રફીનો ગીતને ‘અચ્છા’ બનાવવાનો પ્રયત્ન

મોહમ્મદ રફી ગીતને સારું બનાવવા ગાયક તરીકે કેવા પ્રયત્ન કરતા હતા એના આમ તો અનેક ઉદાહરણ મળી આવશે, પણ એમાં ‘કાજલ’ ના ‘યે જુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા’ નો કિસ્સો કંઇક અલગ જ છે. ગુલશન નંદાની નવલકથા ‘માધવી’ પર આધારિત રાજકુમાર, ધર્મેન્દ્ર અને મીનાકુમારી અભિનીત ફિલ્મ ‘કાજલ’ ના આમ તો રવિના સંગીતમાં લગભગ બધાં જ ગીતો લોકપ્રિય થયા હતા. ‘મુદ્દત કી તમન્નાઓં કા સિલા’, ‘તોરા મન દર્પન કહલાયે’, ‘મેરે ભૈયા, મેરે ચંદા’, ‘છૂ લેને દો નાજુક હોંઠોં કો’ જેવા ગીતો આજે પણ લોકોના હોઠ પર રમે છે.

આ ગીતોમાં ‘યે જુલ્ફ…’ અનેક બાબતે વિશેષ બની રહ્યું. આ ગીત રાજકુમાર અને હેલન પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ એક ‘કોઠા’ પરનું ગીત હતું., જેમાં રાજકુમાર શરાબ પીને ગીત ગાઇ રહ્યા હતા. એમાં ‘કોઠેવાલી’ તરીકે હેલન હતી. કેબરે ગીતોમાં ધમાકેદાર ડાન્સ કરતી હેલન આ વખતે એક ગઝલનુમા ગીતમાં હતી અને તેણે એમાં એક પણ શબ્દ બોલવાનો ન હતો.

મોહમ્મદ રફીએ ગાયેલું આ ગીત ફિલ્મમાં ત્રણ ભાગમાં છે. જેની કુલ અવધિ નવ મિનિટ જેટલી છે. નિર્દેશક રામ માહેશ્વરીએ ફિલ્મના ગીતો લખવાનું કામ ગીતકાર સાહિર લુધિયાનવીને સોંપ્યું હતું. એ સમયમાં સામાન્ય રીતે ગીતકારો સંગીતકારોની ધૂન સાંભળીને એના પર ગીતો લખતા હતા. સાહિરનો નિયમ અને મિજાજ અલગ હતો. તે પહેલાં ગીત લખતા હતા અને પછી સંગીત તૈયાર કરવામાં આવતું હતું. સાહિરની શરત મુજબ રવિએ તેમના ગીતો પર ધૂન બનાવી હતી. એમાં ‘યે જુલ્ફ…’ ગીતનું સંગીત તૈયાર કરતી વખતે તેમને લાગ્યું કે ગીતમાં કંઇક ખૂટે છે. તેમણે સાહિરને ગીતના શબ્દોમાં છેલ્લે આવતા ‘અચ્છા’ શબ્દને બદલે ‘અચ્છા હો’ કરવાનું સૂચન કર્યું. પરંતુ આમ કરવાથી ગીતનું મીટર જળવાય એમ ન હોવાથી સાહિરે એવો ફેરફાર કરવાનો ઇન્કાર કરી દીધો. એટલે રવિએ પોતાની મૂંઝવણ ગાયક રફીને જણાવી.

મોહમ્મદ રફી અનેક સંગીતકારો સાથે કામ કરી ચૂક્યા હતા. તેમને રવિની વાત યોગ્ય લાગી. મો.રફીએ રવિને કહ્યું કે ગીતને સારું કેવી રીતે બનાવવું એ મારા પર છોડી દો. રવિને તેમના પર વિશ્વાસ હતો. અને મો.રફીએ જાતે જ ગીતમાં એક ફેરફાર કરવાનું નક્કી કર્યું. એમ કરવા માટે કોઇ શબ્દ કાઢવાની કે ઉમેરવાની જરૂર પડતી ન હતી. રફીએ ગીત ગાતી વખતે ‘યે જુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા’ ઉપરાંત જે પંક્તિમાં છેલ્લે ‘અચ્છા’ શબ્દ આવતો હતો એને અલગ રીતે ઉચ્ચાર્યો. જૂદા જૂદા અંદાજમાં ‘અચ્છા’ શબ્દને ગાયો. ત્રણ ભાગમાં રહેલા આ ગીતના પહેલા ભાગમાં દસ વખત, બીજા ભાગમાં બે વખત અને ત્રીજા ભાગમાં પાંચ વખત એમ કુલ સત્તર વખત ‘અચ્છા’ શબ્દ આવતો હતો. એ દરેક વખતે મો.રફીએ એને અલગ રીતે ગાઇને બતાવ્યો. વર્ષો પછી સંગીતકાર રવિએ આ કિસ્સો સંભળાવ્યો એ પછી બધાંનું ધ્યાન ગીતના ‘અચ્છા’ શબ્દ પર વધારે ગયું અને જેમણે પણ એમાં અલગ રીતે ગવાયેલા ‘અચ્છા’ શબ્દને જાણ્યો-માણ્યો એ અવશ્ય બોલી ઊઠ્યા કે ‘અચ્છા, તો આ વાત છે!’ આ રફીની કમાલ હતી.

(રાકેશ ઠક્કર-વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]