ગુલઝારનું પહેલું ગીત ત્રીજું આવ્યું

ગીતકાર– નિર્દેશક ગુલઝાર જ્યારે એક ગેરેજમાં કામ કરતા હતા ત્યારે પહેલું ફિલ્મ ગીત લખવાની ના પાડી દીધી હતી. પરંતુ શૈલેન્દ્રની સલાહ પછી લખી આપ્યું હતું. નિર્દેશક બિમલ રૉય નૂતન સાથે ‘બંદિની’ (૧૯૬૩) બનાવી રહ્યા હતા. એસ.ડી. બર્મન દ્વારા સાતેક ગીતોનું સંગીત તૈયાર કરવામાં આવ્યું હતું. શૈલેન્દ્રએ ઓ જાનેવાલે હો સકે તો, ઓ મેરે માઝી… વગેરે છ ગીતો લખ્યા હતા. પરંતુ બર્મનદા સાથે તેમને કોઇ બાબતે ઝઘડો થઇ ગયો હતો અને એક ગીતની બિમલદાને જરૂર હતી. ત્યારે શૈલેન્દ્રએ તેમની સાથે કામ કરતા દેબુ સેનને કહ્યું કે ગુલઝાર પાસે ગીત લખાવી લો. ગુલઝારે એમ કહીને ના પાડી દીધી કે મારે ફિલ્મોમાં કામ કરવું નથી અને ફિલ્મી ગીતો તો લખવા જ નથી. દેબુએ ગુલઝારનો આ સંદેશ શૈલેન્દ્રને આપ્યો. શૈલેન્દ્રએ ગુલઝારને ચિઢવતાં કહ્યું:”તું સાહિત્યનો મહાન સમર્થક છે. પણ તને ખબર છે કે ફિલ્મી લોકો અભણ છે? લોકો બિમલદા સાથે કામ કરવા તડપે છે. એમને જઇને મળી આવ.”

એ વાતની ગુલઝાર પર અસર થઇ અને તે દેબુ સેન સાથે બિમલ રૉયને મળ્યા. ગુલઝારે ‘મોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ રંગ દઇ દે, છુપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા સંગ દઇ દે’ ગીત લખ્યું ત્યારે બધાંને ગમ્યું. ગુલઝારે નસરીન મુન્ની કબીર સાથેની વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે બર્મનદાએ પહેલાં તો તેમની સાથે કામ કરવાની ના પાડી દીધી. અને બિમલદાને કહ્યું કે શૈલેન્દ્ર પાસે જ ગીત લખાવો. હું નવા ગીતકાર સાથે કામ કરવા માગતો નથી. નવા ગીતકાર સાથે ‘અપના હાથ જગન્નાથ'(૧૯૬૦) માં કામ કરી ચૂક્યો છું અને એ ફ્લોપ રહી હતી. નિર્દેશક મોહન સહગલની કિશોરકુમાર અભિનીત આ ફિલ્મના ગીતો નવોદિત કૈફી આઝમીએ લખ્યા હતા. અને ફિલ્મ સફળ રહી ન હતી.

બર્મનદાએ જ્યારે ગીત સાંભળ્યું ત્યારે ગુલઝાર સાથે કામ કરવા તૈયાર થઇ ગયા. એટલું જ નહીં ગુલઝારને જ આ ગીત ગાવાનું પણ કહ્યું. એમણે ના પાડી દીધી. બિમલદા સહિત બધાંને ગુલઝારનું લખેલું એ ગીત બહુ પસંદ આવ્યું હતું. બર્મનદાને એ વખતે લતા મંગેશકર સાથે વાંકુ પડ્યું હતું. અને બિમલદા આ ગીત લતાજીના સ્વરમાં જ રેકોર્ડ કરાવવા માગતા હતા. અને એમના આગ્રહથી લતાજીએ ત્રણ વર્ષના અંતરાલ પછી બર્મનદા સાથે ‘મોરા ગોરા અંગ લઇ લે’ રેકોર્ડ કરાવ્યું અને ફરી એમની સાથે કામ શરૂ કરી દીધું.

ગુલઝારને જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગીતમાં ‘લે લે’ ને બદલે ‘લઇ લે’ શબ્દનો પ્રયોગ કરવાનું શું કારણ હતું? ત્યારે એમનો જવાબ હતો કે ‘બંદીની’ બંગાળના એક ગામની વાર્તા હતી. ગીતમાં ગામડાનો સ્પર્શ આપવા ‘લઇ લે’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. નવાઇની વાત એ છે કે ગુલઝારના પ્રથમ ગીત સાથેની ‘બંદિની’ પહેલાં અન્ય બે ફિલ્મો ‘કાબુલીવાલા'(૧૯૬૧) અને ‘પ્રેમપત્ર'(૧૯૬૨) ના બે ગીતો રજૂ થઇ ગયા. એ પછી એમનું પહેલું ગીત ‘મોરા ગોરા અંગ લઇ લે’ શ્રોતાઓને સાંભળવા મળ્યું હતું.

ગુલઝારે બીજા ગીત તરીકે ભજન બિમલદાની ‘કાબુલીવાલા’ માટે લખ્યું. અસલમાં ગીતકાર પ્રેમ ધવને બે ગીતોમાં એક દેશભક્તિનું ‘અય મેરે પ્યારે વતન’ અને બીજું ભજન લખ્યું હતું. બિમલદાએ તેમના સહાયક તરીકે કામ કરતા ગુલઝારને જ્યારે બંને ગીત સંભળાવ્યા ત્યારે ભજન ખાસ ના લાગ્યું ત્યારે બિમલદાએ આગ્રહ કરીને ગુલઝાર પાસે ‘ગંગા આયે કહાં સે’ લખાવ્યું. ગુલઝારે જ્યારે પ્રેમ ધવનનો પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને સલીલ ચૌધરીએ કહ્યું કે તે એક નાટકના અભિનયમાં વ્યસ્ત હોવાથી ભજનને ગુલઝાર પાસે લખાવવાનું તેમણે જ સૂચન કર્યું હતું. ગુલઝારે બિમલદાની જ અન્ય એક ફિલ્મ ‘પ્રેમપત્ર’ માટે પણ એક ગીત ‘સાવન કી રાતોં મેં ઐસા’ લખ્યું હતું. જે એમનું બીજું ગીત હતું. પણ એમના પહેલા ગીત ‘મોરા ગોરા અંગ લઇ લે’ વાળી ‘બંદિની’ રજૂ થનારી ત્રીજી ફિલ્મ બની હતી.

-રાકેશ ઠક્કર (વાપી)