દેવદાસ જ બની ગયા બરુઆ…

ભારતીય ફિલ્મોના આરંભકાળના અભિનેતા, નિર્દેશક અને ફિલ્મલેખક પ્રમથેશ ચંદ્ર બરુઆનું નિધન ૨૯ નવેમ્બર, ૧૯૫૧ના રોજ થયું હતું. એમનો જન્મ આસામના ગૌરીપુરમાં ૨૪ ઓક્ટોબર, ૧૯૦૩ના રોજ જમીનદાર પરિવારમાં.

૧૯૨૪માં કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં બી.એસસી. ભણ્યા બાદ એમણે ઇંગ્લેન્ડની સફર કરી, જ્યાં પહેલી વાર સિનેમાનો જાદૂ જોયો.

એ પછી બરુઆ બીજી વાર યુરોપની મુલાકાતે ગયા અને લંડનમાં ફિલ્મ નિર્માણનો અભ્યાસ કર્યો. પેરીસથી થોડા લાઈટીંગના સાધનો ખરીદીને ભારત પરત આવ્યા અને બરુઆ પિક્ચર્સ લીમીટેડ નામની કંપની શરૂ કરી. એ કંપની દ્વારા ‘અપરાધી’ (૧૯૩૧) નામની મૂંગી ફિલ્મ બની, જેમાં બરુઆ અને દેવકી બોઝ હતા.

એ પછી ‘ભાગ્યલક્ષ્મી’માં વિલનની ભૂમિકા કરી. ધીરેન ગાંગુલી અને દેબકી બોઝ સાથે ન્યુ થિયેટર્સમાં જોડાયા. સફળતાની શરૂઆત ‘દેવદાસ’ (૧૯૩૫)થી થઇ. ‘દેવદાસ’ પહેલાં બંગાળીમાં બની એમાં દેવદાસની ભૂમિકા ખુદ બરુઆએ કરી હતી. ત્યારબાદ એમણે  ‘દેવદાસ’ (૧૯૩૬) હિન્દીમાં બનાવી, જેમાં કુંદનલાલ સાયગલ દેવદાસની ભૂમિકામાં હતા. હિન્દી ‘દેવદાસ’ આખા દેશમાં ભારે સફળ થઇ. તેને કારણે બરુઆ દેશના ટોચના નિર્દેશક બની ગયા, તો સાયગલ ટોચના અભિનેતા-ગાયક બની ગયા. એ પછી તો બરુઆએ ‘દેવદાસ’ આસામી ભાષામાં પણ બનાવી.

બરુઆએ દર વર્ષે એક ફિલ્મ આપતા. ‘મંઝીલ’, ‘મુક્તિ’, ‘અધિકાર’ જેવી રજત જયંતિ ફિલ્મો બાદ ફરીથી સાયગલ સાહેબને લઇને ‘ઝીંદગી’ ૧૯૪૦માં બનાવી. ફણી મજુમદારે બરુઆ સાથે ન્યુ થિયેટર્સમાં કારકિર્દી શરૂ કરી હતી, જે પાછળથી મોટા ગજાના સિને નિર્દેશક-લેખક બન્યા. બરુઆની ફિલ્મોના ફોટોગ્રાફર બિમલ રોય હતા, એ પણ પાછળથી દેશના ટોચના સિને દિગ્દર્શક બન્યા.

૧૯૩૯માં પી.સી. બરુઆએ ન્યુ થિયેટર છોડ્યું અને પોતાની રીતે ફ્રીલાન્સ કામ કર્યું. એમણે ફિલ્મ લેખન ક્ષેત્રે પણ સારું કામ કર્યું હતું. જો કે પછી આ ઉત્તમ કલાકાર પણ દારૂના રવાડે ચડી ગયા અને એમનું આરોગ્ય કથળ્યું. અંતે ૨૯ નવેમ્બર, ૧૯૫૧ના રોજ કોલકાતામાં માત્ર ૪૮ વર્ષની ઉમરે એમનું નિધન થયું.

(નરેશ કાપડીઆ-સુરત)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]