સૂરજ બડજાત્યાએ નિર્દેશન પસંદ કર્યું

સૂરજ બડજાત્યાને નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ શરૂ કરતાં પહેલાં કોઇ પ્રકારનો અનુભવ ન હતો. છતાં એમણે જ સ્ક્રીનપ્લે અને સંવાદ પણ લખ્યા હતા. દાદા તારાચંદ બડજાત્યા અને પિતા રાજકુમાર બડજાત્યા નિર્માતા રહ્યા હોવાથી બાળપણથી જ ફિલ્મી માહોલમાં ઉછેર થયો હતો. ૧૬ વર્ષની ઉંમરે સૂરજે નિર્દેશક બનવાનો નિર્ણય કર્યો ત્યારે પિતાને નવાઇ લાગી હતી. કેમેકે તેઓ ફિલ્મનું નિર્માણ જ કરતા આવ્યા હતા. એમણે પૂછ્યું કે ક્યારેય ફોટોગ્રાફી કરી છે? જવાબ ‘ના’માં જ હતો. પિતાએ કહ્યું કે અમે નિર્દેશક બની શક્યા નથી તો તું કેવી રીતે બનશે? પણ નિર્દેશનની ધૂનમાં સૂરજે કોલેજનો અભ્યાસ છોડી દીધો અને અનુભવ મેળવવા મહેશ ભટ્ટના સહાયક તરીકે ‘સારાંશ’ માં કામ શરૂ કરી દીધું.

એમની પાસેથી સૂરજને ઘણું શીખવા મળ્યું. સૂરજે જ્યારે પહેલી ફિલ્મ બનાવવા સ્ક્રીપ્ટ લખી ત્યારે પિતાએ કહ્યું કે આ પ્રકારની ફિલ્મ અત્યારે બનાવીશ નહીં. પહેલાં તારી ઉંમર પ્રમાણેની ફિલ્મ બનાવ. અને એમણે એક રાજસ્થાની લોકવાર્તા સંભળાવીને એના પરથી આજના જમાના પ્રમાણે ફિલ્મ બનાવવાનું કહ્યું. એમાં એવી વાત હતી કે એક બંજારો પોતાની પુત્રીને મિત્ર પાસે મૂકીને કમાવવા માટે બહાર જાય છે. તે જ્યારે પાછો ફરે છે ત્યારે જુએ છે કે એની પુત્રીનું અપમાન થઇ રહ્યું છે. આ વાર્તા પરથી એમણે સૂરજને સ્ક્રીપ્ટ લખવાનું કહ્યું. સૂરજે કહ્યું કે તે લેખક નથી. પિતાએ કહ્યું કે તું આ સમયમાં જે અનુભવતો હોય એ લખ. સૂરજે છ મહિનામાં પહેલો ભાગ અને બીજા ચાર મહિનામાં બીજો ભાગ લખ્યો.

સૂરજે બધું જ અંગ્રેજીમાં લખ્યું અને એનો હિન્દીમાં અનુવાદ થયો. પછી એના પરથી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ નું આયોજન કર્યું અને કલાકારોની પસંદગી શરૂ કરી દીધી. ફિલ્મની હીરોઇન માટેના સ્ક્રીન ટેસ્ટમાં શબીના દત્ત નામની એક યુવતી નાપાસ થઇ હતી પણ એણે હીરો તરીકે સલમાન ખાનનું નામ સૂચવ્યું હતું. સૂરજને થયું કે પોતે નવો નિર્દેશક હોવાથી સલીમ ખાન જેવી હસ્તીનો છોકરો મારી સાથે કામ કરશે નહીં. છતાં એની સાથે મુલાકાત કરી. એને મળવા ગયા ત્યારે તે રિસેપ્શન પર બેઠો હતો. જીન્સ અને ટીશર્ટમાં એ પાતળો અને સામાન્ય દેખાતો હતો. જ્યારે એણે પોતાની તસવીરો બતાવી ત્યારે સૂરજ પ્રભાવિત થઇ ગયો. તે બહુ સુંદર દેખાતો હતો અને આંખોમાં જાદૂ હતો.

સલમાનને પહેલાં તો લાગ્યું કે ‘રાજશ્રી’ ની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મનો હીરો ધોતીવાળો જ હશે. તેણે વાર્તા સાંભળવાનું શરૂ કર્યું અને કબૂતરવાળી વાત આવી એટલે ખુશ થઇ ગયો અને હા પાડી દીધી. એનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો. એણે હીરોની ભૂમિકા માટે બહુ મહેનત કરવી પડી. સલમાનની સંવાદ અદાયગી બહુ નબળી હતી. ફિલ્મનું ડબિંગ એણે જ કર્યું હતું. પણ જ્યારે ફિલ્મના દ્રશ્યોનું મિક્સીંગ ચાલતું હતું ત્યારે એવું સૂચન થયું કે એનો અવાજ બરાબર નથી. બીજા પાસે ડબિંગ કરાવવું જોઇએ. સૂરજના પિતા રાજકુમારે સલમાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો એટલે એની પાસે જ ફરીથી ડબિંગ કરાવડાવ્યું અને એ પછી બધાને એની ડાયલોગ ડિલિવરી માટે સંતોષ થયો હતો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]