મિસ્ટર બોલીવુડઃ શેખર કપૂર

હિન્દી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક, અભિનેતા અને નિર્માતા શેખર કપૂરનો જન્મ ૬ ડિસેમ્બર, ૧૯૪૫ના રોજ લાહોરમાં થયો હતો. તેમની માતા શીલ કાન્તા દેવ આનંદના બહેન થાય.

એંશીના દાયકામાં ટીવી શ્રેણી ‘ખાનદાન’ની ભૂમિકાથી એ જાણીતા બન્યા. તેમના નિર્દેશનમાં બનેલી ‘માસૂમ’ને શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરીમાં ફિલ્મફેરનો ક્રિટીક્સ એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૪માં એમણે નામચીન ડાકુરાણી ફૂલનદેવીના જીવન પરથી ‘બેન્ડિટક્વિન’ ફિલ્મ બનાવી, જેને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

 

શેખર કપૂરની ક્વિન એલીઝાબેથની બાયોપીક ‘એલીઝાબેથ’ (૧૯૯૮) અને ‘ધ ગોલ્ડન એજ’ (૨૦૦૭) ને શ્રેષ્ઠ ફિલ્મના બાફના એવોર્ડઝ અને બે ઓસ્કાર એવોર્ડ્ઝ પણ મળ્યા છે.

શેખર ૨૨ વર્ષે ઇંગ્લેન્ડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા અને પછી ઇંગ્લેન્ડમાં જ થોડા વર્ષ સુધી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. પૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલના ભત્રીજી મેધા ગુજરાલ સાથે એમના લગ્ન થયાં અને પછી બન્ને છૂટા ય પડ્યા. એ પછી શેખરે ભારતીય અભિનેત્રી, લેખિકા, પેઈન્ટર અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમુર્થી સાથે ૧૯૯૭માં લગ્ન કર્યા. જો કે એમની સાથે પણ છૂટાછેડા થયા. તેમને કાવેરી કપૂર નામની દીકરી છે.

શેખર કપૂરે પોતાની અભિનય યાત્રા ‘જાન હાજીર હૈ’ (૧૯૭૫)થી શરૂ કરી હતી. ‘તૂટે ખિલૌને’માં પણ એમણે કામ કર્યું. ‘ઉડાન’માં કવિતા ચૌધરી સાથે, ‘ઉપન્યાસ’માં નિશા સિંઘ સાથે અને ‘માસૂમ’માં નીના ગુપ્તા સાથે એમ ટેલિવિઝન સિરિયલમાં પણ કામ કર્યું. એમની મનોરંજક વિજ્ઞાનકથા ‘મિ. ઇન્ડિયા’ પરદા પર બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.

નિર્દેશક રૂપે શરૂ કરેલી ફિલ્મ છોડી દેવા માટે શેખર જાણીતા છે. ૧૯૮૯માં ‘જોશીલે’નું નિર્દેશન તેમણે અડધે રસ્તે છોડી દીધું હતું. એ જ રીતે બોબી દેઓલની પહેલી ફિલ્મ ‘ચેમ્પિયન’નું નિર્દેશન શરૂ તો કર્યું, જેને રાજકુમાર સંતોષીએ ‘બરસાત’ નામે પૂરી કરવી પડી. ૧૯૯૨માં આમિર ખાન સાથે વિજ્ઞાન કથા ‘ટાઈમ મશીન’ શરૂ કરી, જે નાણાના અભાવે અટકી પડી. તો સની દેઓલ, જેકી શ્રોફ અને મનીષાની ‘દુશ્મની’નું નિર્દેશન શરૂ કરીને છોડી દીધું એ પછી નિર્માતા બન્ટી સુરમાએ વચ્ચે પડી એ પૂરી કરાવી.

શેખરે 2013 માં ટીવી શો ‘પ્રધાનમંત્રી’ પણ હોસ્ટ કર્યો હતો.

(નરેશ કાપડીઆ-સુરત)