કિસ્સો ‘કુદરત’ ના એ ગીતનો

નિર્દેશક ચેતન આનંદની ફિલ્મ ‘કુદરત'(૧૯૮૧) ના આમ તો બધાં જ ગીતો લોકપ્રિય થયા હતા, પરંતુ તેનું થીમ ગીત ‘દુ:ખ સુખ કી હર એક માલા’ દર્શકો પર એક અલગ અસર મૂકી ગયું હતું. આ ગીતને બીજા ગીતકાર પાસે કેમ લખાવવામાં આવ્યું અને તેને મોહમ્મદ રફી ઉપરાંત અન્ય એક નવા ગાયકે પણ ગાયું તેનો કિસ્સો રસપ્રદ છે. ચેતન આનંદે રાજેશ ખન્ના, રાજકુમાર, વિનોદ ખન્ના વગેરે મોટા કલાકારો સાથેની ફિલ્મ ‘કુદરત’ ના સંગીતકાર તરીકે આર.ડી બર્મન (પંચમદા) ને કામ સોંપ્યું હતું.

ગીતકાર તરીકે મજરૂહ સુલતાનપુરી હતા. તેમણે ફિલ્મના તમામ છ ગીત લખ્યા. એમાં ‘હમે તુમ સે પ્યાર કિતના’ ને કિશોરકુમાર ઉપરાંત ફિલ્મની વાર્તાની માંગ મુજબ અરુણા ઇરાની ઉપર ફિલ્માવવાનું હોવાથી પરવીન સુલતાનાના સ્વરમાં પણ તૈયાર કરવામાં આવ્યું. આર.ડી. બર્મને ફિલ્મના અન્ય ગીતો ‘તૂને ઓ રંગીલે કૈસા જાદૂ કિયા’, ‘છોડો સનમ કાહે કા ગમ’, ‘સજતી હૈ યૂં હી મહેફિલ’ અને ‘સાવન નહીં ભાદો નહીં’ ને તૈયાર કરી દીધા. પરંતુ મજરૂહ સુલતાનપુરીએ લખેલું થીમ ગીત તેમને પસંદ આવ્યું ન હતું એટલે બાકી હતું.

પંચમદાએ થીમ ગીત માટે કતિલ શિફાઇને વિનંતી કરી ત્યારે એમણે કહ્યું કે ‘કુદરત’ના ગીતકાર મજરૂહ સાહેબ હોવાથી એમની મંજુરી હોય તો હું લખીશ. પંચમદાએ કહ્યું કે આ ગીત માટે હું એમને મહેનતાણું આપી ચૂક્યો છું. બીજું એક ગીત નિદા ફાજલી પાસે પણ લખાવી ચૂક્યો છું અને એનું પણ મહેનતાણું ચૂકવી દીધું છે. મને એ પણ ખાસ પસંદ આવ્યું નથી એટલે તમે લખી આપો. ત્યારે કતિલ શિફાઇએ ‘દુ:ખ સુખ કી હર એક માલા, કુદરત હી પિરોતી હૈ, હાથોં કી લકીરોં મેં યે જાગતી સોતી હૈ’ ગીત લખી આપ્યું અને પંચમદાને થયું કે તેમને જે જોઇતું હતું એ આ જ ગીત છે. જોકે, પંચમદાએ પોતાનું લખેલું થીમ ગીત ના વાપર્યું એ કારણે મહરૂહ સુલતાનપુરી નારાજ થયા હતા. કેમકે તમામ ગીતો લખવાનો કરાર તેમની સાથે થયો હતો. ફિલ્મના ટાઇટલ્સમાં મુખ્ય ગીતકાર તરીકે મહરૂહ સુલતાનપુરીનું જ નામ આપવામાં આવ્યું અને ‘થીમ ગીત કર્ટસી’ માં કતિલ શિફાઇનું નામ લખાયું. ફિલ્મના ગાયકોના નામોની યાદીમાં પણ આ જ રીતે એક નવા ગાયકનું નામ ઉમેરાયું.

ચેતન આનંદે આ થીમ ગીતને મોહમ્મદ રફીના સ્વરમાં રેકોર્ડ કરવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે પંચમદાએ એક નવા ગાયકનો અવાજ સાંભળ્યો હોવાથી તેના અવાજમાં ગીત રેકોર્ડ કરવા માગતા હતા. ચેતન આનંદ માનતા હતા કે આ થીમ ગીતને મોહમ્મદ રફી સાહેબ સિવાય કોઇ યોગ્ય ન્યાય આપી શકે એમ નથી. જોકે, પંચમદાના આગ્રહથી આખરે ચેતન આનંદે એ નવા મરાઠી ગાયક ચંદ્રશેખર ગાડગીલનો અવાજ સાંભળ્યો અને એમના અવાજમાં ગીત રેકોર્ડ કરવાની પરવાનગી આપી.

ચંદ્રશેખર ગાડગીલ

ગીત તૈયાર થઇ ગયા પછી ચેતન આનંદે કહ્યું કે ચંદ્રશેખરે સારું ગાયું છે, પરંતુ રફી સાહેબનો અવાજ વધારે અસર મૂકી જાય એમ છે. તેમણે ફરી મોહમ્મદ રફીનો સતત આગ્રહ રાખ્યો એટલે પંચમદાએ એમને ગીત ગાવા બોલાવ્યા. રફી સાહેબે ગીતની ત્રણ કડી ગાઇ અને વિરામ લીધો એ દરમ્યાનમાં તેમને સ્ટુડિયોના ટેકનિશિયન કે અન્ય કોઇ પાસેથી એવું સાંભળવા મળ્યું કે આ ગીત અગાઉ પૂનાના દાઢીવાળા એક નવા ગાયકના અવાજમાં રેકોર્ડ થઇ ચૂક્યું છે અને તેણે સારું ગાયું છે. મો.રફીએ એ અવાજ સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. પંચમદાએ ચંદ્રશેખરે ગાયેલું થીમ ગીત સંભળાવ્યું. અને પછી મોહમ્મદ રફી ચોથી કડી ગાયા વગર પંચમદાને એમ કહીને જતા રહ્યા કે ચંદ્રશેખર દ્વારા ગવાયેલું ગીત સારું છે અને તે કોઇ નવા ગાયકની કારકિર્દીને પોતાના હાથે બરબાદ થવા દેવા માગતા નથી. અને ફિલ્મમાં બંનેના સ્વરમાં ગીત રાખવામાં આવ્યું. આ કિસ્સો ચંદ્રશેખર ગાડગીલે એક જાહેર કાર્યક્રમમાં યાદ કર્યો હતો.

(રાકેશ ઠક્કર-વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]