શૈલેન્દ્રની મદદે રાજ કપૂર આવ્યા  

ગીતકાર શૈલેન્દ્ર રાજ કપૂર-વહીદા રહેમાન સાથે ફિલ્મ ‘તીસરી કસમ’ (૧૯૬૬) બનાવ્યા પછી કરજમાં ડૂબી ગયા હતા. એમની સામે કોર્ટમાં કેસ થયો હતો. કોર્ટમાંથી પરવાનગી મેળવીને જ્યારે ફિલ્મને રજૂ કરી ત્યારે અખબારોમાં ના કોઇ સમાચાર આવ્યા કે એના પોસ્ટર કે હોર્ડિંગ્સ લાગ્યા. અને એવા થિયેટરોમાં રજૂ થઇ જ્યાં દારા સિંહ જેવા કલાકારોની સ્ટંટ ફિલ્મો જોનારો મોટો વર્ગ હતો. એ દર્શકોને આ સામાજિક ફિલ્મ પસંદ ના આવી એટલે ચોથા જ દિવસે ઉતારી લેવામાં આવી. શૈલેન્દ્રને આર્થિક નુકસાન તો થયું પણ ફિલ્મ ના ચાલી એનાથી તે વધારે દુ:ખી થયા હતા.

ફિલ્મના નિર્માણ દરમ્યાન કેટલાક પોતાના જ લોકોએ એમને લૂંટી લીધા હતા એનું વધારે લાગી આવ્યું હતું. તેમણે ફિલ્મના વિતરણ માટે ‘સિપ્પલ ટ્રેડર્સ’ સાથે કરાર કર્યો હતો. એના તરફથી મોટી રકમનું ઋણ લેવામાં આવ્યું તેમાં શૈલેન્દ્રએ ગેરંટર તરીકે સહી કરી હતી. સિપ્પલ દ્વારા કરજ ચૂકવવામાં ન આવતાં તે ચૂકવવાની જવાબદારી શૈલેન્દ્ર પર આવી જતાં શાહૂકાર દ્વારા એમની ફિલ્મની રજૂઆતને અટકાવવામાં આવી હતી. જોકે, રાજ કપૂરે એમની ફિલ્મોના ગીતકાર શૈલેન્દ્રની ફિલ્મ હોવાથી ‘તીસરી કસમ’ વખતે એક જ રૂપિયો લઇને કામ કર્યું હતું અને એમના મૃત્યુ પછી પરિવારને પણ મદદ કરી હતી.

શૈલેન્દ્રના મૃત્યુ પછી ‘સજન રે જૂઠ મત બોલો’ અને ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઇ’ જેવા લોકપ્રિય ગીતોવાળી ‘તીસરી કસમ’ ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. એ પછી ‘મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલ’ માં વિદેશી ફિલ્મની શ્રેણીમાં નિર્દેશક તરીકે બાસુ ચેટર્જીનું નામાંકન થયું અને ચર્ચા વધી ગઇ. એ કારણે ગાયક મુકેશ દ્વારા પોતાની વિતરણ સંસ્થાના માધ્યમથી ફિલ્મને પાંચ અઠવાડિયાના કરાર સાથે મુંબઇના થિયેટરોમાં રજૂ કરી ત્યારે એને જોવા ભીડ ઉમટવા લાગી હતી. પણ કરાર પૂરો થઇ જતાં થિયેટર માલિકે ‘તીસરી કસમ’ ઉતારીને દેવ આનંદની નવી ફિલ્મ ‘દુનિયા’ (૧૯૬૮) લગાવી દીધી એટલે બહુ લાભ ના થયો. ‘તીસરી કસમ’ ના નિર્માણમાં વધારે પડતો ખર્ચ થયો હોવાથી લેણદારો શૈલેન્દ્રના ‘રિમઝિમ’ બંગલા પર ઉઘરાણી માટે આવતા હતા. અને બંગલો વેચીને કરજ ચુકવવાની માંગ કરી રહ્યા હતા.

આ પરિસ્થિતિમાં રાજ કપૂરે એમના વકીલની સલાહ લઇને શૈલેન્દ્રનો બંગલો ના વેચી શકાય અને પરિવારને રહેવાની સમસ્યા ઊભી ના થાય એવું આયોજન કરી આપ્યું. તેમણે શૈલેન્દ્રના પાંચ બાળકો મારફત એમની મા સામે જ કોર્ટમાં એવો કેસ કરાવ્યો કે એમનો પણ બંગલા પર હક્ક છે જેથી પત્નીથી વેચી ના શકાય. એ પછી છ વર્ષ સુધી કોર્ટની કાર્યવાહી ચાલી અને ફિલ્મમાંથી જે આવક થઇ હતી એ મુજબ લેણદારોને રકમ ચૂકવવાની કાર્યવાહી થઇ. જ્યારે બધું જ ઉધાર ચૂકવાઇ ગયું ત્યારે બાળકોએ પોતાની મા પર કરેલો કેસ પાછો ખેંચી લીધો.

રાજ કપૂરે શૈલેન્દ્રના પરિવારની રોજીરોટી માટે પોતાની ફિલ્મ ‘મેરા નામ જોકર'(૧૯૭૦) ના અધૂરા ગીત ‘જીના યહાં મરના યહાં…’ ને એમના પુત્ર શૈલી દ્વારા પૂરું કરાવ્યું હતું અને ‘આર. કે. ફિલ્મ્સ’ માં ગીતકાર તરીકે મહિને રૂ.૫૦૦ ની નોકરી પણ આપી હતી. એ પછી જ્યારે બીજા પુત્ર મનોજને અમેરિકામાં નોકરી મળી ત્યારે પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થયો હતો.