દીપક તિજોરી : નિષ્ફળતાથી ભરેલી કારકિર્દી

રાહુલ રૉય-અનુ અગ્રવાલ સાથેની ‘આશિકી'(૧૯૯૦) પહેલાં દીપક તિજોરીને સલમાન ખાનવાળી ‘મૈંને પ્યાર કિયા'(૧૯૮૯) ની ‘પ્રેમ’ ની ભૂમિકા મળી ગઇ હોત તો કદાચ તેણે વધારે સંઘર્ષ કરવો પડ્યો ના હોત. ‘મૈંને પ્યાર કિયા’ માટે આમ તો દીપક ઉપરાંત મનોજકુમારના પુત્ર કુણાલ ગોસ્વામીનું નામ પણ નિર્દેશક સૂરજ બડજાત્યાની વિચારણામાં હતું. છેલ્લે સલમાન ફાવી ગયો હતો. દીપકે અભિનયમાં આવતાં પહેલાં ફિલ્મ મેગેઝિનના વેચાણનું કામ કરવા ઉપરાંત હોટલમાં ઓફિસ મેનેજરની નોકરી કરી હતી. ફિલ્મોમાં કામ મેળવવા દીપકે નિર્માતાઓની એક ઓફિસથી બીજી ઓફિસ સુધી વર્ષો સુધી ધક્કા ખાધા હતા. સતત ત્રણ વર્ષ સુધી તેણે નિર્માતાઓ પાસે કામ માગ્યું હતું. મજબૂરી એવી હતી કે ફિલ્મોમાં સાવ નાની ભૂમિકાઓ મેળવી હતી. સંજય દત્ત અને સની દેઓલની મુખ્ય ભૂમિકાવાળી ‘ક્રોધ'(૧૯૯૦) માં મુખ્ય વિલનની પાછળ રહેતા માણસોમાં ઉભા રહેવાની એક ભૂમિકા પણ કરી હતી. એ આખી ફિલ્મમાં દીપકના ભાગે એક લીટી બોલવાની આવી હતી.

મહેશ ભટ્ટની ‘આશિકી’ થી દીપકને મોટી ભૂમિકાઓ મળવાની શરૂઆત થઇ હતી. દીપકને તેના મિત્ર અને સહઅભિનેતા આફતાબ ગિલે એક દિવસ કહ્યું કે મહેશ ભટ્ટ તને મળવા માગે છે. તેમના ભાઇ રૉબિન ભટ્ટે દીપકના નામની ભલામણ કરી હતી. દીપક મહેશ ભટ્ટને મળ્યો અને રાહુલના મિત્રની ભૂમિકા ઓફર કરી. દીપકે વિચાર્યું કે આ અગાઉ અફસાના પ્યાર કા, પરબત કે ઉસ પાર, કૌન કરે કુર્બાની જેવી ફિલ્મોમાં હાસ્યાસ્પદ કહી શકાય એવી ભૂમિકાઓ કરી છે ત્યારે આ તેનાથી ખરાબ નહીં હોય. સૌથી મોટી વાત એ હતી કે દીપકને નિર્દેશક મહેશ ભટ્ટમાં વિશ્વાસ હતો. તેણે ‘આશિકી’ સ્વીકારી લીધી. એ પછી લાભ એ થયો કે મહેશજીએ દીપકને પોતાની સડક, નાજાયઝ, ગુલામ વગેરે ફિલ્મોમાં કામ આપ્યું હતું.

દીપકને મુખ્ય હીરોની ભૂમિકાઓથી તો વંચિત જ રહેવું પડતું હતું. તેનું કારણ એ હતું કે બોક્સ ઓફિસ પર તેના નામ પર ફિલ્મો ચાલી શકે એમ ન હતી. તેમ છતાં નિર્દેશક તરીકે આશુતોષ ગોવારીકરે જ્યારે પોતાની પહેલી ફિલ્મ ‘પેહલા નશા'(૧૯૯૩) બનાવી ત્યારે દીપકને પૂજા ભટ્ટ અને રવીના ટંડન સાથે હીરો બનાવ્યો હતો. ફિલ્મમાં ‘મિ.ઝીરો બન ગયા હીરો’ જેવું ગીત પણ હતું. અંગ્રેજી થ્રિલર ‘બૉડી ડબલ’ ની આ રીમેક ફિલ્મમાં આમિર ખાન, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન વગેરેની મહેમાન ભૂમિકા હોવા છતાં સફળ રહી ન હતી. દીપકે નિર્માતા ડી. રામાનાયડુની જીતેન્દ્ર અભિનીત ‘સંતાન'(૧૯૯૦) માં નકારાત્મક ભૂમિકા ભજવી જોઇ. એમાં પણ સફળતા ના મળી. એ પછી નક્કી કરી લીધું કે મહત્વની ના લાગે એવી ભૂમિકાઓ કરવી નહીં. એ કારણે જ ગુલામ, અંગારે, વાસ્તવ જેવી ફિલ્મોમાં કામ કર્યું. ભલે એમાં નાની છતાં સારી ભૂમિકાઓ હતી. જે ફિલ્મમાં પાત્ર ખાસ મહત્વનું ના હોય એને નકારવાનું શરૂ કર્યું. એમાં નિર્દેશક ધર્મેશ દર્શનની ‘ધડકન’ (૨૦૦૦) એક હતી.

 

ધર્મેશે અક્ષયકુમાર-સુનીલ શેટ્ટીની ‘ધડકન’ માં એક મોટી ભૂમિકા ઓફર કરી હતી. દીપકે જોયું કે ફિલ્મ પોણા ત્રણ કલાકથી લાંબી બનવાની હતી. એમાં તેનું પાત્ર નાનું જ લાગશે. દીપકનું અનુમાન સાચું પડ્યું. ફિલ્મ રજૂ થઇ ત્યારે તેણે જે ભૂમિકા ઠુકરાવેલી એની લંબાઇ વધારે ઘટી ગઇ હતી. દીપકે નિર્માતા-નિર્દેશક તરીકે ‘ઉપ્સ'(૨૦૦૩) થી શરૂઆત કરી અને ફરેબ, ખામોશ, ટોમ, ડિક એન્ડ હેરી જેવી અડધો ડઝન ફિલ્મોનું નિર્દેશન કર્યું. તેમાંની એકપણ ફિલ્મ સફળ થઇ ના શકી. કેટલીક તો અધવચ્ચે જ બંધ થઇ ગઇ. મોટાભાગની ફિલ્મોનો વિવાદ થયો. ‘મૈંને પ્યાર કિયા’ ગુમાવનાર દીપક તિજોરીની અભિનેતાથી નિર્માતા-નિર્દેશક સુધીની યાત્રામાં કોઇ ફિલ્મ ઉલ્લેખનીય ના રહી. તેની અભિનેતા અને નિર્દેશક તરીકેની કારકિર્દી નિષ્ફળતાથી જ ભરેલી રહી.

રાકેશ ઠક્કર