પદમિની રાજજીની ‘ગંગા’ ના બની

નિર્દેશક રાજ કપૂરની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ (૧૯૮૫) ની ‘ગંગા’ ની ભૂમિકા માટે પદમિની કોલ્હાપુરે પહેલી પસંદ હતી. એ ત્યાં સુધી કે થોડું શુટિંગ થયા પછી પણ રાજજી મંદાકિનીને હટાવવા તૈયાર હતા. પરંતુ પદમિનીએ તેમની શરત માની ન હતી. રાજ કપૂરે સૌથી પહેલાં પદમિનીને ‘રામ તેરી ગંગા મૈલી’ માટે વાત કરી  ત્યારે એમાં પારદર્શક સાડીમાં સ્નાનના કે બાળકને સ્તનપાન કરાવવાના દ્રશ્યો સામેલ ન હતા. માત્ર રાજીવ કપૂર સાથેનું ચુંબન દ્રશ્ય હતું. પદમિની ચુંબન દ્રશ્ય કરવા માગતી ન હોવાથી ના પાડી દીધી હતી.

એ પછી ‘ગંગા’ ની ભૂમિકા માટે ડિમ્પલ કાપડિયાનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો હોવાના અને સંજના કપૂર પણ સંભવિત હીરોઇન હોવાના અહેવાલ આવ્યા હતા. ડિમ્પલ પહાડી છોકરી તરીકે બહુ જામતી ન હતી. તબસ્સુમના કહેવા પ્રમાણે રાજજીએ મંદાકિનીને જોયા પછી ડિમ્પલને લેવાનો વિચાર પડતો મૂક્યો હતો. મંદાકિની નસીબદાર સાબિત થઇ હતી. બૉલિવૂડમાં હીરોઇન બનવા માગતી મંદાકિનીને અનેક ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એમાં કુમાર ગૌરવ સાથેની પણ એક ફિલ્મ હતી. કુમાર ‘લવસ્ટોરી’ (૧૯૮૧) થી સ્ટાર બની ગયો હોવાથી મંદાકિની જેવી નવી હીરોઇન સાથે કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

 

આમ તો મંદાકિનીને પહેલી ફિલ્મ ‘મઝલૂમ’ (૧૯૮૬) મળી હતી. ત્યારે નિર્માતા રણજીત વિરકે તેનું નામ ‘યાસ્મીન’ ને બદલે મંદાકિની કરી દીધું હતું. પરંતુ ‘રામ ગંગા મૈલી’ પહેલી રજૂ થઇ હતી. મંદાકિની જ્યારે ‘ગંગા’ બનવા પહોંચી ત્યારે રાજ કપૂરે એક વાતની ચકાસણી કરી હતી કે તે ફિલ્મના સંવાદ ‘ગંગા હજારોં મેં એક હૈ’ જેવી છે કે નહીં. તેમણે મંદાકિનીને સાદી સફેદ સાડી પહેરાવીને એક મંદિરમાં દર્શન કરવા કતારમાં ઊભી રહેવા કહ્યું હતું. તે લોકોનું ખરેખર ધ્યાન ખેંચી શકી હોવાનું જોયા પછી તેને પસંદ કરી લીધી હતી.

જોકે, ફિલ્મનું ૪૫ દિવસનું શુટિંગ થયા પછી રાજજીને એમ લાગતું હતું કે મંદાકિની કરતાં પદમિની ભૂમિકાને વધારે ન્યાય આપી શકશે. કેમકે તે પદમિની સાથે ‘સત્યમ શિવમ સુંદરમ’ પછી ‘પ્રેમરોગ’ માં કામ કરી ચૂક્યા હતા. રાજજી પદમિની રાજી થાય તો ફરીથી ફિલ્મનું શુટિંગ કરવા તૈયાર હતા. રાજજીએ પદમિનીને ફરીથી વિચાર કરવા કહ્યું હતું. પરંતુ સ્ક્રીન પર ચુંબન દ્રશ્ય તેના માટે અનુકૂળ ન હોવાથી સંમત થઇ ન હતી અને ફિલ્મ મંદાકિની સાથે જ તૈયાર થઇ હતી. આ ફિલ્મની સફળતાથી મંદાકિની રાતોરાત સ્ટાર બની ગઇ હતી. ‘રામ તેરી ગંગા મૈલી’ ના અભિનય માટે ફિલ્મફેરના શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ માટે તેનું નામાંકન થયું હતું.