મેરા નામ ચીનચીનચુઃ હેલેન

નામ પડતાં જ મનમાં નૃત્યનો ઝણકાર થાય એ અભિનેત્રી હેલેન એટલે કે હેલેન એને રીચર્ડસનનો જન્મ બર્માના રંગૂનમાં ૨૧ નવેમ્બર, ૧૯૩૮ના રોજ થયો. સાતસોથી વધુ ફિલ્મોમાં અભિનેત્રી-નર્તકી રૂપે રજૂ થયેલા હેલેનના નૃત્યને મળી છે એટલી લોકપ્રિયતા ભાગ્યે જ બીજા કોઈને મળી હશે.

રંગૂનના એંગ્લો ઇન્ડિયન પરિવારમાં ભારતીય પિતા અને બર્મીઝ માતાનું એ સંતાન. પિતાજીનું બીજા વિશ્વયુદ્ધમાં મૃત્યુ થયું અને જાપાનીઓએ કબજે કરેલા બર્મામાંથી એમનો પરિવાર ભાગીને 1943 માં દિબ્રુગઢ થઇ કોલકાતા અને પછી મુંબઈ આવ્યો ત્યારે હેલેનની ઉંમર ફક્ત પાંચ વર્ષ હતી. નર્સ તરીકે ફરજ બજાવતી માતાનો પગાર ટૂંકો એટલે હેલેને ફરજીયાત કામ કરવું પડ્યું. ૧૯ વર્ષની ઉંમરે એમને ‘હાવરાબ્રીજ’માં બ્રેક મળ્યો.

પરદા પર ‘મેરા નામ ચીનચીનચું’ નૃત્યથી પ્રેક્ષકોને ડોલાવનાર હેલને ફિલ્મોમાં નકારાત્મક અને સકારાત્મક એમ અનેક પ્રકારની ભૂમિકાઓ બખૂબી અદા કરી છે. ‘શોલે’, ‘ડોન’, ‘દોસ્તાના’, ‘ઈમાન ધરમ’માં હેલેન ખૂબ જામ્યા. મહેશ ભટ્ટની ‘લહુ કે દો રંગ’ ની ભૂમિકા માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ કેબ્રે હેલેન પર ચિત્રિત થયા છે. ‘મેરા નામ ચીનચીનચુ’ ગીતા દત્તે, ‘પિયા તું અબ તો આજા’ આશા ભોસલેએ અને ‘આ જાને જા’ લતા મંગેશકરે ગાયા છે.

સલીમ ખાનના પત્ની સુશીલા (સલમા ખાન) અને ચાર સંતાનોના પરિવાર સાથે હેલેન સલીમના બીજા પત્ની રૂપે ૧૯૮૧માં આ પરિવાર સાથે જોડાયા. પરિવારને એકજૂટ રાખવામાં એમણે મોટી ભૂમિકા નિભાવી છે. સાવકા દીકરા સલમાન ખાનની માતા તરીકે એ ‘હમ દિલ દે ચુકે સનમ’ માં દેખાયા.

૧૯૭૩માં મર્ચન્ટ આઇવરી ફિલ્મ્સ દ્વારા ‘હેલેન-ક્વિન ઓફ નાચ ગર્લ્સ’ નામની દસ્તાવેજી ફિલ્મ આવી. લંડન, પેરીસ અને હોંગકોંગમાં હેલેને સ્ટેજ શો પણ કર્યા છે. ૨૦૦૬માં એમના જીવન પર ‘લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ એચ-બોમ્બ’ પુસ્તક બન્યું, જેને નેશનલ એવોર્ડ મળ્યો. ૨૦૦૯માં પદ્મશ્રીનું સમ્માન મળ્યું.

(નરેશ કાપડીઆ-સુરત)