ઋષિદાએ જયાને અપાવ્યું સન્માન

ઋષિકેશ મુખર્જી કલાકારોને સન્માન મળે એ વાતનું ધ્યાન રાખતા હોવાનો અનુભવ જયાએ શરૂઆતમાં જ કર્યો હતો. વર્ષો પહેલાં સત્યજીત રેની બંગાળી ફિલ્મ ‘મહાનગર’ માં કિશોર અવસ્થામાં કામ કરનાર જયા ભાદુરી(બચ્ચન)ને હીરોઇન તરીકે સૌપ્રથમ હિન્દી ફિલ્મ ‘ગુડ્ડી’ (૧૯૭૧) માં ઋષિકેશ મુખર્જીએ તક આપી હતી. ઋષિદાની પારખુ નજરમાં જયા સૌથી પહેલી આવી હતી. ‘મહાનગર’ પછી જયા અભિનયની તાલીમ મેળવવા ‘એફટીઆઇઆઇ’ માં ગઇ હતી. ત્યાં તેણે અભિનય માટે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. તેનો અભિનય અભ્યાસ પૂરો થાય એ પહેલાં જ ઋષિદાએ ‘ગુડ્ડી’ માટે પસંદ કરી લીધી હતી.

આ ફિલ્મમાં ધર્મેન્દ્ર પહેલાં અમિતાભ બચ્ચનને લેવાનું નક્કી થયું હતું. ત્યારે અમિતાભ સાથે ઋષિદા ‘આનંદ’ બનાવતા હતા. નહીંતર અમિતાભ-જયાની જોડીની ‘બંસી બિરજૂ’ ને બદલે આ પહેલી ફિલ્મ બની ગઇ હોત. ધર્મેન્દ્રએ ‘ગુડ્ડી’ના સેટ પર જયાને જોઇને નવાઇથી પૂછ્યું હતું કે ‘તું આ ફિલ્મની હીરોઇન છે? તારી ઉંમર શું છે?’ ‘ગુડ્ડી’ પછી ઋષિદાએ બાવર્ચી, અભિમાન, ચુપકે ચુપકે અને ‘મિલી’ જેવી ફિલ્મોમાં અલગ પ્રકારની ભૂમિકાઓ આપીને એક અભિનેત્રી તરીકે જયાની સફળ કારકિર્દી બનાવવામાં મોટું યોગદાન આપ્યું.  જયા ઋષિદાને પિતા સમાન માનતી હતી.

‘પહેલી હિન્દી ફિલ્મ ‘ગુડ્ડી’ માં કામ કરતી જયા ભાદુરી પર ‘રાજશ્રી પ્રોડક્શન’ની પણ નજર પડી ગઇ હતી. ત્યારે નિર્દેશક ઋષિકેશ મુખર્જીએ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મના કરાર માટે જયા ભાદુરીને ત્યાં જવાનું કહેવાને બદલે એમને પોતાને ત્યાં બોલાવ્યા હતા. આ વાતનો ઉલ્લેખ ઋષિદાએ જાણીતા બંગાળી પત્રકાર સૌમ્ય વંદ્યોપાધ્યાયના પુસ્તકમાં કર્યો છે. જયા ‘ગુડ્ડી’ માં કામ કરતી હતી ત્યારે તારાચંદ બડજાત્યાએ તેને પોતાની ફિલ્મો ‘ઉપહાર’ અને ‘પિયા કા ઘર’ માં હીરોઇન બનાવવાનો નિર્ણય કર્યો હતો. એ માટેના કરાર પર સહી કરવા જયાને પોતાની ઓફિસમાં બોલાવી હતી. ઋષિદાને આ વાત મંજુર ન હતી. એમણે કહ્યું કે રાજશ્રી પ્રોડક્શનને જયાની જરૂર હોય તો એમણે અહીં આવીને એની સહી લઇ જવી જોઇએ.

જયાના અભિનય પરનો ભરોસો હોય કે પછી ઋષિદાની વાત યોગ્ય હોય, એમાંથી જે માનીએ તે પણ રાજશ્રી પ્રોડક્શનમાં તારાચંદ બદજાત્યાના જમણા હાથ તરીકે કામ કરતા નંદ કપૂર કરાર પર સહી કરાવવા જયા પાસે આવ્યા. તેમણે સહી લીધા પછી એમ કહ્યું કે રાજશ્રીના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. કોઇ નવોદિતના કરાર પર હસ્તાક્ષર લેવા પહેલી વખત સામે ચાલીને અમે આવ્યા છે. આ બાબતને જયાના પિતા તરુણકુમાર ભાદુરીએ પણ સમર્થન આપતાં કહ્યું છે કે એ સમય પર રાજશ્રી તરફથી સાઇનિંગ એમાઉન્ટ પાંચસો કે હજાર રૂપિયા મળી હતી. એ રકમમાંથી જયાએ તરુણકુમાર માટે એક બુશશર્ટ ખરીદેલું અને એ બુશશર્ટ એમણે જીવનભર સાચવી રાખ્યું હતું.

– રાકેશ ઠક્કર (વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]