જૉની વોકરે શરાબી બની ‘બાજી’ મારી                  

જૉની વોકરને ગુરુદત્તની ફિલ્મ ‘બાજી’ (૧૯૫૧) માં શરાબીની એક નાનકડી ભૂમિકા મળી હતી. પણ એને એવી રીતે ભજવી કે શરાબીની ભૂમિકાઓમાં તેમના સિવાય કોઇ સારું કરી શકે નહીં એ સાબિત થઇ ગયું. જૉનીને સંઘર્ષના એ દિવસોમાં શરાબીની એ પહેલી મહત્વની ભૂમિકા કેવી રીતે મળી એનો કિસ્સો રસપ્રદ છે. જૉની વોકરનું સાચું નામ બદરુદ્દીન કાજી છે. તે બહુ ગરીબ પરિવારમાંથી આવતા હતા. તેમણે ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમની ભૂમિકા એટલી નાની રહેતી કે જ્યારે એ મિત્રોને ફિલ્મ જોવા લઇ જતા ત્યારે કહેતા કે મારી ભૂમિકા આવવાની તૈયારી છે.

આંખનો પલકારો મારતા નહીં. નહીંતર હું ક્યારે આવ્યો અને જતો રહ્યો એનો ખ્યાલ આવશે નહીં! આવી જ એક એકસ્ટ્રાની ભૂમિકા તેમણે દિલીપકુમારની ફિલ્મ હલચલ'(૧૯૫૧) માં કરી હતી. એમાં કામ કરતા બલરાજ સહાનીએ જૉનીને શુટિંગમાં વિરામ વખતે શરાબીના રૂપમાં કલાકારોનું મનોરંજન કરતા જોયા. એ તેમનાથી બહુ પ્રભાવિત થયા અને કામ અપાવવાનું નક્કી કર્યું. એમણે જૉનીને કહ્યું કે તારે શરાબી બનીને ગુરુદત્તની ઓફિસમાં ઘૂસી જવાનું અને ધમાલ કરવાની.

જૉની જ્યારે ગુરુદત્તની ઓફિસમાં પહોંચ્યા ત્યારે ચેતન આનંદ, દેવ આનંદ વગેરે પણ ત્યાં બેઠા હતા. જૉનીએ શરાબી તરીકે એવો જીવંત અભિનય કર્યો કે પાછળથી આ નાટક હતું એનો ખ્યાલ આવ્યો ત્યારે ગુરુદત્ત બહુ ખુશ થયા. ત્યારે તે દેવ આનંદ- ગીતા બાલી સાથે ફિલ્મ ‘બાજી’ (૧૯૫૧) બનાવી રહ્યા હતા. ફિલ્મ અડધી પૂરી થઇ ચૂકી હોવા છતાં ગુરુદત્તે ફિલ્મના લેખક રહેલા બલરાજ સહાની પાસે જૉની માટે શરાબીની જ એક ભૂમિકા તૈયાર કરાવી. એ દ્રશ્યમાં જૉનીએ શરાબી કેદી બનીને દેવ આનંદને એક પત્ર પહોંચાડવાનો હતો. એમાં ખાસ સંવાદ ન હતા એટલે નિર્દેશક ગુરુદત્તે એમને જે ઠીક લાગે તે બોલવા કહી દીધું હતું.

જૉનીએ સાવ નાનકડી ભૂમિકાને એવો અંજામ આપ્યો કે એક અભિનેતા તરીકે ઓળખાવા લાગ્યા. અસલમાં એ દ્રશ્ય ફિલ્મની વાર્તામાં વળાંક લાવનારું હતું એટલે જૉનીની વધારે નોંધ લેવામાં આવી. અને એક શરાબી તરીકે પ્રસિધ્ધ થયા પછી બદરુદ્દીન કાજી નામ બદલીને વ્હીસ્કીની બ્રાંડ પરથી જૉની વોકર કરી દીધું હતું. ‘બાજી’ પછી જૉનીને શરાબીની ભૂમિકાવાળી અનેક ફિલ્મો મળતી ગઇ. ગુરુદત્તે તેમની દરેક ફિલ્મમાં જૉનીને કોઇને કોઇ ભૂમિકા જરૂર સોંપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]