એવરલાસ્ટિંગ સૂરઃ સંગીતકાર જયકિશન

હિન્દી ફિલ્મ સંગીતમાં ગુજરાતનું ગૌરવ એટલે સુપરહીટ સંગીતકાર બેલડી શંકર-જયકિશન. જયકિશનજીનો જન્મ ૪ નવેમ્બર, ૧૯૨૯ના રોજ દક્ષિણ ગુજરાતના વાંસદામાં થયો હતો. આ જોડીએ ૧૯૪૯થી ૧૯૭૧ સુધી સંગીત આપ્યું હતું. એમના ગીતોને ‘એવરલાસ્ટિંગ’ અને ‘ઈમ્મોર્ટલ મેલોડીઝ’ જેવાં વિશેષણોથી નવાજાય છે. રાગ આધારિત સૂરીલા ગીતોનો ખજાનો જાણે એમણે ખોલી દીધો હતો સંગીતના ચાહકો માટે.

પૃથ્વી થિયેટરમાં શંકરના કહેવાથી પાપાજીએ જયની પસંદગીને સ્વીકારી. રાજ કપૂરની બીજી  ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯)થી જ એસ.જે. એટલે કે શંકર-જયકિશન હીટ થઇ ગયા. પછી તો એમની સંગીત-ગંગા વહેતી જ રહી, લાગલગાટ બે દાયકા સુધી. આવારા, નગીના, આહ, પતિતા, સીમા, શ્રી ૪૨૦, બસંત બહાર, હાલાકુ, રાજહઠ, નઈ દિલ્લી, કઠપુતલી, અનાડી, ચોરી ચોરી, દાગ, યહુદી, મૈ નશે મેં હું, બૂટ પોલિશ, શરારત, લવ મેરેજ અને ઉજાલા જાણે એમનો પૂર્વાર્ધ હતો. જયકિશનના નિધન પછી ઉત્તરાર્ધ તો બીજા બે દાયકા સુધી ચાલ્યો.

શંકર-જયકિશન સતત સૌથી વધુ ફી લેતા સંગીતકાર હતા. એ જમાનાના દિગ્ગજો વચ્ચે ય એ ટોચ પર હતા. રાજ કપૂર, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર અને મનોજ કુમારની અનેક સફળ ફિલ્મોમાં એસ.જે.ના સંગીતનો ફાળો બહુ મોટો હતો.

એમણે ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી એના પાંચ વર્ષ પછી ફિલ્મફેર એવોર્ડ્સની શરૂઆત થઇ. આ એવોર્ડઝની યાદીમાં ૧૯૭૪ સુધી શંકર-જયકિશનને સૌથી વધુ નવ વાર ‘શ્રેષ્ઠ સંગીતકાર’ના એવોર્ડઝ મળ્યાં હતા.

૧૯૭૧માં સીરોઈસિસ ઓફ લીવરની બીમારીના કારણે ફક્ત ૪૧ વર્ષની વયે જયકિશનનું મુંબઈમાં નિધન થયું. સફળતાની ટોચે હતા ત્યારે જ સૂર આથમી ગયો.

(નરેશ કાપડીઆ-સુરત)