અશોકકુમારની ‘મહલ’ માં મધુબાલા આવ્યા  

બોલિવૂડની પહેલી હોરર ફિલ્મ ‘મહલ’ (૧૯૪૯) માં જો કમાલ અમરોહીએ મધુબાલાનો આગ્રહ રાખ્યો ના હોત તો એમાં સુરૈયાએ કામ કર્યું હોત. નિર્દેશક તરીકે પહેલી વખત કમાલ અમરોહીને અશોકકુમારની ‘બોમ્બે ટૉકિઝ’ કંપનીની ફિલ્મ ‘મહલ’ મળી ત્યારે એમાં હીરો તરીકે અશોકકુમાર પોતે નક્કી હતા. ફિલ્મના બીજા નિર્માતા નિર્માતા સાવક વાચા હીરોઇન તરીકે સુરૈયાને લઇ ચૂક્યા હતા. પરંતુ કમાલે મધુબાલાનું નામ સૂચવ્યું હતું. રાજ કપૂર સાથેની હીરોઇન તરીકેની પહેલી ફિલ્મ ‘નીલ કમલ’ (૧૯૪૭) માં જોયા પછી કમાલને કિશોરવયની મધુબાલા વાર્તા મુજબ વધુ યોગ્ય લાગી હતી. સાવક વાચા કોઇ રીતે મધુબાલા માટે રાજી ન હતા. તે માનતા હતા કે અશોકકુમાર- સુરૈયાની જોડી હિટ રહે એમ છે.

મધુબાલાની ઉંમર અશોકકુમારથી અડધી જ હતી. વળી મધુબાલાની એક જ ફિલ્મ રજૂ થઇ હતી અને એ ફ્લોપ થઇ ગઇ હોવાથી અશોકકુમાર પણ રાજી ન હતા. પરંતુ કમાલના આગ્રહથી એમણે વિરોધ ના કર્યો અને ચૂપ રહ્યા. સાવક મધુબાલા માટે માન્યા નહીં ત્યારે કમાલે કહ્યું કે એક વખત મધુબાલાનો સ્ક્રીન ટેસ્ટ લઇ જોઇએ. જો એમાં એ સફળ ના રહે અને એ યોગ્ય ના લાગે તો સુરૈયાને લઇશું. અશોકકુમારે એ વાતને સમર્થન આપ્યું. પરંતુ સાવકને ખબર હતી કે સ્ક્રીન ટેસ્ટમાં મધુબાલા પસંદ થઇ જશે. એટલે સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો ત્યારે કેમેરામેન જોસેફને ખાનગીમાં સૂચના આપી હતી એટલે શુટિંગ વખતે પ્રકાશનું યોગ્ય આયોજન ના કર્યું. પરિણામે સુંદર મધુબાલા બહુ ખરાબ દેખાઇ. અને કોઇ એનાથી પ્રભાવિત થયું નહીં.

કમાલને સ્ક્રીન ટેસ્ટ જોઇ આંચકો લાગ્યો હતો. કદાચ કમાલને ખબર પડી હતી કે સાવકે કેમેરામેન સાથે ગોઠવણ કરીને મધુબાલા ખરાબ દેખાય એવી પ્રકાશ વ્યવસ્થા કરાવી હતી. એટલે કમાલે મધુબાલાનો ફરી સ્ક્રીન ટેસ્ટ લેવાનો આગ્રહ કર્યો અને ત્યારે એનું સમગ્ર આયોજન જાતે કરાવ્યું. પોતાની રીતે જ પ્રકાશ આયોજન કરાવ્યું. મધુબાલાએ શ્વેત-શ્યામ વસ્ત્રોમાં સ્ક્રીન ટેસ્ટ આપ્યો છતાં એની અદા અને સુંદરતાથી બધા પ્રભાવિત થઇ ગયા અને એને હીરોઇન તરીકે યોગ્ય ગણી. સાવક વાચા પાસે વિરોધ કરવાનું કોઇ કારણ ન હતું અને મધુબાલા ‘મહલ’ ની હીરોઇન બની ગઇ. ફિલ્મ એટલી સફળ રહી કે સાવક વાચાને ખ્યાલ આવી ગયો કે કમાલ અમરોહીએ ‘કામિની’ તરીકે મધુબાલાને કેમ લીધી હતી. ‘મહલ’ થી સંઘર્ષ કરતી મધુબાલાની જ નહીં ‘આયેગા આનેવાલા’ ગીતથી લતા મંગેશકરની પણ કારકિર્દી બની ગઇ હતી.