અભિનય સમ્રાટ દિલીપ કુમાર

સર્વકાલીન શ્રેષ્ઠ અભિનેતા મુહમ્મદ યુસુફ ખાન યાને દિલીપ કુમાર આજે ૯૮ વર્ષના થશે. ૧૧ ડીસેમ્બર, ૧૯૨૨ના રોજ પેશાવરમાં તેમનો જન્મ. ‘શ્રેષ્ઠ અભિનેતા’નો ફિલ્મફેર એવોર્ડ તેમને ૯ વાર મળ્યો છે. ભારત સરકારે દિલીપ કુમારને ૧૯૯૧માં પદ્મભૂષણ, ૧૯૯૪માં દાદાસાહેબફાળકે એવોર્ડ અને ૨૦૧૫માં પદ્મવિભૂષણના ખિતાબથી નવાજ્યા છે. તેમની નિયુક્તિ રાજ્ય સભાના સભ્ય તરીકે પણ થઇ છે. પાકિસ્તાન સરકારે પણ દિલીપ કુમારને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-ઈમ્તીઆઝ’થી ૧૯૯૭માં નવાજ્યા હતા.

તેમના પિતા લાલ ગુલામ સરવર જમીનદાર હતા હતા, જેમના પેશાવર અને મહારાષ્ટ્રના દેવલાલીમાં ફળોના બગીચા હતા. દેવલાલીની બાર્નેસ સ્કૂલમાં યુસુફ ભણ્યા હતા. ૧૯૩૦ના દાયકામાં તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો. ૧૯૪૨માં કામ શોધતા યુસુફનો ડૉ. મસાણીએ બોમ્બે ટોકીઝના માલિકણ દેવિકા રાણી સાથે પરિચય કરાવ્યો હતો, જેમણે યુસુફખાનને દિલીપ કુમાર નામ આપીને રૂ. ૧૨૫૦ના માસિક પગારે રાખ્યા હતા.

બોમ્બે ટોકીઝની ‘જવારભાઠા’ (૧૯૪૪)થી તેમણે કરિયરની શરૂઆત કરી હતી. સાંઇઠ વર્ષથી લાંબી તેમની કરિયરમાં તેમણે માત્ર ૬૦ જેટલી ફિલ્મો કરી છે. ચાલીસના દાયકામાં દિલીપ કુમારે ‘જુગનુ’, ‘શહીદ’, ‘અંદાઝ’, ‘શબનમ’ કરી; પચાસના દાયકામાં ‘જોગન’, ‘તરાના’, ‘આન’, ‘દાગ’, ‘અમર’, ‘ઉડનખટોલા’, ‘દેવદાસ’, ‘યહુદી’, ‘નયાદૌર’, ‘મધુમતી’, ‘પૈગામ’, ‘મુઘલ-એ-આઝમ’, ‘કોહિનૂર’ કરી. સાંઇઠના દાયકામાં ‘ગંગા જમુના’નું નિર્માણ પણ કર્યું. ‘લીડર’ ઠંડી રહી, ‘દિલ દિયા દર્દ લિયા’ પણ સફળ નહોતી, પછી ‘રામ ઔર શ્યામ’ હીટ ગઈ તો ‘સંઘર્ષ’ સાધારણ રહી. તેમનો ગ્રાફ સિત્તેરના દાયકામાં ‘દાસ્તાન’ અને ‘બૈરાગ’થી નીચો ઊતર્યો. વિરામ બાદ એંશીના દાયકામાં ‘ક્રાંતિ’ પછી ‘વિધાતા’ હીટ ગઈ, ‘શક્તિ’, ‘મશાલ’ અને ‘દુનિયા’ સાધારણ રહી, પણ ‘કર્મા’  હીટ થઇ. નેવુંના દાયકામાં ‘સૌદાગર’ હીટ થઇ, ‘કલિંગા’ બની જ નહીં અને છેલ્લી ડબલ રોલવાળી ‘કિલા’ નિષ્ફળ ગઈ.

૧૯૮૦માં એ મુંબઈના શેરીફ બન્યા હતા. તેમના પર હૃદય રોગના બે મોટા હુમલા થયા છે. તેમને તેમની યાદદાસ્ત વારંવાર દગો દે છે. તેમનું જીવન ચરિત્ર ‘સબસ્ટન્સ એન્ડ શેડોઝ’ અદભુત પુસ્તક બન્યું છે.

(નરેશ કાપડીઆ-સુરત)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]