અમૃતાને ‘મર્દ’ માં વધુ તક મળી   

નિર્દેશક મનમોહન દેસાઇએ અમિતાભ સાથે ‘મર્દ’ (૧૯૮૫) નું આયોજન કર્યું ત્યારે એમાં બે હીરોઇન હતી. પરંતુ બીજી હીરોઇન ન મળતાં એક જ હીરોઇન રાખીને એની ભૂમિકા લંબાવી દેવામાં આવી હતી. ‘મર્દ’ ની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી ત્યારે મનમોહનની આ પહેલી એવી ફિલ્મ હતી જેમાં અમિતાભ સાથે બીજો કોઇ હીરો ન હતો પરંતુ બે હીરોઇનો હતી. એક હીરોઇન તરીકે ‘બેતાબ’ (૧૯૮૩) થી પ્રવેશ કરનારી અમૃતા સિંહનું નામ નક્કી હતું. અને બીજી હીરોઇન તરીકે અમિતાભ સાથે અગાઉ કામ કરનારી અભિનેત્રીઓ અંગે પહેલાં વિચારણા થઇ હતી. જેમાં અનેક જાણીતી હીરોઇનોનો વિચાર થયો હતો. અમિતાભે ‘સિલસિલા’ (૧૯૮૧) પછી રેખા સાથે કામ કરવાનું બંધ કરી દીધું હોવાથી એનું નામ પહેલાં જ નીકળી ગયું હતું. ત્યારે પરવીન બૉબી દેશ છોડી ચૂકી હતી. ઝીનત અમાને લગ્ન કરી લીધા હતા. રાખીએ માતાની ભૂમિકાઓ કરવાનું શરૂ કરી દીધું હતું.

હેમામાલિની મહત્વની અને મજબૂત ભૂમિકાઓ જ સ્વીકારતી હતી. મનમોહને રીના રૉયનો સંપર્ક કર્યો ત્યારે તેણે મોહસીન ખાન સાથે લગ્ન કરીને અભિનયમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી દીધી. સલમા આગાને પણ ‘મર્દ’ ઓફર થઇ હતી. તેણે અંગપ્રદર્શન થાય એવા કપડાં પહેરવાના હોવાથી ના પાડી દીધી હતી. રતિ અગ્નિહોત્રીએ આ કારણથી જ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. ત્યારે સુચિત્રા સેનની પુત્રી મુનમુન સેનનું નામ મનમોહને વિચાર્યું હતું. જ્યારે એના ફોટા જોયા ત્યારે વિચાર માંડી વાળ્યો હતો. અનેક અભિનેત્રીઓ સાથે વાત કર્યા પછી ફિલ્મની બીજી હીરોઇન ના મળતાં સ્ક્રીપ્ટને બદલીને એક જ હીરોઇન અમૃતા સિંહ કરવામાં આવી હતી. એની ભૂમિકાને લંબાવી દેવામાં આવી હતી. અને અમૃતાને અમિતાભ સાથેની પહેલી ફિલ્મમાં વધુ તક મળી ગઇ હતી.

ફિલ્મના ગીતોએ ધૂમ મચાવી દીધી હતી. મનમોહન દેસાઇની ફિલ્મોનું સંગીત લક્ષ્મીકાંત –પ્યારેલાલ આપતા હતા. પરંતુ ‘મર્દ’ માટે જ્યારે મુદત લઇને મનમોહન એમની પાસે પહોંચ્યા ત્યારે એમણે બીજા દિવસે મળવાનું કહ્યું હતું. મનમોહને એમને ફરી મળવા જવાનું ટાળ્યું હતું અને અનુ મલિકને સંગીતકાર તરીકે લેવામાં આવ્યો હતો. કેમકે અનુ એમના સંપર્કમાં આવી ગયો હતો. નૃત્ય નિર્દેશક કમલ માસ્ટરે અનુની મનમોહન સાથે મુલાકાત કરાવી હતી. ‘સોહની મહિવાલ’ (૧૯૮૪) નું ટાઇટલ ગીત ‘રબ મુઝે માફ કરે’ સાંભળીને કમલે અભિનંદન આપ્યા ત્યારે અનુએ મનમોહન સાથે મુલાકાત કરાવવાની વાત કરી હતી.

મનમોહને અનુ પાસેથી બે-ત્રણ ગીતોની ધૂન સાંભળ્યા પછી મળતા રહેવા કહ્યું હતું. દરમ્યાનમાં ‘મર્દ’ નું આયોજન થયું એટલે અમિતાભ અને મનમોહને ચાંદીવલી સ્ટુડિયોમાં અનુને બોલાવી એની ધૂનો સાંભળી હતી. અમિતાભે અનુને તેની પાસે હોય એટલી બધી જ ધૂન સંભળાવવાનું ફરમાન કર્યું હતું. તેમાં ખાસ કરીને ‘સુન રુબિયા’ ની ધૂનથી પ્રભાવિત થઇને અનુને પસંદ કરી લીધો હતો. મનમોહનની ફિલ્મોમાં અમિતાભ માટે ગાતા કિશોરકુમારને બદલે ‘મર્દ’ માં શબ્બીરકુમારનો અવાજ લેવામાં આવ્યો હતો. તેનું કારણ એવું મનાય છે કે અમિતાભે કિશોરકુમારની નિર્માતા તરીકેની એક ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હોવાથી કિશોરકુમારે ‘મર્દ ના ગીતો ગાવામાં રસ બતાવ્યો ન હતો.