એક નિર્દેશકને આંચકો લાગ્યો હતો ‘સાધના કટ’થી

સાધનાએ ફિલ્મ ‘લવ ઇન શિમલા’ માં વાળની નવી સ્ટાઇલ શરૂ કરી અને એ ‘સાધના કટ’ તરીકે ઓળખાઇ એનો કિસ્સો તો ઘણો જાણીતો છે. ત્યારે સાધનાની જે હેર સ્ટાઇલે યુવાનોના દિલ જીતી લીધા હતા એનાથી નિર્દેશક બિમલ રોયને હ્રદય રોગનો હુમલો આવે એવી સ્થિતિ ઉભી થઇ હતી એ કિસ્સો પણ જાણવા જેવો છે. ૧૯૬૦માં રજૂ થયેલી ‘લવ ઇન શિમલા’ માત્ર સાધનાની હેર સ્ટાઇલથી જ નહીં બીજા અનેક કારણથી યાદગાર બની ગઇ હતી.

 

‘ફિલ્માલય’ ના માલિક શશધર મુખર્જીએ સાધનાની તસવીર એક ફિલ્મ મેગેઝીનમાં જોઇ પોતાની ફિલ્મ ‘લવ ઇન શિમલા’ માટે તેને પસંદ કરી હતી. સાધનાએ ૧૯૫૫માં રાજ કપૂરની ફિલ્મ ‘શ્રી ૪૨૦’ ના ‘મુડ મુડ કે ના દેખ’ ગીતમાં નાદિરા સાથે સાઇડ ડાંસર તરીકે કામ કર્યું હતું. પણ ‘લવ ઇન શિમલા’ થી લોકપ્રિયતા મળ્યા પછી ચાર વર્ષ બાદ ખુદ રાજ કપૂરે રવિન્દ્ર દવેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘દુલ્હા દુલ્હન’ માં સાધનાના હીરો તરીકે કામ કર્યું હતું. ‘લવ ઇન શિમલા’ માટે પસંદ કરવામાં આવેલી સાધના સુંદર દેખાતી હતી પણ તેનું કપાળ વધારે પહોળું હતું. એ ખામીને ઢાંકવા માટે નિર્દેશક આર.કે. નૈયરે તેના કપાળ પર વાળની લટો આવે એવી હેર સ્ટાઇલ કરાવી. જેથી કપાળ બરાબર ઢંકાયેલું રહે.

 

એક બ્રિટિશ અભિનેત્રીની હેરસ્ટાઇલ પરથી નૈયરે તેની પ્રેરણા લીધી હતી. એ હેર સ્ટાઇલને એટલી પસંદ કરવામાં આવી કે પાછળથી ‘સાધના કટ’ તરીકે જાણીતી થઇ. અને ‘સાધના કટ’ ની એ ઇમેજ એટલી મજબૂત રહી છે કે તેની ‘ધ મિસ્ટ્રી ગર્લ’ તરીકેની ઇમેજની બહુ ચર્ચા થતી નથી. સાધનાએ વોહ કૌન થી, મેરા સાયા અને ‘અનિતા’ જેવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મો કરી હોવાથી ‘મિસ્ટ્રી ગર્લ’ તરીકે પણ ઓળખાઇ હતી. ‘લવ ઇન શિમલા’ માં કામ કર્યા પછી આર.કે. નૈયર અને સાધના પ્રેમમાં પડ્યા હતા. આગળ જતાં બંનેએ લગ્ન કરી લીધા હતા.

નિર્દેશક તરીકે આર.કે. નૈયરની જ નહીં હીરો તરીકે જોય મુખર્જીની પણ આ પહેલી ફિલ્મ હતી. જોયને તો નિર્માતા પિતા શશધરની ફિલ્મ હતી એટલે મળી ગઇ જ્યારે આર.કે. નૈયરને સહાયક નિર્દેશક તરીકે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હોવાથી તક મળી હતી. ‘લવ ઇન શિમલા’ પછી તરત જ નિર્માતા-નિર્દેશક બિમલ રોયની ફિલ્મ ‘પરખ’ સાધનાએ મેળવી હતી. એ પણ ૧૯૬૦ માં રજૂ થઇ હતી. જેનું લતા મંગેશકરે ગાયેલું ‘ઓ સજના બરખા બહાર આયી’ આજે પણ એટલું જ લોકપ્રિય છે. ‘પરખ’ માં સાધનાની ભૂમિકા ગામડાની એક છોકરીની હતી. જ્યારે બિમલ રોયે સાધનાની નવી હેરસ્ટાઇલ જોઇ ત્યારે તેમના દિલને મોટો આંચકો લાગ્યો હતો. સાધનાએ તેમને આશ્વાસન આપ્યું કે તે પોતાના વાળને પાછળ રાખીને હેર સ્ટાઇલ બદલી શકશે. ત્યારે રોયને રાહત થઇ હતી. સાધનાનો એ કમાલ જ કહેવાય કે ‘પરખ’ અને ‘લવ ઇન શિમલા’ સાથે બની અને એક જ વર્ષે રજૂ થઇ હોવા છતાં દર્શકોને હેર સ્ટાઇલનો ખ્યાલ આવ્યો નહીં.

(રાકેશ ઠક્કર-વાપી)