કમલ માટે એસ.પી.એ કમાલ કર્યો

ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમને પહેલી તેલુગૂ ફિલ્મમાં જ નહીં પહેલી હિન્દી ફિલ્મ ‘એક દુજે કે લિયે’ (૧૯૮૧) માં પણ મુશ્કેલીથી તક મળી હતી. એસ.પી. ભણતા હતા ત્યારે ગાયનનો કોઇ શોખ ન હતો. વચ્ચે એક વર્ષ માંદગીને કારણે અભ્યાસ બંધ રહ્યો એ દરમ્યાન ગાયનનો શોખ જાગ્યો અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. એક સ્પર્ધામાં એસ.પી. ને ગાયિકા એસ. જાનકીના હાથે શ્રેષ્ઠ ગાયકનું બીજું ઇનામ મળ્યું. એસ. જાનકીને એનો અવાજ પ્રથમ વિજેતા કરતાં વધુ સારો લાગ્યો હતો અને એને ફિલ્મોમાં ગાવાની સલાહ આપી હતી. એસ.પી.ને ડર હતો કે તેણે સંગીતની કોઇ તાલીમ લીધી ન હોવાથી ગાઇ શકશે નહીં. ત્યારે એસ. જાનકીએ પોતાનું જ ઉદાહરણ આપી કહ્યું હતું કે એમણે પણ લીધી ન હતી. ત્યારે એસ.પી.એ ગાયક બનવાનું ગંભીરતાથી વિચાર્યું. પાછળથી એસ. જાનકી સાથે જ સૌથી વધુ યુગલ ગીતો ગાયા હતા.

એસ.પી. એ ગાયક બનવા એન્જીનીયરીંગના અભ્યાસ સાથે દક્ષિણના સંગીતકારોની મુલાકાત લેવાનું શરૂ કર્યું. લગભગ બધા જ સંગીતકારોએ તેના અવાજને સ્વીકાર્યો નહીં. કેમકે તેનો અવાજ પરિપકવ ન હતો. ઓછી ઉંમરને કારણે અવાજ પુરુષ કલાકાર કે બાળ કલાકારને અનુરૂપ ન હતો. બે વર્ષ સંગીતકારોને ત્યાં ધક્કા ખાધા પછી તક ન મળતાં ગાયન છોડી દેવાનો નિર્ણય કરી લીધો. દરમ્યાનમાં ‘આંધ્ર સામાજિક સાંસ્કૃતિક મંડળ’ દ્વારા એક સંગીત સ્પર્ધા યોજાઇ. જેમાં જાણીતા સંગીતકારો પધારતા હતા. ત્યારે એસ.પી.ની સંગીત પ્રતિભા જાણતા તેના રૂમના સાથી મુરલીએ નામ નોંધાવી દીધું. એસ.પી. એ એમાં જબરજસ્તી ભાગ લેવો પડ્યો.

એ સ્પર્ધાની વિશેષતા એવી હતી કે ગાયક જે ગીત રજૂ કરે એની ધૂન પણ જાતે જ બનાવવાની રહેતી. એ સ્પર્ધાની શરૂઆત એસ.પી. ના ગાયનથી જ થઇ. એ પોતાનું ગાયન પૂરું કરીને દર્શકોમાં જઇ બેઠો ત્યારે તેનાથી પ્રભાવિત થયેલા સંગીતકાર કોદાનદપાનીએ તેને ફિલ્મોમાં ગાવાની ઓફર આપી દીધી. એસ.પી. બાલાસુબ્રમણ્યમ જ્યારે ઓડિશન આપવા ગયો ત્યારે ફિલ્મના નિર્માતાને અવાજ પુખ્ત ના લાગ્યો અને મંજુરી ના આપી. કોદાનદપાનીએ તેને નિરાશ ન થવા કહ્યું અને થોડા સમયમાં સંપર્ક કરવાનું વચન આપ્યું. એસ.પી. એ ત્યાર પછી ગાયનને બદલે એન્જીનીયરીંગ પર જ ધ્યાન આપવાનું નક્કી કરી લીધું.

લગભગ દોઢ વર્ષ પછી કોદાનદપાની તેને શોધતા કોલેજમાં આવી પહોંચ્યા અને એમની ફિલ્મ ‘શ્રી શ્રી મર્યાદા રમન્ના’ ના ‘એમિયે વિનતા મોહમ’ ગીતમાં બીજા ત્રણ ગાયકો સાથે પહેલી તક આપી. એ ફિલ્મ મોડી રજૂ થઇ અને બીજા સંગીતકાર સાથેની ‘કાલચક્રમ’ (૧૯૬૭) પહેલી રજૂ થઇ. નિર્દેશક કે. બાલાચંદરે તેમની તેલુગૂ ફિલ્મ ‘મારો ચરિત્ર’ ની હિન્દી રીમેક ‘એક દુજે કે લિયે’ માં જ્યારે કમલ માટે એસ.પી. નો અવાજ લેવાનો નિર્ણય કર્યો ત્યારે સંગીતકાર લક્ષ્મીકાંત- પ્યારેલાલે પહેલાં ભય વ્યક્ત કર્યો હતો કે એક મદ્રાસી વ્યક્તિ હિન્દી સંગીતને ન્યાય આપી શકશે નહીં. પણ કે. બાલાચંદરની દલીલ હતી કે કમલ દ્વારા ભજવાતું પાત્ર હિન્દી બોલી શકતું ના હોય ત્યારે એસ.પી. ભૂલ કરશે તો પણ એને ન્યાય આપ્યો જ ગણાશે. અને એસ.પી.એ કમલ માટે અવાજ આપીને ગીતોમાં કમાલ કર્યો. એસ.પી. ને ફિલ્મના ‘તેરે મેરે બીચ મેં’ ગીત માટે શ્રેષ્ઠ પુરુષ ગાયકનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]