દારા સિંહે આવડત વગર અભિનય કર્યો

દારા સિંહે જો ભવિષ્યની આર્થિક સલામતિનો વિચાર કર્યો ના હોત તો પહેલવાની સાથે ફિલ્મોમાં કામ કર્યું ના હોત. દારા સિંહે ક્યારેય ફિલ્મોમાં કામ કરવાનો વિચાર કર્યો ન હતો. તે પહેલવાન તરીકે ઘણા લોકપ્રિય અને વ્યસ્ત હતા. ૧૯૨૮ માં જન્મેલા દારા સિંહનું અસલ નામ દીદારસિંહ રંધાવા હતું. તે ૧૮ વર્ષની ઉંમર સુધી ગામમાં ખેતીવાડી સાથે કુશ્તીમાં ભાગ લેતા હતા.

ગામમાં એક પહેલવાનને જોઇને એના જેવા બનવાનો શોખ થયો હતો. યુવાનીમાં પોતાના કાકા સાથે સિંગાપુર ગયા ત્યારે રસ્તામાં મદ્રાસ બંદર પર એક કાગળમાં એમણે નામને સરળ કરવા દારા સિંહ લખી દીધું હતું. પછી એ જ નામથી કાયમ ઓળખાયા. સિંગાપુરમાં કુશ્તી પ્રખ્યાત હતી. દારાના મજબૂત અને વિશાળ શરીરને કારણે પંજાબીઓએ એમને વ્યાવસાયિક પહેલવાન બનવાનું સૂચન કર્યું. અને સિંગાપુરમાં રહેતા પંજાબીઓની મદદથી ત્રણ વર્ષની મહેનત બાદ દારાએ ૧૯૫૦ માં મલેશિયન ચેમ્પિયનશીપ જીતી.

૧૯૫૧ માં દારાએ શ્રીલંકામાં હંગેરીના પહેલવાન કિંગકોંગને હરાવ્યો. પાછળથી ‘કિંગકોંગ’ નામની ફિલ્મમાં દારાએ કામ કર્યું. ૧૯૫૩ માં દારા ભારતમાં ચેમ્પિયન બન્યા. ત્યારે પહેલવાનો માટે ફિલ્મ જોવા પર ઉસ્તાદોનો પ્રતિબંધ હતો. છતાં દારાએ કેટલીક ફિલ્મોમાં પહેલવાન તરીકે નાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘પહેલી ઝલક’ (૧૯૫૪) માં ઓમપ્રકાશ સાથે સપનામાં કુશ્તી લડવાનું દ્રશ્ય હતું. એમાં કોઇ સંવાદ ન હોવાથી વાંધો આવ્યો ન હતો. ફિલ્મ ‘ભક્તરાજ’ માં દારા સંવાદ બોલી શકતા ન હોવાથી રીટેક થઇ રહ્યા હતા ત્યારે નિર્દેશકે કુશ્તી લડવાના દ્રશ્યમાં મન ફાવે તેમ બોલવાનું કહી દીધું હતું. પછી ડબિંગ કરાવી લીધું હતું.

ફિલ્મોમાં કામ કરવાનું ગંભીરતાથી વિચારવા પાછળ દારા પાસે કારણ હતું. જાણીતા ગામા પહેલવાનની વૃધ્ધાવસ્થા ખરાબ રીતે વીતી હતી. કોલ્હાપુરના બુલેટ પહેલવાને છેલ્લા દિવસોમાં ઘોડાગાડી ચલાવવી પડી હતી. આ બધા ઉદાહરણોથી દારા સિંહને પોતાની હાલત આવી ના થાય એ માટે ફિલ્મોમાં વધુ કામ કરવાનો વિચાર આવ્યો હતો. જ્યારે નિર્માતા દેવી શર્માએ તેમની ફિલ્મ ‘કિંગકોંગ'(૧૯૬૨) ની મુખ્ય ભૂમિકા ઓફર કરી ત્યારે પહેલાં ડર એવો લાગ્યો કે લોકો મજાક તો નહીં ઉડાવે ને! બીજી વાત એમને અભિનય આવડતો ન હતો. નિર્માતાએ કહ્યું કે એમાં અભિનય કરવાનો નથી કુશ્તી જ કરવાની છે. અને કુશ્તી ચાલુ રાખવાની શરતે દારાએ ફિલ્મ સ્વીકારી લીધી. ફિલ્મો સાથે કુશ્તીની અનેક ચેમ્પિયનશીપમાં ભાગ લઇ દારા સિંહ વિજેતા બન્યા હતા. અમેરિકાના પહેલવાનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યા. અગાઉ આ બિરુદ ભારતના ગામા પહેલવાન પાસે જ હતું. દારા સિંહે ૧૯૮૩ માં કુશ્તીમાંથી નિવૃત્તિ લીધી ત્યારે પણ આ ખિતાબ એમની પાસે જ હતો.

દારાને સંવાદ બોલવાનું આવડતું ન હોવાથી ‘કિંગકોંગ’ ના શુટિંગ વખતે હિન્દી અને ઉર્દૂ શીખવવા માટે ઉસ્તાદ રાખવામાં આવ્યા હતા. ‘કિંગકોંગ’ સફળ થયા પછી દારા સિંહને અનેક નિર્માતાઓએ પોતાની સ્ટંટ ફિલ્મમાં લીધા. ૧૯૬૩ માં ‘ફૌલાદ’ ના નિર્માતા કોઇ જાણીતી હીરોઇનને લેવા માગતા હતા ત્યારે કોઇ હીરોઇન દારા જેવા સ્ટંટ ફિલ્મોના હીરો સાથે કામ કરવા તૈયાર ના થઇ. એ સમય પર મુમતાઝ નાની ભૂમિકાઓ કરતી હતી. તેણે હા પાડી અને ‘ફૌલાદ’ પછી એમની જોડી એટલી હિટ રહી કે એક ડઝન ફિલ્મોમાં દેખાઇ. દારા સિંહની જોડી નિશિ નામની અભિનેત્રી સાથે પણ એટલી જ સફળ રહી. દારા સિંહે ૮૦ થી વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. સ્ટંટ ઉપરાંત ધાર્મિક ફિલ્મોમાં દારા સિંહને પસંદ કરવામાં આવ્યા હતા. દારા સિંહને હીરો અને ચરિત્ર અભિનેતા જેટલી જ પ્રસિધ્ધિ ‘રામાયણ’ સિરિયલમાં ‘હનુમાન’ ની ભૂમિકાથી મળી હતી.