રહેમાને ઘઇ સાથે ‘તાલ’ મિલાવ્યો

સુભાષ ઘઇએ સંગીતકાર એ.આર. રહેમાન સાથે શરૂ કરેલી પહેલી ફિલ્મ બની શકી ન હતી. બીજી ફિલ્મ ‘તાલ’ (૧૯૯૯) ધૂમ મચાવી ગઇ હતી. પરંતુ દક્ષિણના સંગીતકાર સાથે મુંબઇના નિર્દેશક તાલ મિલાવી શકશે કે નહીં એ વિશે બૉલિવૂડમાં પહેલાં શંકા પ્રવર્તતી હતી. જ્યારે સંજય દત્ત સાથેની ‘ખલનાયક'(૧૯૯૩) ના શુટિંગ માટે નિર્દેશક સુભાષ ઘઇ કારમાં કર્ણાટક જઇ રહ્યા હતા ત્યારે ચાલક ફિલ્મ ‘રોજા’ (૧૯૯૨) ના ગીતો સાંભળતો હતો. ઘઇને એનું સંગીત એટલું પસંદ આવ્યું કે એને સંગીતકાર વિશે પૂછ્યું ત્યારે એ.આર. રહેમાનનું નામ જાણ્યું.

‘રોજા’માં મુંબઇની હિન્દી ફિલ્મોથી અલગ પ્રકારનું સંગીત હોવાથી ઘઇને વધારે પસંદ આવ્યું. મુંબઇ આવીને આગામી ફિલ્મ ‘શિખર’ માં સંગીતકાર તરીકે રહેમાનને લેવાનો નિર્ણય કરી લીધો. આ વાતની જાણ જ્યારે મદ્રાસ અને મુંબઇમાં થઇ ત્યારે બંને જગ્યાએ ફિલ્મો સાથે સંકળાયેલાને નવાઇ લાગી. મુંબઇમાં વધારે ચર્ચા એટલા માટે થઇ કે આટલા બધા સંગીતકારો હોવા છતાં ઘઇ દક્ષિણના સંગીતકારને કેમ લઇ રહ્યા હશે. અને તે છેલ્લા વીસ વર્ષથી સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે કામ કરતા હતા.

રહેમાનના સંગીતે ઘઇ પર જાણે જાદૂ કરી દીધો હતો. ઘઇએ મદ્રાસ જઇને જ્યારે રહેમાનની મુલાકાત કરી ત્યારે એ બૉલિવૂડના પહેલા નિર્માતા હતા જેમણે તેમને પસંદ કર્યા હતા. રહેમાન માટે ઘઇ અજાણ્યા ન હતા. તે પોતાના સ્ટેજ શોમાં એમની ‘હીરો’ અને ‘કર્ઝ’ ની ધૂન વગાડતા હતા. ઘઇએ જ્યારે સંગીત માટેની કિંમત પૂછી ત્યારે રહેમાને કહ્યું કે સારું સંગીત આપવું છે. કિંમત તો પછી આવી જશે.

ઘઇએ શાહરૂખ ખાન, જેકી શ્રોફ અને ઐશ્વર્યા સાથેની યુધ્ધ પરની આગામી ફિલ્મ ‘શિખર'(૧૯૯૫) માટે રહેમાન પાસે સંગીત તૈયાર કરાવવાનું શરૂ કર્યું. રહેમાને ત્રણ ગીતો તૈયાર કર્યા પણ કમનસીબે ફિલ્મ શરૂ થઇ ના શકી. પછી જ્યારે ‘પરદેસ’ (૧૯૯૭) શરૂ કરી ત્યારે તે વ્યસ્ત થઇ ગયા તેથી નદીમ-શ્રવણને લીધા. અને ‘તાલ’ શરૂ કરી ત્યારે એમની સાથે મેળ પડી ગયો. એમાં ‘શિખર’ નું એક ગીત ‘ઇશ્ક બીના ક્યા જીના યારોં’ માટે યોગ્ય જગ્યા મળતાં લઇ લીધું. અન્ય નવા ગીતો તાલ સે તાલ મિલા, રમતા જોગી, કહીં આગ લગે વગેરે બનાવ્યા એ પણ મધુર બન્યા.

રહેમાને ઘઇ સાથે તાલમેલ જાળવીને ગીતો બનાવ્યા એટલું જ નહીં ફિલ્મમાં એ વાતની ખબર પડતી નથી કે સંગીત પર દ્રશ્ય તૈયાર થયા છે કે દ્રશ્ય પર સંગીત તૈયાર થયું છે. રહેમાન મોટાભાગે પહેલાં ધૂન તૈયાર કરતા હતા. ઘઇ એના પર આનંદ બક્ષી પાસે ગીતો લખાવતા હતા. પરંતુ ફિલ્મમાં એક જગ્યાએ જરૂરિયાતને કારણે ‘નહીં સામને યે અલગ બાત હૈ’ ગીત પહેલાં લખાવ્યું હતું.  રહેમાને કોઇ સવાલ વગર તેનું સંગીત તૈયાર કર્યું હતું. સુભાષ ઘઇએ ગીત તૈયાર થયા પછી આનંદ બક્ષીને કહ્યું હતું કે તમારા ગીતની કડીઓ સામાન્ય હતી પણ રહેમાને પોતાના સંગીતથી એને નવી ઊંચાઇ આપી છે. ‘તાલ’ માટે એ.આર. રહેમાનને શ્રેષ્ઠ સંગીતકારના ફિલ્મફેર, સ્ક્રિન, બૉલિવૂડ મૂવી એવોર્ડસ, ઝી સિને એવોર્ડસ વગેરેના એવોર્ડ મળ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]