લોકપ્રિયતાનું મહાભારતઃ બી. આર. ચોપ્રા

મહાન ફિલ્મકાર બી.આર. ચોપ્રાનું નિધન ૫ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ૯૪ વર્ષની વયે મુંબઈમાં થયું હતું. ભારતીય ટેલીવિઝન અને હિન્દી ફિલ્મ જગતમાં એમનું અમૂલ્ય પ્રદાન છે. ‘નયા દૌર’, ‘સાધના’, ‘કાનૂન’, ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાઝ’ કે ‘નિકાહ’ જેવી યાદગાર ફિલ્મો માટે તો એ હંમેશા યાદ રહેશે જ, સાથે સાથે ભારતીય ટેલીવિઝનના ઇતિહાસની સૌથી લોકપ્રિય સિરિયલ ‘મહાભારત’ ના નિર્માણ-નિર્દેશન માટે પણ એમને હંમેશા યાદ  કરવામાં આવશે. ફિલ્મ-ટેલીવિઝન ક્ષેત્રે આ પ્રદાન માટે એમને પદ્મભૂષણ અને સિનેમા જગતના સૌથી ટોચના સન્માન ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા છે.

બલદેવ રાજ ચોપ્રાનો જન્મ લુધિયાણામાં ૨૨ એપ્રિલ, ૧૯૧૪ના રોજ થયો. લાહોરની યુનિવર્સિટી ઓફ પંજાબમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યા પછી કરિયરની શરૂઆત ફિલ્મ પત્રકાર તરીકે ૧૯૪૪માં લાહોરના ‘સિને હેરાલ્ડ’ માસિકથી કરી. દેશના ભાગલા પછી ચોપ્રાજી પહેલાં દિલ્હી અને પછી મુંબઈ આવ્યા. ૧૯૪૮માં એમનું પહેલું નિર્માણ ‘કરવટ’ ફિલ્મ રૂપે આવ્યું. ૧૯૫૫માં એમણે પોતાનું નિર્માણ ગૃહ ‘બી.આર. ફિલ્મ્સ’ શરૂ કર્યું અને ‘ગોલ્ડન જ્યુબીલી હીટ’ ફિલ્મ ‘નયા દૌર’ આપી.

સુપ્રસિધ્ધ ગાયક મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલે, શાયર સાહિર લુધિયાનવી અને સંગીતકાર રવિની ટીમ સર્જીને એમણે અનેક યાદગાર અને ઉત્તમ ગીતો આપ્યાં. દૂરદર્શન માટે બનાવેલી ‘મહાભારત’ સિરિયલને મળેલી જબ્બર સફળતા એમની કરિયરનું સુવર્ણશિખર છે.

(નરેશ કાપડીઆ-સુરત)