શુભા ખોટેના ખરા-ખોટા નામ   

મહેમૂદ સાથે ભરોસા, જિદ્દી, લવ ઇન ટોકિયો વગેરે ફિલ્મોમાં હાસ્ય ભૂમિકાઓ કરીને વધુ જાણીતી થયેલી શુભા ખોટેએ અભિનેત્રી તરીકે શરૂઆત બલરાજ સહાની- નુતનની ગંભીર ફિલ્મ ‘સીમા'(૧૯૫૫) થી કરી હતી પણ પોતાને સુંદર માનતી ન હોવાથી હીરોઇન તરીકે કામ કરવાનું યોગ્ય માન્યું ન હતું. અમિયા ચક્રવર્તીની સલાહ હતી કે કોમેડિયન તરીકે સારું કામ કરી શક્શે. જાણીતા નાટ્ય અભિનેતા અને મૂંગી ફિલ્મોમાં કામ કરનાર નંદુ ખોટેને ત્યાં જન્મેલી ‘શુભા’ નું અસલ નામ શુભાંગી હોવા છતાં તેને ‘શોભા’ નામથી ઓળખવામાં આવતી હતી એની સામે વાંધો હતો.

વર્ષો પહેલાં દૂરદર્શન પરના એક કાર્યક્રમમાં તબસ્સુમે તેને ‘શોભા’ તરીકે સંબોધન કર્યું ત્યારે તરત રોકીને ‘શુભા’ તરીકે બોલાવવા ટકોર કરી હતી. શુભાના નાનપણમાં પિતા નાટકોમાં કામ કરતા હોવાથી એમની સાથે જવાને કારણે નાની નાની ભૂમિકાઓ ચાર વર્ષની ઉંમરમાં જ કરવાની તક મળી હતી. પરંતુ તેને સ્વીમીંગ અને સાયકલીંગનો બહુ શોખ હતો. સાયકલીંગના શોખને કારણે જ તે અભિનયમાં આવી ગઇ હતી. તેણે ઓલ ઇન્ડિયા સાયકલીંગ ચેમ્પિયનશીપ ઉપરાંત ઇન્ટર કોલેજ સ્વીમીંગ સ્પર્ધામાં ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો. તેના પિતા સાયકલીંગમાં બહુ પ્રોત્સાહન આપતા હતા. તે પહેલી વખત સાયકલ સ્પર્ધામાં ઉતરતી હતી ત્યારે પિતા નંદુ ખોટેએ તેને કહ્યું હતું કે પાછી આવે ત્યારે સ્ટ્રેચરમાં ભલે આવવું પડે પણ સ્પર્ધા જીતીને આવજે.

પિતાએ એને અભિનયની પણ તાલીમ આપી હતી. પિતાના સ્ટેજ પરના નાટકોમાં કોઇ બાળ કલાકાર હાજર રહી ના શકે ત્યારે શુભાને એ કામ સોંપી દેતા હતા. એક વખત વેકેશનમાં શુભાએ એક ફિલ્મનું આઠ-દસ દિવસનું શુટિંગ કર્યું હતું. એ ફિલ્મનો તેનો સાયકલ પરનો ફોટો અખબારમાં જોઇને નિર્દેશક અમિય ચક્રવર્તીએ પોતાની ફિલ્મોના વિતરક એન. બી. કામતને તેના વિશે વાત કરી. કામત નંદુ ખોટેને ઓળખતા હતા. ચક્રવર્તીએ શુભા માટે ફિલ્મની વાત કરવાનું એમને સોંપી દીધું. કામત જ્યારે એમના ઘરે ગયા ત્યારે શુભા ટોમબોય જેવા વેશમાં ભાઇ વિજુ ખોટે સાથે ધમાલમસ્તી કરતી હતી. જ્યારે એમણે શુભા વિશે પૂછ્યું ત્યારે એણે પોતે હોવાનું કહ્યું તેથી તે ચોંકી ગયા હતા. તે બીજી કોઇ વાત કર્યા વગર ચક્રવર્તીને મળવાનો સંદેશો આપીને જતા રહ્યા હતા.

એ પછી શુભાની પસંદગી ‘સીમા’ માં ‘પુતલી’ ની ભૂમિકા માટે તેમણે કરી લીધી હતી. પરંતુ શુભાને એક વર્ષ પછી જે વાતની ખબર પડી હતી એનો ઉલ્લેખ કરતાં એક રેડિયો મુલાકાતમાં કહ્યું હતું કે કામતે એનો દેખાવ એક ચુડેલ જેવો હોવાનો એમને અભિપ્રાય આપ્યો હતો! ફિલ્મમાં શુભાને સાયકલ પર ભાગતા એક ચોરને પકડવાનું દ્રશ્ય કરવાનું હતું. તેની પસંદગી પાછળ આ કારણ હોય શકે છે. એ દ્રશ્ય ફિલ્માવવામાં આવતું હતું ત્યારે ચોરને ધક્કો મારતી વખતે તે સાયકલ પરથી પડી ગઇ હતી અને મોં પર ગંભીર ઇજાઓ થઇ હતી. મોં પર ટાંકા આવ્યા હતા. ત્યારે તેને લાગ્યું હતું કે ફિલ્મી કારકિર્દીનો અહીં જ અંત આવી જશે. પણ એ એકાદ મહિનામાં સ્વસ્થ થઇ ગઇ હતી. એ પછીના વર્ષે એક મરાઠી ફિલ્મના શુટિંગ વખતે શુભાને પગમાં ગંભીર ઇજા થઇ હતી. શુભાને આખી કારકિર્દીમાં આ રીતે સાત વખત ગંભીર અકસ્માતો થયા હતા.