મહારાણી જેવો ઠસ્સો હતો વીણાનો

આપણે જેમને અભિનેત્રી વીણા તરીકે ઓળખીએ છીએ એ તાંજૌર સુલતાનાનું ૧૬ વર્ષ પહેલા ૧૪ નવેમ્બર, ૨૦૦૪ના રોજ મુંબઈમાં નિધન થયું હતું. ઇસ્લામિક પરિવેશની અને ખાસ કરીને શાહી અંદાજની ફિલ્મોમાં વીણાજી ભારે ઠસ્સાથી અભિનય કરતા.

એમના વિશે આપણી પાસે બહુ જાણકારી મળતી નથી, પણ આ સક્ષમ અભિનેત્રીએ ૭૦થી વધુ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. ખાસ કરીને મહારાણી, રાજકુમારી કે બેગમની ભૂમિકાઓ માટે એ નિર્માતા-દિગ્દર્શકની પહેલી પસંદ બની રહેતા.

વીણાજીનો જન્મ ૪ જૂલાઈ, ૧૯૨૬ના રોજ બલુચિસ્તાનના ક્વેટામાં થયો. ક્વેટામાં જન્મી પછી એમનો પરિવાર લાહોરની ચુના મંડીમાં આવીને વસ્યો હતો. ૧૯૪૨થી ૧૯૮૩ સુધી, લગભગ ચાર દાયકા સુધી, એ અભિનય કરતા રહ્યા. અભિનેતા અલ નસીર સાથે ૧૯૪૭માં એમણે નિકાહ પઢ્યા હતા અને એમને બે બાળકો હતા.

૧૯૪૨ની ઉર્દૂ ફિલ્મ ‘ગરીબ’ અને મેહબૂબ ખાન નિર્દેશિત પંજાબી ફિલ્મ ‘ગાવંધી’ જેવી ફિલ્મોમાં માત્ર ૧૬ વર્ષની ઉંમરે વીણાજીએ હિરોઈન રૂપે ફિલ્મી પડદા પર પગરણ માંડ્યા. દેશના ભાગલા પછી એમણે ભારતમાં રહેવાનું પસંદ કર્યું અને એમને એ કરિયરમાં ફળ્યું પણ ખરું. એમની કેટલીક જાણીતી ફિલ્મોમાં ‘હાલાકુ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘કાગઝ કે ફૂલ’, ‘તાજ મહાલ’, ‘દો રાસ્તે’ અને ‘પાકીઝા’ નો સમાવેશ થાય છે.

‘હુમાયુ’માં રાજકુમારી, ‘અફસાના’માં મીરાં, ‘હાલાકુ’માં મહારાણી, ‘કાગઝ કે ફૂલ’માં વીણા વર્મા, ‘તાજ મહાલ’માં મલ્લિકા-એ-આલમ નૂરજહાં, ‘સિકંદર-એ-આઝમ’માં સિકંદરના માતા, ‘પાકીઝા’માં નવાબ જાન, ‘મેરે ગરીબ નવાઝ’માં બેગમ બેગ, ‘ઝીલ કે ઉસ પાર’માં રાણી મા, ‘ફાઈવ રાઈફલ’મા મહારાણી, ‘શતરંજ કે ખિલાડી’મા ક્વિન મધર જેવી ભૂમિકાઓ એમણે સુપેરે અદા કરી છે.

એમની અભિનય યાત્રા છેક ‘રઝીયા સુલતાન’ (૧૯૮૩) સુધી ચાલુ રહી, જેમાં એ બેગમ શાહ તુરખાન રૂપે દેખાયા હતા. એ પછી વીણાજીએ ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિના ૨૧ વર્ષ પછી વીણાજી લાંબી માંદગી ભોગવીને ૭૮ વર્ષની ઉમરે જન્નતનશીન થયા હતા.

(નરેશ કાપડીઆ-સુરત)