અફસાના લિખ રહી હૂં…

બોલીવૂડમાં ગાયિકા તરીકે હિટ રહ્યા પછી અભિનયમાં સફળ રહેવાનો ઉમાદેવી ઉર્ફે ટુનટુનનો કિસ્સો અનોખો છે. તેમની ગાવાની ધૂન ગાયિકા બનાવવામાં મોટો ફાળો આપી ગઇ હતી. ઉમાદેવીએ ‘દર્દ’ ફિલ્મ માટે ‘અફસાના લિખ રહી હૂં…’ ગીત ગાતી વખતે કલ્પના નહીં કરી હોય કે તેમની કારકિર્દીની કથા કેવી લખાવાની છે. કિશોરાવસ્થામાં રેડિયો પર ગીતો સાંભળીને ઉમાદેવી પર ગાવાની ધૂન સવાર થઇ ગઇ હતી.

તે ઘરેથી ભાગીને મુંબઇ આવી ગઇ. તેની મુલાકાત ગોવિંદાના પિતા અરુણકુમાર આહુજા સાથે થઇ. એમણે કેટલાક સંગીતકારો સાથે ઉમાની મુલાકાત કરાવી. એક-બે સંગીતકારોએ ઉમા પાસે ફિલ્મોમાં ગવડાવ્યું, પણ ઉમાદેવીનું સપનું નૌશાદના સંગીતમાં ગાવાનું હતું. ઉમા નિર્માતા-નિર્દેશક એ.આર. કારદારને મળી. એમણે ઉમા સાથે કરાર કર્યો અને પોતાના ‘કારદાર સ્ટુડિયો’ના સંગીતકાર નૌશાદ પાસે મોકલી. નૌશાદે જોયું કે ઉમાએ સંગીતનું શિક્ષણ લીધું નથી કે તેનામાં ગીત-સંગીતની કોઇ જાણકારી નથી પરંતુ ગાવાનું જબરદસ્ત ઝનૂન છે એટલે ‘દર્દ’ ફિલ્મ માટે ‘અફસાના લિખ રહી હૂં…’ એની પાસે ગવડાવ્યું. એ જબરદસ્ત લોકપ્રિય રહ્યું.

નવાઇની વાત એ છે કે ‘દર્દ’ માં અભિનેત્રી તરીકે ગાયિકા સુરૈયા હોવા છતાં એમણે ઉમાનું આ ગીત પોતાના પર ફિલ્માવવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ સ્ક્રિપ્ટ પ્રમાણે બીજી હીરોઇન મુનવ્વર સુલતાના ઉપર આ ગીત ફિલ્માવવામાં આવ્યું. આ ગીતનો કમાલ એવો રહ્યો કે નિર્દેશક કમાલ અમરોહીએ તેમની ફિલ્મ ‘મહલ’ નું ‘આયેગા આનેવાલા’ ઉમાદેવી પાસે ગવડાવવાનું નક્કી કર્યું. મુશ્કેલી એ આવી કે ઉમાદેવી કારદાર સ્ટુડિયો સાથેના કરારમાં બંધાયેલી હોવાથી ફિલ્મીસ્તાન કંપનીની ‘મહલ’ માટે ગીત ગાઇ શકી નહીં. એ ગીત પાછળથી નવા ગાયિકા લતા મંગેશકરના ફાળે ગયું અને એની લોકપ્રિયતાનો ઇતિહાસ બની ગયો.

જો કે ત્યારે ઉમાદેવીને ખબર ન હતી કે તેના જીવનમાં ‘કૌન આનેવાલા’ છે. ‘અફસાના લિખ રહી હૂં…’ ની લોકપ્રિયતાનો આલમ એ રહ્યો કે આ ગીત સાંભળીને મોહન નામનો એક યુવાન તેના પર એવો ફિદા થઇ ગયો કે બધું છોડીને તેને મળવા મુંબઇ આવ્યો. તે ઉમાદેવી સાથે મુલાકાત કરવામાં સફળ રહ્યો. થોડી મુલાકાતોમાં ઉમાદેવી એના પ્રેમમાં પડી ગઇ અને લગ્ન કરી લીધાં. લગ્ન પછી ઉમાદેવીને ગીતો મળવાના ઓછા થઇ ગયા. એક સમય એવો આવ્યો કે કામ મળવાનું જ બંધ થઇ ગયું. ઉમાદેવી નૌશાદની શરણમાં ગઇ ત્યારે નૌશાદે તેનો અવાજ સાંભળી સ્પષ્ટ કહી દીધું કે વધેલા શરીરને કારણે તારું ગળું હવે ગીતો ગાવાને લાયક રહ્યું નથી.

નૌશાદે ઉમાદેવીને અભિનય કરવાની સલાહ આપી. ઉમાદેવીને તો કામ જ કરવું હતું. તેણે હા પાડી દીધી, પણ જે રીતે ગાયનમાં એમની જીદ નૌશાદના સંગીતમાં જ ગાવાની હતી એમ ફિલ્મમાં દિલીપકુમાર સાથે જ કામ કરવું હતું. નૌશાદે પોતાના પ્રોડક્શનની દિલીપકુમારની ફિલ્મ ‘બાબુલ’ માં એક ભૂમિકા અપાવી. એમાં ભારે શરીરવાળા ઉમાદેવીએ ‘ટુનટુન’ના નવા નામથી કામ શરૂ કર્યું અને પછી તો સેંકડો ફિલ્મોમાં અભિનય કરીને હાસ્ય ભૂમિકાઓમાં એક નવું જ શિખર સર કર્યું. તેમને હિન્દી ફિલ્મોની પ્રથમ હાસ્ય અભિનેત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાયિકા તરીકે આગળ વધી ના શકેલા ઉમાદેવી અભિનેત્રી તરીકે મોટી સફળતા મેળવી શક્યા. પરંતુ ઉમાદેવીને જો ‘આયેગા આનેવાલા…’ ગીત ગાવા મળ્યું હોત અથવા મોહન સાથે ઉતાવળમાં લગ્ન કર્યા ના હોત તો કદાચ ગાયિકા તરીકેની કારકિર્દીની કથા કંઇક અલગ જ હોત.

(રાકેશ ઠક્કર-વાપી)