પ્રાણ: પઠાણના રોલમાં પ્રાણ પૂર્યા

પ્રાણની વચન બધ્ધતાનો એક કિસ્સો અભિનેતા તરીકે તેમના પ્રત્યેનું માન વધારે એવો છે. જો પ્રાણે અમિતાભ બચ્ચન સાથેની ‘જંજીર’ (૧૯૭૩) ઉપરાંત મનોજકુમારની ‘શોર’ (૧૯૭૨)માં પણ પઠાણની ભૂમિકા ભજવી હોત તો પણ એમને ‘જંજીર’ માટે જ વધુ યાદ કરવામાં આવતા હોત. એનું કારણ અમિતાભની સૌથી પહેલી સુપરહિટ ફિલ્મ હતી એ સાથે એમણે ‘શેર ખાન’ ની ભૂમિકામાં પ્રાણ પૂર્યા હતા એ છે. મનોજકુમારે ‘શોર’ ની યોજના બનાવી ત્યારે એમાં એક ભૂમિકા પ્રાણને ભજવવા કહ્યું. ફિલ્મની વાર્તા સાંભળ્યા પછી પ્રાણને ખબર પડી કે એમાં તેમની ભૂમિકા એક પઠાણ ‘ખાન બાદશાહ’ ની છે.

પ્રાણ અગાઉ મનોજકુમારની ‘ઉપકાર’ (૧૯૬૭) અને ‘પૂરબ ઔર પશ્ચિમ’ (૧૯૭૦) માં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હોવા છતાં એમની ‘શોર’ માં કામ કરવાની ના પાડી દીધી. તેનું કારણ એ હતું કે પ્રાણ ત્યારે પ્રકાશ મહેરાની ‘જંજીર’ માં એવી જ પઠાણ ‘શેર ખાન’ ની ભૂમિકા માટે કરારબધ્ધ થયા હતા. એક જ સમયમાં એકસરખી ભૂમિકા બે ફિલ્મમાં નિભાવવાનું તે યોગ્ય માનતા ન હતા. પ્રાણે મનોજકુમારને આ વાત કરીને પોતાની મજબૂરી જણાવી. મનોજકુમારે આગ્રહ કર્યો ત્યારે પ્રાણે કહ્યું કે હું પ્રકાશ મહેરાની એક ફિલ્મમાં પઠાણની ભૂમિકા માટે હા પાડી ચૂક્યો છું અને જબાનનો પાકો છું. ત્યારે મનોજકુમારે એનો કોઇ રસ્તો બતાવવા કહ્યું. પ્રાણે એવું સૂચન કર્યું કે ‘શોર’ નું પઠાણનું પાત્ર કોઇ બીજા પાત્રમાં બદલી નાખો. મનોજકુમારે પ્રાણને કહ્યું કે હું તમારી વચન બધ્ધતાની પ્રશંસા કરું છું. તમે પ્રકાશ મહેરા સાથે વચનથી બંધાયેલા છો તો હું મારી સ્ક્રિપ્ટથી બંધાયેલો છું. ફિલ્મની સ્ક્રિપ્ટને બદલી શકું નહીં. આ કારણે મનોજકુમારે ‘શોર’ માં પઠાણની ભૂમિકા માટે પ્રેમનાથને લીધા હતા.

પ્રાણે મનોજકુમારની ફિલ્મમાં કામ કરવાની ના પાડી એ કારણે એવી વાત ફેલાઇ કે બંને વચ્ચે અણબનાવ છે. આ વાતનો ઉલ્લેખ કરીને પ્રાણની આત્મકથા ‘ઔર પ્રાણ’ માં મનોજકુમારે ખુલાસો કરતાં કહ્યું છે કે આવું કંઇ જ ન હતું. પ્રાણ પાકા સિધ્ધાંતવાદી રહ્યા છે. ત્રણ દિવસ પછી મેં એમને ફિલ્મ ‘દસ નંબરી’ ની વાર્તા સાંભળવા બોલાવ્યા હતા. એ ફિલ્મમાં પ્રાણે ‘હવાલદાર કરનસિંહ બાદશાહ’ની ભૂમિકા ભજવી હતી. પ્રાણે મનોજકુમારની ફિલ્મ ‘શોર’ માં કામ કરવાનો ઇન્કાર કર્યો એનું બીજું એક કારણ પણ હતું. તે પોતાની દરેક ફિલ્મમાં બોલચાલ, ગેટઅપ, હાવભાવ અલગ હોય એનું ધ્યાન રાખતા હતા. ‘જંજીર’ અને ‘શોર’ ની વાર્તા અલગ હતી. પરંતુ એક પઠાણની ભૂમિકાને અલગ રીતે નિભાવી શકાય એમ ન હતી. પ્રાણે ‘જંજીર’ ની પઠાણની ભૂમિકાને એટલો સારો ન્યાય આપ્યો કે પ્રેમનાથની ‘શોર’ ની પઠાણની ભૂમિકા કરતાં વધારે શોર મચાવી દીધો!

(રાકેશ ઠક્કર-વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]