આશાએ નિરાશ થઇ અભિનય છોડ્યો

જાણીને નવાઇ લાગશે કે અભિનેત્રી આશા પારેખે કામ ન મળવાથી કે વધુ ઉંમરને કારણે નહીં પરંતુ નવી પેઢીના અભિનેતાઓના વલણથી નિરાશ થઇને અભિનય કરવાનું છોડી દીધું હતું. બાકી બાળપણથી જ અભિનયમાં આવેલા આશા પારેખ જલદી અભિનય છોડવાનું વિચારી શકે એમ ન હતાં. ૧૯૫૨ માં ‘આસમાન’ અને ‘મા’ જેવી ફિલ્મોમાં બાળ કલાકારથી અભિનય કારકિર્દી શરૂ કરનાર આશા પારેખ નેવુંના દાયકામાં પણ માની ભૂમિકાઓ સાથે સક્રિય રહ્યાં હતાં. બાળ કલાકાર તરીકે પાંચ વર્ષ કામ કર્યા પછી ખાસ સફળતા મળી ન હોવાથી આશાએ ફરી એક સામાન્ય છોકરીની જેમ શાળામાં જવાનું શરૂ કર્યું હતું. અને સોળ વર્ષની ઉંમરે ફરી ફિલ્મોમાં આવવાનો નિર્ણય કર્યો હતો.

આશાને સૌપ્રથમ નિર્દેશક વિજય ભટ્ટની ફિલ્મ ‘ગૂંજ ઉઠી શેહનાઇ’ મળી. ફિલ્મનું પાંચ દિવસ શુટિંગ કર્યા પછી વિજય ભટ્ટે એમ કહીને આશાને પડતી મૂકી કે એક હીરોઇનમાં હોવી જોઇએ એવી વાત તેનામાં નથી. અને એ સમયની સ્ટાર હીરોઇન અમિતાને લઇ ફિલ્મ શરૂ કરી. આશાએ પોતાની આત્મકથા ‘ધ હિટ ગર્લ’ માં આ અંગે લખ્યું છે કે એ સમય પર હું નવોદિત હતી. જ્યારે અમિતા સ્ટાર સ્ટાર હોવા છતાં અડધી ફીમાં ‘ગૂંજ ઉઠી શેહનાઇ’ સ્વીકારી લીધી હતી. આશાની આ વાતની ખબર નિર્દેશક નાસીર હુસેનને પડી. એમણે પોતાની નવી ફિલ્મ ‘દિલ દેકે દેખો’ માટે આશાને લઇ લીધી.

શમ્મી કપૂર સાથેની આ ફિલ્મથી આશાનો સિતારો ચમકી ગયો. જ્યારે ‘ગૂંજ ઉઠી શેહનાઇ’ થી અમિતા કરતાં રાજેન્દ્રકુમારને વધારે લાભ થયો. ‘દિલ દેકે દેખો’ પછી નાસીરની લગભગ બધી જ ફિલ્મોની તે હીરોઇન બનવા લાગી. આશાએ નાસિર હુસેનની ‘જબ પ્યાર કીસી સે હોતા હૈ’, ફિર વોહી દિલ લાયા હૂં, તિસરી મંઝિલ, બહારોં કે સપને, પ્યાર કા મૌસમ અને ‘કારવાં’ જેવી છ ફિલ્મો કરી. નાસિરે આશાને ગ્લેમરસ હીરોઇનની ઇમેજ આપી. જ્યારે રાજ ખોસલાએ દો બદન, ચિરાગ અને ‘મેં તુલસી તેરે આંગન કી’ માં ગંભીર ભૂમિકાઓ આપી અભિનેત્રી તરીકે વધુ લોકપ્રિયતા અપાવી. નિર્દેશક શક્તિ સામંતાની ડ્રામેટિક ફિલ્મો ‘પગલા કહીં કા’ અને ‘કટી પતંગ’ પણ કારકિર્દીમાં મહત્વની બની રહી.

આશાએ કારકિર્દીમાં લગભગ બધા જ જાણીતા અભિનેતાઓ સાથે ફિલ્મો કરી. તે એક સમયની સૌથી વધુ ફી લેતી અભિનેત્રી હતી અને દરેક હીરો માટે લકી ગણાતી હતી. શમ્મી પછી જોય મુખર્જી, બિશ્વજીત, શશી કપૂર અને રાજેશ ખન્ના માટે તે વધારે લકી રહી હતી. તેની સાથેની ફિલ્મોથી રાજેશ ખન્નાને સ્ટારડમ મળ્યું હતું. આશાએ સૌથી વધુ ફિલ્મો સુનીલ દત્ત અને ધર્મેન્દ્ર સાથે હીરોઇન તરીકે કરી હતી. ઉંમર વધી ગયા પછી જે હીરોની સાથે હીરોઇન બની હતી એમની પત્ની કે ભાભીની ભૂમિકાઓ ભજવવાનું પણ શરૂ કર્યું. કાલિયા, મંઝીલ મંઝીલ, પ્રોફેસર કી પડોશન, ઘર કી ઇજ્જત જેવી મલ્ટીસ્ટારર ફિલ્મોમાં એક દાયકા સુધી તે ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરતાં રહ્યાં. બોલીવૂડમાં કામની બદલાતી પધ્ધતિએ આશાને એવા નિરાશ કર્યા કે અભિનય કરવાનું છોડી દીધું.

એ વાતને યાદ કરતાં એક મુલાકાતમાં આશાએ કહ્યું છે કે,”હું એક ફિલ્મમાં માતાની ભૂમિકા ભજવતી હતી. શશી કપૂર મારા સહ અભિનેતા હતા. એમાં એક યુવાન હીરો હતો. હું અને શશી સમયસર સવારે સાડા નવ વાગે સેટ પર પહોંચી ગયા હતા. અમે સવારથી બેસી રહ્યા ત્યારે એ હીરો સાંજના સાડા છ વાગે ટહેલતો-ટહેલતો આવ્યો. તેની આ વર્તણૂંક અમને ના ગમી. મેં નક્કી કર્યું કે આ પછી કોઇ ફિલ્મમાં કામ કરીશ નહીં.” આશાએ પોતાની અભિનય યાત્રાને ૧૯૯૫ માં પૂરી કરી દીધી. એ પછી ફિલ્મોના કાર્યક્રમોમાં જરૂર હાજરી આપવાનું રાખ્યું છે પણ અભિનય કરતાં નથી.

(રાકેશ ઠક્કર- વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]