ઇફ્તેખાર ઇત્તેફાકથી અભિનેતા બન્યા

હિન્દી ફિલ્મોમાં પોલીસ અધિકારી તરીકેની ભૂમિકાઓ નિભાવીને જાણીતા બનેલા અભિનેતા ઇફ્તેખારે ગાયક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. એટલું જ નહીં એ સારા ચિત્રકાર પણ હતા. એનો નમૂનો જોવો હોય તો કિશોરકુમારની ફિલ્મ ‘દૂર ગગન કી છાંવ મેં’ (૧૯૬૪) ના ટાઇટલ્સમાં બેકગ્રાઉન્ડમાં મૂકવામાં આવેલા ઇફ્તેખારના ચિત્રો જોઇ લેવા. ઇફ્તેખારને બાળપણથી જ ગાયક બનવાની ઇચ્છા હતી. તે ગાયક કે. એલ. સાયગલના ચાહક હતા. પોતાનો ગાયનનો શોખ પૂરો કરવા ૨૦ વર્ષેની ઉંમરે કાનપુરથી કલકત્તા આવી ગયા હતા. કેમકે એ જમાનામાં બધી જાણીતી સંગીત કંપનીઓ કલકત્તામાં હતી. થોડા પ્રયત્ન પછી ‘એચ.એમ.વી.’ કંપનીમાં ઇફ્તેખારે સંગીતકાર કમલ દાસગુપ્તાને ઓડિશન આપ્યો અને પસંદ થઇ ગયા.

એટલું જ નહીં એમના અવાજમાં સંગીત કંપનીએ બે ગીતનું ખાનગી આલબમ બહાર પાડ્યું. પછી ખાસ પ્રગતિ ના થઇ એટલે તે પાછા કલકત્તા આવી ગયા. થોડા સમય પછી કમલે ઇફ્તેખારને કલકત્તા પાછા બોલાવ્યા પરંતુ ગાયન માટે નહીં અભિનય માટે! કેમકે કમલ દાસગુપ્તા ઇફ્તેખારના અવાજ સાથે વ્યક્તિત્વથી બહુ પ્રભાવિત થયા હતા. એમની ભલામણથી ‘એમ.પી. પ્રોડક્શન’ માં ઇફ્તેખારને અભિનેતા તરીકે નોકરી મળી. પરંતુ લાંબા સમયના ઇંતજાર પછી કોઇ ફિલ્મ શરૂ ના થઇ શકી.

ઇફ્તેખારને ૧૯૪૪ માં અભિનેતા તરીકે ‘આર્ટ ફિલ્મ્સ કોલકાતા’ બેનરની ફિલ્મ ‘તકરાર’ માં સ્ટાર અભિનેત્રી ગણાતી જમુના સાથે પહેલી વખત તક મળી. ૧૯૪૫ માં ‘ઘર’ અને ‘રાજલક્ષ્મી’ આવી. ૧૯૪૭ માં ભારતના ભાગલા પડ્યા ત્યારે ઇફ્તેખારના તમામ સગાં-સંબંધીઓ પાકિસ્તાન જતા રહ્યા ત્યારે તેમણે ભારતમાં રહેવાનું પસંદ કર્યું પણ તોફાનો થતાં કલકત્તા છોડવું પડ્યું. તે મુંબઇ આવી ગયા. અહીં ખાસ કામ મળતું ન હતું. તે ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ માટે પ્રયત્ન કરતા રહ્યા અને પત્નીએ ઘર ચલાવવા એક ઓફિસમાં સેક્રેટરી તરીકે નોકરી લીધી. સંઘર્ષ ચાલુ હતો ત્યારે અશોકકુમારે નસીબ બદલી નાખ્યું.

અસલમાં એ કલકત્તામાં હતા ત્યારે તેમની સાથે ‘રાજલક્ષ્મી’ માં કામ કરનાર અભિનેત્રી કાનનદેવીએ અશોકકુમાર સાથે મુલાકાત કરાવી હતી. એ ઓળખાણના આધારે ઇફ્તેખાર ‘બોમ્બે ટોકીઝ’ માં જઇને અશોકકુમારને મળ્યા. અશોકકુમારે એ ઓળખાણને યાદ રાખી હતી એટલે તેમની કંપનીની ફિલ્મ ‘મુકદ્દર’ (૧૯૫૦) માં મહત્વની ભૂમિકા સોંપી. ફિલ્મમાં એમના ભાઇની ભૂમિકા અસલમાં અનુપકુમાર કરવાના હતા. પરંતુ ઇફ્તેખારને મદદ કરવા પોતાના સગા ભાઇ અનુપને એ ભૂમિકા ના આપી.

લગભગ એક દાયકા સુધી ઇફ્તેખારે શ્રી ૪૨૦, તીસરી કસમ, ઇન્તકામ જેવી નાની-મોટી ૭૦ ફિલ્મોમાં કામ કર્યા પછી કોઇ ઓળખ ઊભી થઇ ના શકી અને સંઘર્ષ ચાલુ રહ્યો. ‘ઇત્તેફાક'(૧૯૬૯) માં પોલીસ ઇન્સ્પેકટરની ભૂમિકા પ્રભાવશાળી રીતે ભજવ્યા પછી નસીબ બદલાયું. અશોકકુમારે જ ઇફ્તેખાર માટે ‘બી.આર. ફિલ્મ્સ’ માં ભલામણ કરી હતી. અગાઉ તે આ બેનરની કાનૂન, હમરાઝ વગેરે કરી ચૂક્યા હતા. ‘ઇત્તેફાક’ થી પોલીસ અધિકારીની ભૂમિકામાં ઇફ્તેખારને એટલી લોકપ્રિયતા મળી કે એવી જ ભૂમિકાઓ સતત મળતી રહી. આજે પણ એમને પોલીસની ભૂમિકાઓ માટે યાદ કરવામાં આવે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]