‘દીવાર’ માં અમિતાભનું પ્રદાન

અમિતાભ બચ્ચન–શશી કપૂરની યશ ચોપડા નિર્દેશિત ફિલ્મ ‘દીવાર’ (૧૯૭૫) ના દ્રશ્યો યાદગાર બની ગયા એની પાછળ અમિતાભની પણ ઘણી મહેનત હતી. અમિતાભ યશજીની જ એક ફિલ્મમાં કામ કરતા હતા ત્યારે સલીમ-જાવેદે તેમને ‘દીવાર’ ની વાર્તા સંભળાવી હતી. એ પસંદ આવતાં અમિતાભે યશજીને વાત કરી હતી. ફિલ્મનું મોટાભાગનું શુટિંગ રાત્રિના સમયમાં થયું છે. એનું કારણ એ રહ્યું કે અમિતાભ ત્યારે દિવસે ‘શોલે’ (૧૯૭૫)નું શુટિંગ કરતા હતા અને ‘શોલે’ નું પૂરું થયા પછી ‘કભી કભી’ (૧૯૭૫)નું પણ કરતા હતા. અમિતાભે કામદાર ‘વિજય વર્મા’ ની ભૂમિકામાં જે કપડાં પહેર્યા છે એ અસલમાં દરજીની ભૂલ હતી.

અમિતાભનું શર્ટ ભૂલથી લાંબું બની ગયું હતું. જેને આગળથી ગાંઠથી બાંધવામાં આવ્યું હતું. ત્યારે એ શર્ટ પહેરવાની એક સ્ટાઇલ બની હતી. પિતાના અંતિમ સંસ્કારના દ્રશ્યમાં અમિતાભ જમણાને બદલે ડાબા હાથે અગ્નિ આપે છે. હાથ પર લખેલું ‘મેરા બાપ ચોર હૈ’ વાંચી શકાય એ માટે અમિતાભે જ દ્રશ્યમાં ફેરફારનું સૂચન કર્યું હતું. અમિતાભે માર્શલ આર્ટથી ફાઇટીંગ કરી હતી અને ‘દીવાર’ થી જ ભારતીય ફિલ્મોમાં માર્શલ આર્ટનો ઉપયોગ શરૂ થયો હોવાનું કહેવાય છે. ચિત્રકાર દીવાકર કરકરે દ્વારા તૈયાર થયેલા દરેક પોસ્ટરમાં વાર્તાનો અંદાજ આપવામાં આવ્યો હતો. એક પોસ્ટરમાં અમિતાભના ચહેરા પરનો ગુસ્સો બતાવવા માથા પાસે ચાકુ બતાવવામાં આવ્યું હતું. ફિલ્મના આ પોસ્ટરે અમિતાભની ‘એન્ગ્રી યંગ મેન’ ની છબિને વધારે મજબૂત બનાવી હતી.

ફિલ્મના ક્લાઇમેકસમાં અમિતાભે લાંબો મૉનોલોગ બોલ્યો છે એ દ્રશ્ય માટે ઘણી મહેનત કરવામાં આવી હતી. કેમકે અમિતાભ અસલ જીવનમાં પૂજારી છે પણ ફિલ્મમાં એમના પાત્રને નાસ્તિક બતાવવામાં આવ્યું છે. અંતમાં ભગવાન શિવની પ્રતિમા સામે અમિતાભે સંવાદો બોલાવના હતા. ‘આજ ખુશ તો બહુત હોગે તુમ’ એ દ્રશ્યને વાસ્તવિક બનાવવા નિર્દેશક યશ ચોપડાએ અમિતાભ સાથે એક રૂમમાં કલાકો સુધી રિહર્સલ કર્યું હતું. અમિતાભે પંદર રીટેક પછી દ્રશ્યને યોગ્ય રીતે ભજવ્યું હતું. મંદિરના એ દ્રશ્યના શુટિંગનું ડબિંગ કરવાનું મુશ્કેલ હતું. શુટિંગ દરમ્યાન બહારના અવાજોને રોકી શકાયા ન હતા. એક દ્રશ્યમાં ટ્રોલીનો અવાજ આવે છે તો મૃત્યુના દ્રશ્યમાં ઘડિયાળની ઘંટડી વાગે છે.

ક્લાઇમેક્સના શુટિંગ વખતે જ વરસાદ પડતાં શુટિંગને રોકવામાં આવ્યું હતું. યશજી અને સલીમ-જાવેદ ફિલ્મમાં એકપણ ગીત રાખવાના પક્ષમાં ન હતા. નિર્માતા ગુલશન રાયના આગ્રહથી ગીતો રાખવામાં આવ્યા હતા. સલીમ- જાવેદે જ્યારે અમિતાભના નામનું સૂચન કર્યું ત્યારે ગુલશન રાયે એમને મજાકમાં પૂછ્યું હતું કે તમે બધી જ ફિલ્મોમાં અમિતાભને લેવાનું કહો છો તો શું એ તમને કમિશન આપે છે? અસલમાં એમણે આ ફિલ્મ માટે રાજેશ ખન્નાને પસંદ કર્યા હતા. પરંતુ પછી અમિતાભ જ ન્યાય આપી શકશે એમ માની ગયા હતા. ફિલ્મનું નામ ‘દીવાર’ સપાટ લાગતું હોવાથી બદલવા માંગ થઇ હતી. પરંતુ સલીમ-જાવેદ તૈયાર થયા ન હતા.

દિલીપકુમારની ‘ગંગા જમના’ પરથી પ્રેરિત ગણાતી સલીમ-જાવેદની ‘દીવાર’ એટલી બધી લોકપ્રિય અને સફળ રહી હતી કે હોલિવૂડમાં એની વાર્તા પરથી ‘ધ બ્રધર્સ’ બનાવવામાં આવી હતી. એન.ટી. રામારાવે તેલુગુમાં ‘માગાડુ’ નામથી રીમેક બનાવી હતી. જ્યારે મમૂટી સાથે મલયાલમમાં ‘નાથી મુથાઇ નાથી વારે’ બનાવવામાં આવી હતી. તમિલમાં રજનીકાંત સાથે ‘થી’ નામથી ફિલ્મ બની હતી.