ માં અમિતાભના મોટાભાઇની ભૂમિકા કરી હતી. અસલ જીવનમાં અમિતાભ કરતાં મોટા શશીએ બીજી બધી ફિલ્મોમાં અમિતાભના નાનાભાઇની ભૂમિકા કરી હતી. હીરોઇનોને ના પાડવામાં શશી કપૂરે મોટાભાઇની ભૂમિકા અદા કરી એ કારણે સ્મિતા પાટીલ યશજી અને અમિતાભથી નારાજ રહ્યા. સ્મિતાને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા એનું દુ:ખ ન હતું, પરંતુ યશજીએ જાતે કેમ આ વાત ના કહી એ ગમ્યું ન હતું. જો કે પરવીન બાબીએ મોટું મન રાખીને એ વાતને સ્વીકારી લીધી હતી.

યશજીએ અમિતાભ સાથે ઘણી હિટ ફિલ્મો આપી હતી એટલે હીરોઇનો બદલવાની વાત માનવી પડી હતી. અમિતાભની ‘જંજીર’ થી જે એંગ્રી યંગમેનની ઇમેજ બની હતી એ યશજીની ‘દિવાર’ થી વધારે ઘૂંટાઇ હતી. પછી તો બંનેએ કભી કભી, ત્રિશૂલ, કાલા પત્થર જેવી ફિલ્મો કરી અને એ સિલસિલો ‘સિલસિલા’ પાસે આવીને અટકી ગયો. રેખા જ નહીં યશજીએ પણ અમિતાભ સાથે કામ બંધ કરી દીધું હતું.

રેખાએ અમિતાભ સાથે ૧૯૭૬ માં આવેલી ફિલ્મ ‘દો અન્જાને’ થી જોડી જમાવી હતી. એ પછી એવી ઓળખાણ થઇ કે બંને વચ્ચે અફેર હોવાના અનેક કિસ્સા ચર્ચાતા રહ્યા. બંનેએ આલાપ, ખૂન પસીના, ગંગા કી સૌગંધ, મુકદ્દર કા સિકંદર, મિ.નટવરલાલ, સુહાગ અને ‘રામ બલરામ’ પછી છેલ્લી ‘સિલસિલા’ કરી. ફિલ્મમાં અમિતાભની પત્ની જયા અને પ્રેમિકા ગણાતી રેખા એકસાથે કામ કરતાં હોવાથી દર્શકોમાં ભારે ઉત્સુક્તા હતી. કદાચ એ વાતને ધ્યાનમાં રાખીને જ બંને અભિનેત્રીઓને લેવામાં આવી હતી. ફિલ્મના ‘દેખા એક ખ્વાબ તો’ અને ‘રંગ બરસે’ જેવા ગીતો સુપરહિટ થઇ ગયા હતા.  ૧૯૮૧ ના એ વર્ષમાં અમિતાભની કાલિયા, યારાના જેવી પાંચ ફિલ્મ આવી હતી. એ બધી સુપરહિટ રહી હતી. ‘બરસાત કી એક રાત’ જેવી સામાન્ય ફિલ્મ ‘સિલસિલા’થી વધુ કમાણી કરી ગઇ હતી.

‘સિલસિલા’ એ સમયે નિષ્ફળ જવાનું મુખ્ય કારણ એ ગણાય છે કે એમાં જયા બચ્ચનને શરૂઆતમાં અમિતાભની ભાભી તરીકે બતાવવામાં આવી હતી. દિલથી પ્રેમ કરતા બે પ્રેમીઓનું મિલન થઇ શક્યું ન હતું. બોલિવૂડમાં અમિતાભ-રેખાની જોડી સૌથી વધુ રોમેન્ટિક ગણાતી હતી. આ જોડી જાણે એકબીજા માટે બની હોય એવું લાગતું હતું. બંનેએ ‘સિલસિલા’ માં પ્રેમના અનુભવને અસલની જેમ પડદા પર ઉતાર્યો હતો, પરંતુ એ દર્શકોને પસંદ આવ્યો ન હોવાથી બંનેએ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આમ પણ, હીરોઇનોને બદલવામાં આવ્યા પછી શરૂઆતથી જ ફિલ્મ એક તણાવભર્યા માહોલમાં બની હતી. એની અસર અમિતાભના યશજી સાથેના સંબંધ પર થઇ. એ પછી બંનેએ છેક ‘મહોબત્તેં’ માં સાથે કામ કર્યું, પણ યશજી એના માત્ર નિર્માતા હતા.

(રાકેશ ઠક્કર-વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]