બડજાત્યા પોતાની ફિલ્મની નિષ્ફળતાથી ખુશ થયા

રાજશ્રી પ્રોડકશનના રાજકુમાર બડજાત્યાએ મિથુન ચક્રવર્તી- રંજીતાની સફળ જોડી સાથે ‘સુન સજના’ (૧૯૮૨) બનાવી હતી તે નિષ્ફળ રહ્યા પછી સચિન સામે ખુશી વ્યક્ત કરી હતી. રાજશ્રીની સચિન પિલગાંવકર- સારિકાની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ (૧૯૭૫) સફળ રહ્યા પછી તારાચંદ બડજાત્યાએ સચિન- સારિકા સાથે વધુ એક ફિલ્મ ‘અખિયોં કે ઝરોખોં સે’ (૧૯૭૮) નું આયોજન કર્યું હતું. પરંતુ સારિકા બીજી ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગઇ હોવાથી એને સ્વીકારી શકી નહીં. ત્યારે ‘લૈલા મજનૂ’ (૧૯૭૬) કરી ચૂકેલી રંજીતાનો અભિનય વખણાયો હતો પરંતુ ફિલ્મ ખાસ ચાલી ન હોવાથી તેની પાસે કામ ન હતું. રાજકુમાર બડજાત્યાએ  ‘અખિયોં કે ઝરોખોં સે’ (૧૯૭૮) માં સચિન સાથે રંજીતાની જોડી બનાવી દીધી.

આ ફિલ્મને સારી સફળતા મળ્યા પછી રાજશ્રીએ સચિન અને ઝરીના વહાબની સાથે ‘ગોપાલ ક્રિષ્ના’ (૧૯૭૯) બનાવી. રાજશ્રીએ વધુ એક ફિલ્મ ‘સુન સજના’ (૧૯૮૨) નું આયોજન કર્યુ ત્યારે રાજકુમાર બડજાત્યાએ ફરી સચિન-રંજીતાની જોડી નક્કી કરી. જ્યારે રાજશ્રીના અન્ય બડજાત્યા ભાઇઓ અને નિર્માણ સાથે સંકળાયેલાને ખબર પડી કે ફિલ્મમાં રંજીતા સાથે હીરો સચિન છે ત્યારે એમણે ફિલ્મને વ્યવસાયિક રીતે વધુ સફળ બનાવવા મિથુન અને રંજીતા સાથે ફિલ્મ બનાવવા દબાણ કર્યું. કેમકે ત્યારે એમની જોડીની ‘તરાના’ (૧૯૭૯) સુપરહિટ બની ચૂકી હતી. રાજકુમાર બડજાત્યા સચિન સાથે જ ફિલ્મ બનાવવા માગતા હતા. પરંતુ બીજા બધાના મત મિથુન- રંજીતા તરફ હોવાથી એમણે સચિનને કાઢવો પડ્યો. એ વાતનું એમને જ નહીં સચિનને પણ બહુ દુ:ખ થયું. એમણે સચિનને ફરી લેવાનો વાયદો કર્યો. સચિન રાજકુમારની મજબૂરી સમજી ગયો. એ જાણતો હતો કે ધંધામાં સંબંધ અને લાગણીઓની કિંમત અંકાતી નથી.

એ વાતને છ-સાત મહિના થયા હશે. રાજકુમારે સચિનને બોલાવ્યો. સચિનને એમના પ્રત્યે માન હોવાથી એમને મળવા ગયો. રાજકુમારે કહ્યું કે કેશવપ્રસાદ મોર્યની નવલકથા ‘ખોબર કી શર્ત’ પરથી એક ફિલ્મ ‘નદિયા કે પાર’ બનાવવા જઇ રહ્યા છે. નવલકથાના અડધા ભાગ પરથી જ નિર્દેશક ગોવિંદ મૂનીસના નિર્દેશનમાં ફિલ્મ બનાવવાના હતા. કેમકે એમાં અડધા ભાગ પછી કરુણ વાત આવતી હતી. અને દર્શકો એને પસંદ કરે એમ ન હોવાથી એ અડધી નવલકથાના સુખી અંત સાથે સંગીતમય ફિલ્મ પૂરી કરવાના છે. એને તેઓ રાજશ્રીની ફિલ્મોના બજેટથી અડધી કિંમતમાં બનાવવાના હતા. ફિલ્મમાં સચિન સાથે સાધના સિંહને લેવામાં આવી હતી. એ કારણે જોનપુર નજીક ગામમાં ફિલ્મનું ૪૫ દિવસનું શુટિંગ કર્યા પછી ક્લાઇમેક્સ સહિતના કેટલાક દ્રશ્યો મુંબઇના સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવ્યા હતા.

એ ફિલ્મ ભારતની સૌથી સફળ ત્રણ ફિલ્મોમાં ગણાઇ હતી. અને સચિનની કારકિર્દીની સોલો હીરો તરીકે સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની હતી. ફિલ્મનું અલ્હાબાદના એક થિયેટરમાં ૧૩૬ મું અઠવાડિયું ચાલતું હતું ત્યારે રાજકુમાર સફળતાની ઉજવણી કરવા સચિનને ત્યાં લઇ ગયા. સચિનને એમ હતું કે આટલા મહિના પછી ફિલ્મને મેટિનીમાં બતાવાતી હશે. ત્યાં જઇને ખબર પડી કે દિવસમાં ત્રણ શૉ ચાલી રહ્યા છે. ત્યાં ‘નદિયા કે પાર’ ના મોટા પોસ્ટર લાગેલા હતા. એ  થિયેટરમાં એમની જ મિથુન- રંજીતાની ‘સુન સજના’ મેટિનીમાં ચાલી રહી હતી. કેમકે ફિલ્મ નિષ્ફળ રહી હતી. રાજકુમારે સચિનને એનું નાનું પોસ્ટર બતાવ્યું અને કહ્યું કે સારું થયું કે તમે આ ફિલ્મ કરી નહીં! સચિને કહ્યું કે મેં ક્યા ના પાડી હતી? ત્યારે એમણે કહ્યું કે મારી વાતનો અર્થ તમે સમજી જાવ. તમારી ‘નદિયા કે પાર’ હજુ ચાલી રહી છે. રાજકુમાર બડજાત્યા પોતાના પ્રોડક્શનની ફિલ્મની નિષ્ફળતાથી એટલે ખુશ હતા કે એમની સચિનને હીરો રાખવાની વાત માનવામાં આવી ન હતી. હવે એ સાચા અને બીજા બધાં ખોટા સાબિત થયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]