‘બેટા’થી સફળ નિર્દેશકનો જન્મ થયો  

નિર્માતા તરીકે ઇન્દ્રકુમારે અનિલ કપૂર સાથેની ફિલ્મ ‘કસમ’ (૧૯૮૮) ની નિષ્ફળતા પછી કસમ ખાધી હતી કે હવે પછી તે કોઇ ફિલ્મનું નિર્દેશન બીજાને સોંપશે નહીં જાતે જ કરશે. કેમકે વાર્તા કંઇક અલગ રહેતી હતી અને નિર્દેશક કંઇક અલગ બનાવતા હતા. ઇન્દ્રકુમારે પોતાનો નિર્દેશક બનવાનો વિચાર અનિલ સમક્ષ વ્યક્ત કર્યો ત્યારે એને આંચકો લાગ્યો હતો. પરંતુ પાછળથી સહયોગ આપ્યો હતો. ઇન્દ્રકુમારને નિર્દેશક બનવા પ્રેરિત કરનારાઓમાં જાવેદ અખ્તર એક હતા. જાવેદ જ્યારે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ની સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા ત્યારે નિર્માતા બોની કપૂરે એમના સાથ માટે ઇન્દ્રકુમારને પૂણે મોકલ્યા હતા.

એક દિવસ બંને બહાર ફરવા નીકળ્યા ત્યારે જાવેદે ઇન્દ્રકુમારને ઓળખી લીધા હોવાથી આગાહી કરી હતી કે તે એક સારા નિર્દેશક બનશે. ત્યારે ઇન્દ્રકુમારે નિર્દેશન વિશે વિચાર્યું ન હતું. પણ એ ખરેખર સાચું પડ્યું. બોનીએ દક્ષિણની એક ફિલ્મના અધિકાર મેળવી રાખ્યા હતા. તેના પરથી ઇન્દ્રકુમારને ફિલ્મ ‘બેટા’ (૧૯૯૨) નું નિર્દેશન કરવા કહ્યું. અસલમાં અનિલ કપૂર- શ્રીદેવી સાથે એ ફિલ્મ બીજા કોઇ નિર્દેશક બનાવવાના હતા. એમનું યુવાનીમાં જ મોત થઇ જતાં બોનીએ ઇન્દ્રકુમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો. ઇન્દ્રકુમાર નિર્દેશક બન્યા પછી શ્રીદેવીએ કોઇ કારણથી ના પાડી દીધી. ઇન્દ્રકુમારે એ પછી ઘણી હીરોઇનોનો સંપર્ક કર્યો પણ કોઇ સાથે વાત નક્કી ના થઇ શકી. ત્યારે ઇન્દ્રકુમારે માધુરી દિક્ષિતનું નામ સૂચવ્યું.

અનિલને માધુરી સાથે હવે કામ કરવામાં ડર લાગ્યો. કેમકે તેની સાથેની છ ફિલ્મો ફ્લોપ થઇ ચૂકી હતી. બીજા ઘણાએ માધુરી પર ફ્લોપનો થપ્પો લાગી ચૂક્યો હોવાથી એને અપશુકનિયાળ ગણી હતી. ત્યારે ઇન્દ્રકુમારને માધુરી ‘સરસ્વતી’ તરીકે વધુ યોગ્ય લાગી હતી. છેલ્લે અનિલ પણ માધુરી સાથે કામ કરવા તૈયાર થઇ ગયો. ઇન્દ્રકુમારે ‘બેટા’ માં બહેન અરુણા ઇરાનીને લેવાનું વિચાર્યું ન હતું. ‘લક્ષ્મી’ ની એ ભૂમિકા માટે થિયેટરની એક અભિનેત્રી નક્કી થઇ ચૂકી હતી. જ્યારે ઇન્દ્રકુમારે અરુણાને લેવાની વાત કરી ત્યારે સંવાદ લખતા કાદર ખાને ના પાડી દીધી. તેનું કારણ એ હતું કે તેમની સાથે અરુણા કોમેડી ભૂમિકાઓ કરતી હતી. પછી સંજોગ એવા બન્યા કે ઇન્દ્રકુમારને કાદર ખાન સાથે કોઇ બાબતે વાંધો પડ્યો અને એમને ના પાડી દીધી. પછી કમલેશ પાંડેએ સંવાદ લખ્યા.

 

પાછળથી બન્યું એવું કે ફિલ્મ શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં જાવેદ અખ્તરે બોની સાથે વાત કરીને ઇન્દ્રકુમારને ફોન કર્યો કે ‘લક્ષ્મી’ ની ભૂમિકામાં અરુણા ને જ લેવી જોઇએ. અને ઇન્દ્રકુમારે અરુણા ઇરાનીને મનાવીને ભૂમિકા માટે તૈયાર કરી લીધા. નવાઇની વાત એ છે કે ‘બેટા’ (૧૯૯૨) પહેલી શરૂ થઇ હતી પણ ‘દિલ’ (૧૯૯૦) જલદી રજૂ થઇ ગઇ. બંને ફિલ્મો સુપરહિટ રહી હતી. જોકે, ‘બેટા’ ને ફિલ્મફેરમાં નિર્દેશક સિવાયના પાંચ એવોર્ડ મળ્યા હતા. જ્યારે ‘દિલ’ માટે ઇન્દ્રકુમારનું નામાંકન થયું ન હતું.