મલ્ટીટેલેન્ટેડ શેખર સુમન

અભિનેતા, એન્કર, નિર્માતા, નિર્દેશક અને ગાયક શેખર સુમન આજે ૫૮ વર્ષના થશે. ૭ ડિસેમ્બર, ૧૯૬૨ના રોજ બિહારના પટણામાં એમનો જન્મ થયો હતો.

શેખરે ફિલ્મ અભિનેતા રૂપે શશી કપૂર નિર્મિત, ગિરીશ કર્નાડ નિર્દેશિત ‘ઉત્સવ’માં રેખા સાથે હીરો તરીકે શરૂઆત કરી હતી. તેમણે ૩૫ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં માધુરી દીક્ષિત સાથેની ‘માનવ હત્યા’ કે ‘નાચે મયુરી’, ‘સંસાર’, ‘અનુભવ’, ‘ત્રિદેવ’, ‘પતિ પરમેશ્વર’, ‘રણભૂમિ’, ‘ચોર મચાયે શોર’, ‘એક સે બઢકર એક’, ‘ભૂમિ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ટેલિવિઝનના નાના પડદા પર તેમણે ‘વાહ જનાબ’શ્રેણીમાં કિરણ જુનેજા સાથે શરૂઆત કરી હતી, જે લખનૌની સંસ્કૃતિ પર આધારિત હતી. આ ઉપરાંત ‘દેખ ભાઈ દેખ’, ‘રિપોર્ટર’, ‘કભી ઇધર કભી ઉધર’, ‘છોટે બાબુ’, ‘અંદાઝ’, ‘વિલાયતી બાબુ’, ‘મુવર્સ એન શેકર્સ’, ‘સિમ્પલી શેખર’ કે ‘કેરી ઓન શેખર’ જેવી શ્રેણીઓમાં શેખર સુમન દેખાયા હતા. અમેરિકાના જય લેનોના ‘ટુ નાઈટ શો’ આધારિત તેમના આ શોઝ ખૂબ લોકપ્રિય બન્યા છે.

નેવુંના દશકના ટીવી દર્શકોના એ ફેવરીટ એન્કર હતા. તેમની સ્પીચ, બોલવાની સ્પષ્ટતા, સેન્સ ઓફ હ્યુમર અને ઓવરઓલ ફ્ન દર્શકોને ગમી ગયા હતા.

૨૦૦૬ સુધી એ ‘ગ્રેટ ઇન્ડિયન કોમેડી શો’ સાથે સંકળાયા હતા. ‘ડાયલ વન ઔર જીતો’માં પણ તેઓ હતા. ‘નીલામ’ ઘર’ જેવાં ઝી ટીવીના ક્વિઝ શો, ‘હી-મેન’ કે ‘પોલ ખોલ’ જેવાં શોઝ પણ તેમણે પાંચેક વર્ષ કર્યા હતાં. ‘આજ તક’ ન્યુઝ ચેનલ પર ‘અબ કી બારી, શેખર બિહારી’ શો પણ તેમણે કર્યો હતો.

એ પછી સ્ટેન્ડ અપ કોમેડી કોન્ટેસ્ટ ‘ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેંજ’ શોમાં નવજોત સિધુ સાથે જજ રૂપે પણ આવ્યા. ભારતીય ટેલિવિઝન પર આ એક નવી શરૂઆત હતી.

‘કુછ ખ્વાબ ઐસે’ આલબમથી શેખર ગાયક રૂપે પણ ઉભર્યા. આઠ પ્રેમગીતના એ આલબમનું સંગીત આદેશ શ્રીવાસ્તવે આપ્યું હતું.

૧૯૮૩માં શેખરે અલકા સુમન સાથે લગ્ન કર્યા હતાં. એમને અધ્યયન સુમન નામે દીકરો છે, જે પણ ફિલ્મોમાં કામ કરે છે.

(નરેશ કાપડીઆ-સુરત)