સંજીવકુમારે બે વખત નામ બદલ્યા   

સંજીવકુમારે અભિનેતા તરીકે સફળતા મેળવવા ઘણો સંઘર્ષ કર્યો હતો. એમાં બે વખત નામ બદલ્યા હતા. તેમણે પોતાના સફેદ કુર્તા-પાયજામાના વેશને કારણે ઘણી ફિલ્મો ગુમાવી હતી અને ઘણી ફિલ્મો મેળવ્યા પછી તે પૂરી થઇ ન હોવાના કિસ્સા પણ તેમના જીવન પરના પુસ્તકમાં વાંચવા મળે છે.

નાટકોમાં ૨૨ વર્ષની ઉંમરે વૃધ્ધની ભૂમિકાઓ ભજવનાર હરિહર જેઠાલાલ જરીવાલાને ‘ફિલ્માલયા એક્ટિંગ સ્કૂલ’ ના તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઓળખતા રામ મુખર્જીએ સુનીલ દત્ત-આશા પારેખની ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની'(૧૯૬૦) માં કોર્ટમાં ઊભા રહેતા પોલીસ ઇન્સ્પેકટરની નાનકડી ભૂમિકા આપી હતી. એમાં એકપણ સંવાદ ન હતો.

આર. કે. નૈયરની જૉય-સાયરાની ‘આઓં પ્યાર કરેં’ (૧૯૬૪) માં સંજીવકુમારને મેક મોહન સાથે જૉયના મિત્રની ભૂમિકા મળી. એમાં છ ક્લોઝઅપ દ્રશ્યો હતા. ફિલ્મ તૈયાર થઇ ત્યારે બે જ રહી ગયા.  સંજીવકુમારને શરૂઆતમાં કેટલીક ફિલ્મો મળી એ ક્યાં તો બની જ નહીં અથવા પૂરી ના થઇ શકી. કે.આસિફના સહાયક ઇમ્તિયાઝ ખાનને નિર્દેશક તરીકે ફિલ્મ ‘જિંદગી કી રાહેં’ માં તક મળી ત્યારે એમાં હીરો રહેલા સંજય ખાને કામ કરવાની ના પાડી દીધી. અમજદ ખાનની ભલામણથી સંજીવકુમારને લીધા. એ ફિલ્મ શરૂ તો થઇ પણ નિર્માતા અને ફાઇનાન્સર વચ્ચેના વિવાદમાં બંધ થઇ ગઇ. એવી જ રીતે એમણે સ્વીકારેલી કામરાનની ‘બદનામ ફરિશ્તે’, અસ્પી ઇરાનીની ‘રિટર્ન ઓફ કૈદી નં.૧૧’, સમીર ચૌધરીની ‘મિટ્ટી કે દેવ’, દયાકિશનની ‘જીવન ચલને કા નામ’ વગેરે ફિલ્મો કોઇને કોઇ કારણથી બની શકી નહીં.

સંજીવકુમાર પાસે બે સફેદ કુર્તા-પાયજામા હતા અને ફિલ્મો મેળવવા વારાફરતી એ જ પહેરીને દૂર દૂરના સ્ટુડિયો સુધી ચાલતા જતા હતા. જ્યારે એમને ખબર પડી કે વી.શાંતારામ ‘ગીત ગાયા પથ્થરોંને’ (૧૯૬૪) બનાવી રહ્યા છે ત્યારે એ મળવા ગયા. કુર્તા-પાયજામામાં આવેલા સંજીવકુમારને વી.શાંતારામ હીરો તરીકે કલ્પી જ ના શક્યા. તેમને થયું કે આવા વેશવાળો માણસ રોમેન્ટિક ભૂમિકાને ન્યાય આપી શકશે નહીં. અને એ જીતેન્દ્રની પહેલી ફિલ્મ બની ગઇ. જ્યારે બી.આર. ચોપરા ‘આદમી ઔર ઇન્સાન'(૧૯૬૯) બનાવવાના હતા ત્યારે સંજીવકુમાર કુર્તા-પાયજામામાં જ મળવા ગયા હતા. એ કારણે એમને બદલે ફિરોઝ ખાનને લીધા હતા. જો કે, પાછળથી ચોપરા ભાઇઓને પોતાની ભૂલ સમજાતા ત્રિશૂલ (૧૯૭૮), સિલસિલા (૧૯૮૧) વગેરેમાં મહત્વની ભૂમિકા આપી હતી.

એક સમય તો એવો આવી ગયો હતો કે તે જેલ સાબુની પટ્ટી લઇને સુધીર દળવી પાસે ગયા હતા અને કહ્યું હતું કે મને નથી લાગતું કે નિર્માતા-નિર્દેશકોને મારા જેવા પ્રતિભાશાળી કલાકારની જરૂર છે. હું સંઘર્ષ કરવાને બદલે સાબુનો ધંધો કરવાનું પસંદ કરીશ. દળવીએ સંજીવકુમારને અભિનયમાં જ સફળતા મળશે એવું આશ્વાસન આપ્યા પછી ફરી પ્રયત્ન શરૂ કર્યા હતા.

સંઘર્ષ કરતા હરિ જરીવાલાને એક દિવસ મિત્ર કલાકારો સાથે ચર્ચા દરમ્યાન થયું કે એમનું નામ ફિલ્મી નથી. અને નક્કી કર્યું કે માતા શાંતાબેન હોવાથી ‘એસ’ અક્ષર પરથી નામ રાખવું અને અંતમાં ‘કુમાર’ શબ્દ હોવો જોઇએ. ત્યારે ઘણા હીરોના નામ સાથે ‘કુમાર’ લાગેલું હતું. ઘણી ચર્ચા-વિચારણા પછી ‘સંજય કુમાર’ રાખ્યું. તેમણે ‘રમત રમાડે રામ’ અને ‘આઓં પ્યાર કરેં’ (૧૯૬૪) માં આ નામથી જ કામ કર્યું. સંજીવકુમારની મહત્વની ભૂમિકાવાળી ‘બાદલ’ અને ‘નિશાન’ બની રહી હતી ત્યારે સંજય ખાનની ‘દોસ્તી’ (૧૯૬૪) હિટ થઇ ગઇ અને નામ જાણીતું થઇ ગયું. એક સરખા ‘સંજય’ નામવાળા બે હીરો ચાલી શકે નહીં એ સમજતા હરિએ પોતાનું નામ ‘સંજીવ કુમાર’ કરી દીધું હતું.